દિવાળીની ખરીદીના ટાંકણે જ રાજકોટના આંગણે રેસકોર્સ મેદાનમાં રાષ્ટ્રીય કક્ષાનો સરસ મેળો યોજાયો છે. આ મેળો દેશભરની પરંપરાગત કળા, હસ્તકલા અને હેન્ડલૂમનું આકર્ષક કેન્દ્ર બન્યો છે. છેલ્લા છ દિવસમાં 154 સ્ટોલ સંચાલકો અને 10 ફૂડ સંચાલકોએ રૂ.2 કરોડ 40 લાખનો વેપાર કર્યો છે. હજુ 5 તારીખ સુધીમાં 2.50 કરોડના માલ- સામાન વેચાણની આશા દર્શાવી છે. સરસ મેળામાં કાશ્મીરના આરી વર્કથી લઈને આસામના બામ્બુ આર્ટ, રાજસ્થાનના વૂડ વર્ક, તેલંગાણાના ખાદી વર્ક, બંગાળના કોટન હેન્ડલૂમ અને ગુજરાતના મંડલા વર્ક સહિત વિવિધ રાજ્યોનાં વિશિષ્ટ ઉત્પાદનોની ખરીદી કરવાની તક અહીં મુલાકાતીઓને મળી રહી છે. આ મેળો માત્ર ખરીદીનું સ્થળ નથી, પરંતુ મહિલા સ્વ-સહાય જૂથોની મહેનત, કૌશલ્ય અને સ્વાવલંબનની પ્રેરક ગાથા પણ રજૂ કરે છે.ગુજરાત લાઇવલીહૂડ મિશન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સરસ મેળામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કારીગરો અને મહિલા સ્વ-સહાય જૂથો પોતાના પરંપરાગત ઉત્પાદનો સાથે જોડાયાં છે. તેમની કળાને બજાર મળે છે, ગ્રાહકો સુધી સીધી પહોંચ વધે છે અને સ્થાનિક કારીગરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવાની તક મળે છે. ધાર્મિક પ્રસંગોમાં પહેરાતી બંગાળની કોટન હેન્ડલૂમ સાડીઓનું આકર્ષણ
પશ્ચિમ બંગાળના બેગમપુરથી આવેલાં ‘જ્યોતિ સ્વનિર્ભર ગોષ્ઠિ’ જૂથનાં અપર્ણા દાસગુપ્તા સેન હાથવણાટથી તૈયાર થતી કોટન હેન્ડલૂમ સાડીઓનું વેચાણ કરે છે. બંગાળની પરંપરાગત વણાટકળા અને વિવિધ રંગો તથા ડિઝાઇનથી સજ્જ આ સાડીઓ મહિલાઓમાં લોકપ્રિય છે. બ્લોક પ્રિન્ટિંગની પદ્ધતિથી એક સાથે આશરે 30 સાડીઓ પર સમાન ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. ધાર્મિક અને પરંપરાગત પ્રસંગોએ પહેરવા માટે આ સાડીઓ ખાસ પસંદ કરવામાં આવે છે. કાશ્મીરી અને પશ્મીના શાલની રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી માંગ વધી
કાશ્મીરના બારામુલ્લાહ જિલ્લાના ‘મલિકપોરા ફ્રન્ટ સેલ્ફ હેલ્પ ગ્રૂપ’નું પ્રતિનિધિત્વ કરતાં જમીલા બેગમે મેળામાં પરંપરાગત કાશ્મીરી શાલ, પશ્મીના શાલ, આરી વર્ક, ઉપરાંત, માત્ર સોયથી દોરાને ગૂંથીને ઉપસાવવાથી ડિઝાઇન જેવું સોજમી વર્ક તથા તાંબાના વાયરથી ગૂંથીને ઉપસાવેલી તિલ્લા વર્કની ડિઝાઇન, ઊન અને રેશમ મિશ્રિત કાપડ તેમજ ડ્રેસ મટિરિયલ્સ અને બારિક ભરતકામવાળા કાશ્મીરી વસ્ત્રોનો સ્ટોલ લગાવ્યો છે. રંગબેરંગી અને કલાત્મક કાશ્મીરી વસ્ત્રો ખરીદવાનો રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ છે.
દિવાળી ફળી:રેસકોર્સના સરસ મેળામાં 6 દી’માં 164 ફૂડ સંચાલકોએ રૂ.2.40 કરોડનો વેપાર કર્યો
📅 Published: November 1, 2026 |
📂 Category: gujarati-news
