મહેસાણા ખાતે IMA ની 78મી વાર્ષિક રાજ્યકક્ષાની કોન્ફરન યોજાઈ:ડોક્ટરો માટે લેટેસ્ટ મેડિકલ ટેકનોલોજીથી લઈને બોન્ડ પૉલિસી અને ઝોલાછાપ તબીબો સામે કડક કાયદાની માંગ ઉઠી

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચની 78મી વાર્ષિક કોન્ફરન્સ આ વર્ષે મહેસાણા IMA બ્રાન્ચ દ્વારા 22 વર્ષના લાંબા અંતરાલ બાદ ભવ્ય રીતે યોજાઈ હતી. અગાઉ આ કોન્ફરન્સ આજથી 22 વર્ષ પહેલાં મહેસાણાના શંખુઝ વોટરપાર્ક ખાતે યોજાઈ હતી. બે દિવસ સુધી ચાલેલા આ ભવ્ય સંમેલનમાં ગુજરાતભરના નાના-મોટા શહેરોમાંથી કુલ 1500થી વધુ એમ.બી.બી.એસ., એમ.ડી. અને એમ.એસ. તબીબો, 400 જેટલા જૂનિયર ડોક્ટરો તેમજ 300 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ અંગે માહિતી આપતા IMA ના મુખ્ય પ્રેસિડેન્ટ ડો. અનિલ નાયક અને ગુજરાત IMA ના પ્રેસિડેન્ટ ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ બે દિવસીય અધિવેશનમાં છેલ્લા 5 વર્ષમાં આરોગ્યક્ષેત્રે સામે આવેલા પડકારરૂપ રોગો અને તેની જટિલ સમસ્યાઓના નિવારણ માટે રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના નિષ્ણાત ફેકલ્ટી તબીબો દ્વારા વિશેષ વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. સારવાર પદ્ધતિમાં આવેલા અત્યાધુનિક લેટેસ્ટ બદલાવો અને નવી ટેકનિકથી ડેલિગેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી આ જ્ઞાનનો સીધો અને પૂરેપૂરો લાભ ગામડાના નાનામાં નાના અને ગરીબ નાગરિકો સુધી પહોંચાડી શકાય. સંમેલન દરમિયાન ગુજરાત સરકારના તબીબો અને આરોગ્ય ક્ષેત્રને નડતી વિવિધ સમસ્યાઓ અને પડકારો વિશે સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ચાર મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રાહતની માંગ
સરકાર દ્વારા તાજેતરમાં બે વર્ષ પછી ફરી લાગુ કરાયેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સંદર્ભે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 40 બેડથી ઓછી ક્ષમતા ધરાવતી હોસ્પિટલોને માત્ર રજિસ્ટ્રેશનની છૂટ મળે અને કાયદો સીધો લાગુ ન થાય તેવી માંગ કરવામાં આવી છે, જેથી નાની હોસ્પિટલો બંધ થતી અટકાવી શકાય. મેડિકલ બોન્ડ પૉલિસી અને બેરોજગારીનો મુદ્દો
મેડિકલ અભ્યાસ (એમ.બી.બી.એસ. અને એમ.ડી.) પૂરો કર્યા બાદ એડમિશન સમયે વિદ્યાર્થીઓ પાસેથી 20 લાખથી 40 લાખ સુધીના ભારેખમ બોન્ડ લેવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ સરકાર સમયસર નોકરી આપી શકતી નથી, જેના કારણે હાલ આશરે 4000 જેટલા એમ.બી.બી.એસ. તબીબો બેકાર ફરી રહ્યા છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાંથી પણ આ બોન્ડ પૉલિસી નાબૂદ કરવામાં આવે અથવા બેકાર તબીબોને ત્વરિત સરકારી નોકરી પૂરી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઝોલાછાપ (નકલી) ડોક્ટરો સામે કડક દંડની જોગવાઈ
સમાજના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઝોલાછાપ તબીબો સામેના કાયદામાં અત્યંત કડકાઈ લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતની સ્થાપના બાદ વર્ષ 1963માં બનેલા કાયદા મુજબ પહેલી વખત પકડાય તો માત્ર 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયાનો દંડ કે 6 મહિનાની સજાની જોગવાઈ છે. વર્ષ 1963માં 10 ગ્રામ સોનાની કિંમત આશરે 35 રૂપિયા હતી અને તે જમાનામાં 500 રૂપિયાનું મૂલ્ય ઘણું મોટું હતું, પરંતુ આજે સોનાનો ભાવ દોઢ લાખ રૂપિયા સુધી પહોંચ્યો હોવા છતાં જૂનો સામાન્ય દંડ નકલી ડોક્ટરો માટે ડર ઊભો કરી શકતો નથી. તેથી આ દંડની રકમમાં ધરખમ વધારો કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. મેડિકલ કોલેજોની વધતી ફી નિયંત્રણમાં રાખવી
સરકાર દ્વારા ગ્રીન બેલ્ટ, બ્રાઉન બેલ્ટ અને જી.એમ.આર.એસ. કોલેજો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમજ હોસ્પિટલ માટે જમીન પણ રાહતદારે (એક રૂપિયાના ભાડે) ફાળવવામાં આવે છે, ત્યારે મેડિકલ વિદ્યાર્થીઓની ફી સાત લાખથી વધારીને 18 થી 20 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સામાન્ય પરિવારો આટલી ઊંચી ફી ભરી શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓની હિતમાં આ ફી ઘટાડવામાં આવે અને ભવિષ્યમાં તેમાં પુનઃ વધારો ન કરવામાં આવે તેવી ખાસ વિનંતી કરવામાં આવી છે.IMA હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે તબીબી આલમ અને સામાન્ય જનતાના હિત માટે સરકાર સાથેનો આ વૈચારિક સંઘર્ષ અને રચનાત્મક રજૂઆતોનો દોર આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *