Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી લાગી ભીષણ આગ; હોટમિક્સ કચરો ભડકે બળતાં તોતિંગ વૃક્ષો ઝપેટમાં

📅 Published: November 1, 2026 | 📂 Category: Surat

ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ જેવા વૈશ્વિક પ્રોજેક્ટ્સની સાવ અડીને આવેલા સુરતના ખજોદ ડમ્પિંગ યાર્ડમાં ફરી એકવાર આગનો ભયાનક તાંડવ જોવા મળ્યો છે. આજે વહેલી સવારે આશરે સાતેક વાગ્યાના સુમારે ડમ્પિંગ સાઇટ પર એકત્રિત કરાયેલા હોટમિક્સ કચરાના વિશાળ ઢગલામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કચરાના ઢગલાની આસપાસ ઊભેલા મોટા-મોટા લીલાછમ વૃક્ષો પણ લપેટાઈ ગયા હતા અને આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયા હતા.આકાશમાં કિલોમીટરો દૂર સુધી કાળા ડિબાંગ ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ૪ જેટલી ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ડ્રોન દ્રશ્યોમાં આગનું ભયાનક સ્વરૂપ

 સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ ડમ્પિંગ સાઇટના હોટમિક્સ કચરાના બ્લોકમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં આગ આખા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી.આગની ગરમી અને પવનના કારણે ડમ્પિંગ યાર્ડની સરહદ પર આવેલા મોટા વૃક્ષો પણ આગની લપેટમાં આવીને બળવા લાગ્યા હતા. આગના સામે આવેલા હવાઈ (આકાશી) દ્રશ્યોમાં ડમ્પિંગ સાઇટનો મોટો હિસ્સો સળગતો નજરે પડી રહ્યો છે. ઝેરી કેમિકલ અને પ્લાસ્ટિક કચરો હોવાના કારણે આગ વારંવાર અંદરથી ભભૂકી રહી છે.હાલ સુરત ફાયર વિભાગની ૪ ગાડીઓ ઘટનાસ્થળે સતત પાણી અને ફોમનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે.

એક જ વર્ષમાં 3 થી 4 વખત આગ

છેલ્લા એક જ વર્ષની અંદર ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની આ ત્રીજીથી ચોથી ઘટના સામે આવી છે, જે દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકા (SMC) નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માત્ર કાગળ પર જ ચાલે છે.કચરામાંથી સતત ઉત્પન્ન થતા મિથેન ગેસના વૈજ્ઞાનિક નિકાલ કે કૂલિંગ સિસ્ટમ ગોઠવવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.થોડા દિવસો પહેલાં જ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અને નવા એક્શન પ્લાનના દાવા કરવામાં આવ્યા હતા, ત્યારે વારંવાર સળગતી આ ડમ્પિંગ સાઇટ આસપાસના હજારો પરિવારોના આરોગ્ય સામે મોટો ખતરો બની ગઈ છે.

આ પણ વાંચો: Surat: નવીપારડીમાં પિતાની નજર સામે જ 1 વર્ષના માસૂમ પર ટેમ્પો ફરી વળ્યો, પિતાની નજર સામે જ જિંદગી છીનવાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *