Surat: નવીપારડીમાં પિતાની નજર સામે જ 1 વર્ષના માસૂમ પર ટેમ્પો ફરી વળ્યો, પિતાની નજર સામે જ જિંદગી છીનવાઈ

📅 Published: November 1, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ગામમાંથી કાળજું ચીરી નાખતી અને હૃદય ધ્રૂજાવી દે તેવી અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. નવીપારડીની હદમાં આવેલા ખોડિયાર નગર ખાતે પોતાના ઘરના આંગણામાં નિર્દોષ ભાવે રમી રહેલા માત્ર એક જ વર્ષના માસૂમ બાળક પર એક કાળમુખો ટેમ્પો ફરી વળ્યો હતો. ટેમ્પો ચાલકે પાછળ જોયા વિના બેદરકારીપૂર્વક વાહન રિવર્સ લેતાં માસૂમ ટેમ્પાના પાછળના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ ગયો હતો.પોતાના વ્હાલસોયા દીકરાને કાળના મુખમાં ધકેલાતો જોઈ પિતા તેને બચાવવા દોડ્યા હતા, પરંતુ તેમની નજર સામે જ માસૂમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ કમકમાટીભરી ઘટનાના રૂંવાડાં ઊભાં કરી દેતા સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માત સર્જીને નિર્દયી ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો, જેના પગલે કામરેજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘરના આંગણે રમતો હતો માસૂમ

નવીપારડી ગામના ખોડિયાર નગરમાં શ્રમિક પરિવારનું એક વર્ષનું બાળક ઘરના દરવાજા નજીક શેરીમાં રમી રહ્યું હતું. શેરીમાં ઉભેલા એક માલવાહક ટેમ્પાના ચાલકે પાછળ કોઈ છે કે નહીં તેની જરાપણ ચકાસણી કર્યા વિના પૂરપાટ ઝડપે વાહન રિવર્સમાં લીધું હતું. ટેમ્પો એટલો ઝડપથી પાછળ આવ્યો કે જમીન પર બેઠેલો માસૂમ કંઈ સમજે તે પહેલાં જ ટેમ્પાનું પાછલું તોતિંગ વ્હીલ તેના નાજુક શરીર પરથી પસાર થઈ ગયું હતું. બાળકના પિતા નજીકમાં જ ઉભા હતા. અકસ્માત જોઈ તેઓ ચીસ પાડીને દીકરાને ઉઠાવવા દોડ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને કચડાઈ જવાના કારણે બાળકે પિતાના હાથમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

 પરિવાર માથે આભ તૂટી પડ્યું

સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં ટેમ્પો ચાલકની ઘોર બેદરકારી ઉઘાડી પડી ગઈ છે.એકના એક માસૂમ પુત્રના અકાળે અને કરુણ મોતના પગલે પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. માતા-પિતાના કરુણ આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.ઘટના સર્જાયા બાદ ટેમ્પો ચાલક ગભરાઈને વાહન છોડીને ઘટનાસ્થળેથી પગપાળા જ ફરાર થઈ ગયો હતો.

કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ

ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પોલીસે બાળકના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી મૃત્યુ નિપજાવવા સહિત હિટ એન્ડ રનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.સીસીટીવી ફૂટેજના આધારે ટેમ્પાના નંબર અને માલિકની વિગતો મેળવી ફરાર ડ્રાઈવરની ધરપકડ કરવા માટે પોલીસે ટીમો રવાના કરી છે.

આ પણ વાંચો: Rajkot: સત્તાના નશામાં શરાબની મહેફિલ! સરાઝા દારૂ કાંડમાં ભાજપના ધારાસભ્યના ભાઈનું નામ ખુલતાં સન્નાટો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *