જૂનાગઢમાં વન કર્મચારીઓની હડતાલને કારણે ગીરનાર જંગલ સૂનું પડી ગયું છે અને સિંહોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. વનકર્મીઓની ગેરહાજરીમાં સિંહો પર નજર રાખવાની જવાબદારી ટ્રેકરોને સોંપવામાં આવી છે, જેના કારણે ભવનાથ વિસ્તાર અને આખો પંથક હાલ સંપૂર્ણપણે ટ્રેકરોના ભરોસે ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જંગલમાંથી સિંહોની અવરજવર અચાનક વધી ગઈ છે અને રેવન્યુ તથા રહેણાંક વિસ્તારોમાં સિંહો ખુલ્લેઆમ આંટાફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢ શહેરના સોનાપુરી સ્મશાન નજીક આવેલા એક આશ્રમમાં એક ડાલામથ્થા સિંહણે દશ ફૂટ ઊંચી દિવાલ કૂદીને ડેલામાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર ઘટના આશ્રમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ભવનાથ અને બીલખા રોડ પર પણ રાત્રિના સમયે સિંહોની લટાર વધવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં આશરે 54 કરતા વધુ સિંહોનો કુદરતી વસવાટ છે, અને અગાઉ પણ અનેક વખત સિંહો ખોરાક કે પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવી ચડ્યા હોવાના કિસ્સા બન્યા છે. હાલમાં વન વિભાગના કર્મચારીઓની હડતાલ ચાલુ હોવાથી સિંહોની અવરજવર પર સતત નજર રાખવી મુશ્કેલ બની છે, જેનાથી ગેરકાયદેસર સિંહ દર્શન અને લાયન સફારી જેવી પ્રવૃત્તિઓ વધવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં ન આવે તો નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે.
વનકર્મીઓની હડતાલ વચ્ચે રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી.:જૂનાગઢના ભવનાથ અને બીલખા રોડ પર સિંહોની અવરજવર વધી; સોનાપુરી સ્મશાન નજીક દશ ફૂટ ઊંચી દિવાલ કૂદી આશ્રમમાં ઘૂસી સિંહણ.
📅 Published: November 1, 2026 |
📂 Category: gujarati-news
