સરાઝા હોટલની રેવ પાર્ટીમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા:AAP ના મહિલા આગેવાને સંઘવી સામે નિશાન તાકયુ, કોંગ્રેસ પ્રવક્તાની હોટલને તાળા મારવાની માંગ

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટની સરાઝા હોટલમાં રેવ પાર્ટી ઝડપાઈ તે મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોલીસની શંકાસ્પદ કામગીરી અને સરકાર સામે નિશાન તાકયુ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાએ પોલીસની કામગીરીને શંકાસ્પદ ગણાવતા દારૂની બોટલ ઓછી બતાવવી, સામાન્ય આરોપીઓને પકડે ત્યારે પોલીસ તેના ફોટા અને વિડિયો જાહેર કરે છે તે રીતે રેવ પાર્ટીમાં મદિરાપાન પી રહેલા ઉદ્યોગપતિઓ સહિતનાના ફોટા અને વિડીયો જાહેર કરવામાં આવે, દારૂ ક્યાંથી આવ્યો અને કોના દ્વારા આપવામાં આવ્યો તેની સાથે હોટલના માલિક સામે ગુનો દાખલ કરી હોટલનું લાયસન્સ રદ કરી તેને તાળા મારવામાં આવે તેવી માંગણી છે. જ્યારે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે આક્ષેપો કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીની તેમની વાતો ખોટી છે, આ દારૂ પાર્ટીમાં ઝડપાયેલા તમામને પોલીસ દ્વારા ઉઠકબેઠક કરાવવામાં આવે અને તેમના વરઘોડા કાઢવામાં આવે તેવી માંગણી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં એક મોટી રેવ પાર્ટી ચાલી રહી હતી. જ્યાં એલસીબી (LCB) ની ટીમે રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે આરોપીઓના મોં પર માસ્ક પહેરાવી, ખુરશીના કવર પહેરાવી અને સિવિલ હોસ્પિટલમાં જે પ્રકારે ટ્રીટમેન્ટ આપી છે. તેનાથી સામાન્ય લોકોમાં પોલીસની છબી અને માનસિકતા પર ખરાબ અસર પડી રહી છે. નાનો માણસ ગાડીનો સ્ટન્ટ કરે તો તેને માફીનો વીડિયો બનાવી નીચે બેસાડીને પોલીસ મોટી વાહવાહી મેળવે છે પરંતુ અહીં પૈસાદાર અને વગદાર ઉદ્યોગપતિઓને બચાવવા માટેની પોલીસની કામગીરી શંકાસ્પદ છે. શરૂઆતમાં ACP કહે છે કે એક પણ દારૂની બોટલ ન હતી અને બાદમાં
ડીસીપી દ્વારા બાદમાં 11 બોટલ હોવાનું કહેવાયું. જે 98 વ્યક્તિઓ વચ્ચે માત્ર 11 બોટલ જ હોય તે હોવા શંકા ઉપજાવે છે. આ ઉપરાંત 35 મહિલાઓમાંથી એકેયે દારૂ પીધો ન હોવાનું પોલીસે જણાવ્યું તો બેન્કવેટ હોલની અંદર દારૂ પીવાતો હતો તેના સીસીટીવી (CCTV) અને સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાના સીસીટીવી જાહેર કરવામાં આવે તેવી માંગ છે. આ સાથે જ આ દારૂ ક્યાંથી આવ્યો, કઈ વાઈન શોપમાંથી આવ્યો, વિદેશી હતો કે નહીં અને તેની કિંમત કેટલી હતી તે અંગે પોલીસે જવાબ આપવો જોઈએ. મોંઘી ગાડીઓને મુદ્દામાલમાં દર્શાવવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. તેમણે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં મંત્રી-સંતરીઓ રિપોર્ટ નેગેટિવ કરાવવા માટે ભલામણો કરી રહ્યા હોવાની ચર્ચા છે. જેથી ગરીબો માટે અલગ અને પૈસાદાર માટે અલગ કાયદો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. નિયમ મુજબ કોઈપણ હોટલમાં જો કેફી પદાર્થો કે દારૂનું વેચાણ કે સેવન થાય તો હોટલનું લાયસન્સ તાત્કાલિક રદ કરવાનું જાહેરનામું હોય છે તો હોટલના માલિક સામે કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ છે. પોલીસે આરોપીઓને પકડીને છૂટા મૂક્યા અને તેમની સાથે આરોપીની જેમ નહીં પરંતુ મહેમાનની જેમ વર્તન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાછળના દરવાજેથી જવા દેવા, હોટલની લાઈટો બંધ કરી દેવી અને મીડિયાને કામગીરીથી દૂર રાખવા જેવા તમામ પ્રકારના દ્રશ્યોથી એવું સાબિત થાય છે કે પૈસાદાર લોકો માટે પોલીસ પ્રોટેક્શન પૂરું પાડે છે અને ગરીબોને હેરાન કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, હકીકત બસ એ જ છે કે જે ગુજરાતની જનતાએ અને આપ લોકોએ સૌએ જોયું હશે. એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ચાલે છે અને બીજી તરફ તમે જુઓ તો આવી પાર્ટીઓ ચાલે છે. આ મુદ્દે કહીએ તો હર્ષ સંઘવી એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો અવારનવાર આ બધું ક્યાંથી થાય છે? દારૂ વેચવા વાળા પકડાતા કેમ નથી? એક એ જ રજૂઆત કરવા આવી છું કે આ જે લોકો છે તેઓએ કોઈ સારા કામ કર્યા નથી. સામાન્ય માણસ માટે જે કાયદો છે એ જ આ લોકો માટે થવો જોઈએ અને આ બધાને પણ ઉઠકબેઠક કરાવવી જોઈએ અને આ બધાના વરઘોડા નીકળવા જોઈએ. એ માટેની રજુઆત કરવા આવ્યા છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *