Amit Shah: પંજાબની બાજુમાં હોવા છતાં ચંડીગઢ બનશે દેશનું પહેલું નશામુક્ત શહેર!

📅 Published: November 1, 2026 | 📂 Category: India National

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચંડીગઢના પ્રવાસે છે. તેમણે સેક્ટર-26માં આવેલી પોલીસ લાઇન ખાતે ચંડીગઢ પોલીસના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ચંડીગઢ પોલીસને રાષ્ટ્રપતિ સન્માનથી નવાજવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધિત કરતાં અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પંજાબની નજીક હોવા છતાં ચંડીગઢ દેશનું સૌથી પહેલાં નશામુક્ત બનનારું શહેર બનશે.

NDPS કેસમાં 93 ટકા આરોપીઓને જેલમાં મોકલ્યા: અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે NDPSના કેસોમાં નવા કાયદા અમલમાં આવ્યા બાદ ચંડીગઢ પોલીસે 93 ટકા આરોપીઓને જેલમાં મોકલ્યા છે. તેમણે કહ્યું કે તેઓ દેશભરમાં જ્યાં પણ જાય છે ત્યાં ચંડીગઢ પોલીસનું ઉદાહરણ આપે છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે ચંડીગઢ ભલે કેન્દ્રશાસિત પ્રદેશ હોય, પરંતુ અહીં પ્રતિ વ્યક્તિ વાહનોની સંખ્યા સૌથી વધુ છે. તેઓ ગૃહમંત્રી બન્યા પહેલાં અને ત્યાર બાદ પણ ઘણી વખત ચંડીગઢ આવ્યા છે, પરંતુ તેમણે ક્યારેય અહીં ટ્રાફિક જામ જોયો નથી.

તેમણે ચંડીગઢ પોલીસની ટ્રાફિક વ્યવસ્થાની પ્રશંસા કરતાં કહ્યું કે પોલીસે ટ્રાફિકનું સંચાલન એટલી સારી રીતે કર્યું છે કે લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

અમિત શાહે ચંડીગઢ પોલીસની પ્રશંસા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચંડીગઢ પોલીસને આ સન્માન છેલ્લા 60 વર્ષ દરમિયાન સમગ્ર ભારતની સુરક્ષા માટે કરવામાં આવેલા સફળ પ્રયાસોના કારણે મળ્યું છે.

તેમણે કહ્યું કે શિવાલિકની પહાડીઓની તળેટીમાં વસેલું ચંડીગઢ ભારતનાં સૌથી સુંદર શહેરોમાંનું એક માનવામાં આવે છે. જોકે, દેશમાં જ્યારે આતંકવાદનો સમય હતો ત્યારે ચંડીગઢ પણ તેનાથી અછૂત રહ્યું નહોતું.

અમિત શાહે વધુમાં કહ્યું કે તે સમયે ચંડીગઢ પોલીસે અદમ્ય સાહસ અને બહાદુરીનો પરિચય આપ્યો હતો. પોલીસના શૌર્ય, સેવા અને સુશાસનના પ્રયાસોએ માત્ર ચંડીગઢ જ નહીં, પરંતુ સમગ્ર ભારતને આતંકવાદથી સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તમામ જવાનો અને અધિકારીઓને આપી શુભેચ્છાઓ

અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલું આ સન્માન છ દાયકાની સેવા, સમર્પણ અને સંવેદનશીલતાનું સન્માન છે. આ પ્રસંગે તેમણે સૌથી પહેલાં ચંડીગઢ પોલીસના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે કહ્યું કે ફરજ નિભાવતી વખતે પોતાનો જીવ આપવો અને સર્વોચ્ચ બલિદાન આપવું કોઈપણ સૈનિક માટે ગર્વની વાત હોય છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે વર્ષ 1966થી અત્યાર સુધી ચંડીગઢની સુરક્ષા માટે પોલીસે સતત મહેનત કરી છે અને દેશભરની પોલીસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે.

તેમણે ચંડીગઢ પોલીસમાં ફરજ બજાવતા તમામ જવાનો અને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ચંડીગઢ પોલીસના કાફલામાં 141 નવા વાહનો સામેલ

કાર્યક્રમ બાદ ચંડીગઢ પોલીસના કાફલામાં 141 નવા વાહનો સામેલ કરવામાં આવ્યાં હતાં. આ વાહનોના કારણે પોલીસને ઝડપી કાર્યવાહી, પેટ્રોલિંગ, અવરજવર અને ટેક્નોલોજી આધારિત આધુનિક પોલીસિંગમાં મદદ મળશે.

અમિત શાહે જણાવ્યું કે ઝડપી પ્રતિસાદ આપવાના મામલે ચંડીગઢ દેશભરમાં બીજા ક્રમે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 141 નવાં વાહનો મળ્યા બાદ આવતા વર્ષે ચંડીગઢ પોલીસ દેશભરની પોલીસમાં પ્રથમ સ્થાન મેળવશે. આજે અમિત શાહ સેક્ટર-17 સ્થિત તિરંગા પાર્કમાં જનસભાને પણ સંબોધિત કરશે. અહીંથી તેઓ 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *