અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર પાર્ક વ્યૂ સાઇટ પાસે નિર્માણાધીન બાંધકામની અસુરક્ષિત કામગીરીના કારણે જમીનની ભેખડ ધસી પડવાની અને શાયોના તિલક-૩ ફ્લેટની દીવાલ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. AMC ના એસ્ટેટ ઓફિસર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે આ નિર્માણાધીન સાઇટ પર અગાઉ પણ કોઈપણ પ્રકારના સત્તાવાર પ્લાન પાસ વગર જ ખોદકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે બાબતે અગાઉ તંત્ર દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
માત્ર પ્રોટેક્શન વોલ અને લેવલ કરવાની જ છૂટ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતા અને આસપાસના મકાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માત્ર પ્રોટેક્શન વોલ બનાવવા અને આસપાસનું લેવલ સરખું કરવાની કામગીરી જ ચાલુ રાખવા દેવામાં આવશે. આ સિવાયના બાંધકામની અન્ય તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન શકે.
સક્ષમ સત્તા સાથે ચર્ચા બાદ આગળની કડક કાર્યવાહી કરાશે
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમગ્ર પ્રકરણમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર બિલ્ડર સામે હવે કોઈ પણ પ્રકારની ૨આશ કરવામાં નહીં આવે. સક્ષમ સત્તા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કર્યા બાદ આ મામલે આગળની કાનૂની અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ કડક વલણને કારણે ગોતા અને આસપાસના વિસ્તારમાં સેફ્ટીના નિયમો નેવે મૂકીને ગેરકાયદે બાંધકામ કરતા ઇજનેરો અને બિલ્ડરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Ahmedabad News : દિવાળી ટાણે લાલ દરવાજા બજારમાં ગરમાગરમી! દબાણ હટાવવાની કાર્યવાહી સામે પાથરણાવાળાઓનો ઉગ્ર વિરોધ
