8 મહિનાના પુત્રને કમર પર બાંધી માતાએ કેનાલમાં ઝંપલાવ્યું:તરવૈયાએ બહાર કાઢ્યા, એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ બંનેના મોત; વડોદરાની છાણી કેનાલનો બનાવ

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના છાણી કેનાલમાંથી એક માતા અને તેની માત્ર 8 મહિનાની માસૂમ પુત્રી ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. માતાએ પોતાની વહાલસોઈ દીકરીને શરીરથી અલગ ન થાય તે રીતે ઓઢણી વડે પોતાની કમર સાથે મજબૂત રીતે બાંધી રાખી હતી. કેનાલ નજીક કામ કરી રહેલા શ્રમિકોનું ધ્યાન પાણીની સપાટી પર તરતી આ બંને પર પડતાં આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક યુવકે જીવના જોખમે પાણીમાં ઝંપલાવી બંનેને બહાર કાઢ્યા
ઘટનાની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડ કે પોલીસના કાફલાની રાહ જોવા જેટલો સમય ન હોવાથી એક સ્થાનિક સાહસિક યુવકે માનવતા દાખવી પોતાના જીવના જોખમે ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. યુવકે ભારે જેહમત બાદ કમરે ઓઢણીથી બંધાયેલી માતા અને માસૂમ બાળકીને કેનાલના કિનારે હેમખેમ બહાર કાઢ્યા હતા. કિનારે લાવી તપાસ કરતાં બંનેના શ્વાસ હજુ ધીમા ચાલી રહ્યા હોવાનું સામે આવતાં ઉપસ્થિત લોકોમાં તેમના જીવ બચી જવાની આશા બંધાઈ હતી. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ બંનેના મોત નીપજ્યા
યોગ્ય ફર્સ્ટ-એઇડ કે ઓક્સિજન સપોર્ટ ન મળવાના કારણે કમનસીબ માતા અને 8 મહિનાની માસૂમ બાળકીએ લોકોની નજર સામે જ તરફડીને અંતિમ શ્વાસ લીધા હતા. સમયસર સારવાર મળી હોત તો કદાચ બંને જિંદગીઓ બચી શકી હોત, જેના પગલે સ્થાનિક રહીશોમાં આરોગ્ય તંત્ર અને ઇમરજન્સી સેવા સામે ભારે આક્રોશ ફેલાયો છે. મૃતક માતાની ઓળખ થઈ
બંનેના મોત નીપજ્યા બાદ આખરે ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ રશ્મિકા હોવાનું અને તે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી હોઈ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું બહાર આવ્યું છે. માતાએ આત્મહત્યાનું આ અંતિમ પગલું કયા પારિવારિક કે આર્થિક કારણોસર ભર્યું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *