Banaskantha News: LCBએ ટ્રાન્સફોર્મરના રિએક્ટર ચોરતી સૌરાષ્ટ્રની ગેંગ પકડી, 3 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: November 2, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી સાધનોની ચોરી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી હતી. જેને પગલે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગ અને તપાસમાં કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના પગલે ડીસા તાલુકાના ભોયાણ ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક કારને રોકીને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓ રાજકોટના કૌશિકભાઈ સાગઠીયા અને મોરબીના આકાશ વિકાણી હોવાનું સામે આવ્યું હતું. આ બંને શખ્સો વીજ કંપનીના ટ્રાન્સફોર્મરના સાધનો ચોરતી ગેંગના મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી કાર સહિત બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી હતી.

ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી રોકડી કરી

પોલીસે ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતાં તેમની પાસેથી ગુનામાં વપરાયેલી કાર તેમજ ચોરીના મુદ્દામાલ તરીકે વીજ ટ્રાન્સફોર્મરના બે નંગ રિએક્ટર મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. પોલીસે રિએક્ટર, મોબાઈલ અને વાહન મળીને કુલ રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને નિશાન બનાવતા હતા. ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી રિએક્ટર અને અન્ય સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ ગેંગ ચોરી કરેલા વીજ ઉપકરણોને કારમાં ભરીને સૌરાષ્ટ્ર તરફ લઈ જતી હતી અને મોરબી ખાતે ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતી હતી.

ચોક્કસ કડીઓ મેળવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ

એલસીબીની સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા બંને આરોપીઓની અગાઉ નોંધાયેલી અન્ય ચોરીઓમાં પણ સીધી સંડોવણી હોવાનો મહત્વનો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્રની આ રીઢા ચોરોની ટોળકી લાંબા સમયથી વીજ કંપનીના કિંમતી સાધનોની ચોરીના નેટવર્કમાં સક્રિય હોવાની શક્યતાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બનાસકાંઠા ઉપરાંત અન્ય કયા કયા વિસ્તારોમાંથી તેઓએ અગાઉ આવી ચોરીઓ આચરી છે અને મોરબીમાં ચોરીનો આ માલ કોને કોને વેચવામાં આવતો હતો તે દિશામાં પણ હવે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ચોરીના નેટવર્કમાં અન્ય કોઈ સ્થાનિક સાગરીતો કે મોટા ભંગારના વેપારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ચોક્કસ કડીઓ મેળવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. બનાસકાંઠા એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot News : દારુ પાર્ટીમાં સામેલ મહિલાઓ સામે FIR નહીં, માલેતુજારોની પત્નીઓને બચાવવા પોલીસના હવાતિયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *