સુરત શહેરમાં નશાના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ મુહિમ હેઠળ લિંબાયત પોલીસને વધુ એક મોટી સફળતા સાંપડી છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે સઘન દરોડો પાડીને પોતાના ઘરેથી જ નશાકારક પ્રતિબંધિત ગોળીઓનું છૂટક વેચાણ કરતા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વસીમ કૈયુમ સૈયદ પાસેથી રૂપિયા 2,10,000 ની કિંમતનો નશાકારક ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી અગાઉ પણ લિંબાયત પોલીસ મથકમાં જ એનડીપીએસ (NDPS) ના બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે બહાર આવ્યું છે.
લિંબાયતમાં ઘરને જ બનાવી દીધું હતું નશાનું અડ્ડો!
લિંબાયત પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વસીમ કૈયુમ સૈયદ પોતાના રહેણાંક મકાનમાંથી યુવાનોને નશાકારક ગોળીઓનું છૂટક વેચાણ કરી રહ્યો છે. પોલીસે ઓચિંતો દરોડો પાડી તેની અટકાયત કરી હતી. મકાનમાં હાથ ધરાયેલી તલાશી દરમિયાન પોલીસને રૂપિયા 2,10,000ની બજાર કિંમત ધરાવતી નશાકારક ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો, જેને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે આ નશાકારક ગોળીઓનો જથ્થો તેને આફરીન વસીમ સૈયદ નામના વ્યક્તિ પાસેથી મળ્યો હતો. જેથી પોલીસે આ રેકેટના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
અગાઉ પણ NDPS ના 2 ગુના
આરોપી વસીમ કૈયુમ સૈયદ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ લિંબાયત પોલીસ સ્ટેશનમાં જ તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ૨ અલગ-અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.વારંવાર જેલમાંથી બહાર આવીને તે સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ફરીથી ગોળીઓનું વેચાણ શરૂ કરી દેતો હતો.હાલમાં લિંબાયત પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ નવો ગુનો દાખલ કરી, તેની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
