આજે જ્યારે પણ ક્રિકેટની વાત થાય ત્યારે આપણા મગજમાં બેટ, બોલ અને 3 સ્ટમ્પવાળી વિકેટનું ચિત્ર આપોઆપ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સદીઓ પહેલાં ક્રિકેટમાં માત્ર 2 જ સ્ટમ્પનો ઉપયોગ થતો હતો? હા,એ સમયે મિડલ સ્ટમ્પનું કોઈ અસ્તિત્વ જ નહોતું. પરંતુ વર્ષ 1775માં એક એવી ઐતિહાસિક ઘટના બની, જેને કારણે બોલરો સાથે થતો અન્યાય રોકવા માટે ક્રિકેટમાં ત્રીજા સ્ટમ્પની એન્ટ્રી કરવી પડી. આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો.
જ્યારે 2 સ્ટમ્પની વચ્ચેથી બોલ નીકળી જતો છતાં બેટ્સમેન રહેતો નોટઆઉટ!
ક્રિકેટના શરૂઆતના દિવસોમાં માત્ર ઓફ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પ જ જમીનમાં ખોડવામાં આવતા હતા. આ બંને સ્ટમ્પ વચ્ચેનું અંતર આજની સરખામણીએ ઘણું વધારે હતું. આ ખાલી જગ્યાને કારણે ઘણી વખત બોલરનો સ્પીડમાં આવેલો બોલ બંને સ્ટમ્પની બિલકુલ વચ્ચેથી પસાર થઈ જતો, છતાં ઉપર રાખેલી લાકડાની બેલ્સ (ગિલ્લીઓ) પડતી નહોતી! નિયમ મુજબ બેલ્સ ન પડે ત્યાં સુધી બેટ્સમેન આઉટ ગણાતો નહીં, આથી બોલરોની મહેનત પાણીમાં જતી અને સો ટકા આઉટ હોવા છતાં બેટ્સમેનને નવું જીવનદાન મળતું.

1775ની એક મેચે મિડલ સ્ટમ્પનો રસ્તો ખોલ્યો
ક્રિકેટમાં ત્રીજા સ્ટમ્પની શરૂઆત પાછળ 1775માં બનેલી એક રસપ્રદ ઘટના જવાબદાર હોવાનું માનવામાં આવે છે.મે 1775માં લંડનના આર્ટિલરી ગ્રાઉન્ડ પર હેમ્બલ્ડન ક્લબ અને કેન્ટ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ મેચમાં તે સમયના જાણીતા બોલર એડવર્ડ સ્ટીવન્સ બોલિંગ કરી રહ્યા હતા. તેમની સામે જ્હોન સ્મોલ બેટિંગ કરી રહ્યા હતા, જેઓ તે સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાતા હતા.મેચ દરમિયાન સ્ટીવન્સે સ્મોલને સતત 3 એવા બોલ ફેંક્યા હતા, જે તેમના બેટને સંપૂર્ણપણે બીટ કરીને બંને સ્ટમ્પની વચ્ચેથી પસાર થઈ ગયા હતા. જોકે, બેલ્સ પડી નહોતી. પરિણામે નિયમો અનુસાર સ્મોલ આઉટ થયા નહોતા અને તેમની ટીમ મેચ જીતી ગઈ હતી.આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી હતી. ખાસ કરીને બોલરોનું માનવું હતું કે બોલ સીધો સ્ટમ્પની વચ્ચેથી પસાર થઈ જાય તો પણ બેટ્સમેન આઉટ ન થાય તે યોગ્ય નથી. આ સમસ્યાના ઉકેલ માટે ચર્ચાઓ શરૂ થઈ અને અંતે વિકેટમાં ત્રીજો સ્ટમ્પ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

શરૂઆતમાં મિડલ સ્ટમ્પનો ઉપયોગ વૈકલ્પિક રીતે કરવામાં આવ્યો હતો. જોકે, ધીમે-ધીમે 2 સ્ટમ્પવાળી વિકેટનું સ્થાન 3 સ્ટમ્પવાળી વિકેટે લઈ લીધું.6 સપ્ટેમ્બર 1776ના રોજ ચર્ટસી અને કોલ્સડન વચ્ચે રમાયેલી મેચમાં 3 સ્ટમ્પવાળી વિકેટના પ્રથમ સત્તાવાર ઉપયોગનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ ક્રિકેટમાં ત્રણ સ્ટમ્પનો ઉપયોગ સામાન્ય બનતો ગયો.

સમયની સાથે સ્ટમ્પની લંબાઈ અને પહોળાઈ પણ બદલાઈ
ક્રિકેટમાં માત્ર ત્રીજો સ્ટમ્પ જ ઉમેરાયો નહોતો, પરંતુ સમયની સાથે વિકેટની લંબાઈ, પહોળાઈ અને બેલ્સના માપમાં પણ ઘણા ફેરફાર થયા હતા.શરૂઆતમાં બેલ્સની લંબાઈ પણ અલગ હતી. 19મી સદીની શરૂઆતમાં બે બેલ્સનો ઉપયોગ સામાન્ય બન્યો હતો.

MCCના નિયમો અનુસાર હાલ ક્રિકેટમાં સ્ટમ્પની ઊંચાઈ 28 ઇંચ અને ત્રણેય સ્ટમ્પ સાથેની વિકેટની પહોળાઈ 9 ઇંચ હોય છે. તેના ઉપર 4.31 ઇંચ લાંબી બે બેલ્સ રાખવામાં આવે છે. આ માપને 1931માં વૈકલ્પિક રીતે અજમાવવામાં આવ્યું હતું અને 1947થી તેને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

સ્ટમ્પની બનાવટ પાછળનું વિજ્ઞાન પણ રસપ્રદ
ક્રિકેટના સ્ટમ્પને ધ્યાનથી જોશો તો તેનો નીચેનો ભાગ અણીદાર જોવા મળશે, જ્યારે ઉપરના ભાગમાં બેલ્સ રાખવા માટે ખાંચા બનાવવામાં આવ્યા હોય છે.સ્ટમ્પનો નીચેનો ભાગ અણીદાર રાખવામાં આવે છે, જેથી તેને જમીનમાં સરળતાથી લગાવી શકાય. જ્યારે ઉપરના ખાંચામાં બેલ્સ મૂકવામાં આવે છે. બોલ સ્ટમ્પ સાથે અથડાય અને બેલ્સ નીચે પડે ત્યારે બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે.20મી સદી સુધી ક્રિકેટમાં લાકડાના સ્ટમ્પનો જ ઉપયોગ થતો હતો. પરંતુ 21મી સદીમાં ટેક્નોલોજીના આગમન સાથે સ્ટમ્પમાં પણ મોટા ફેરફાર થયા.

LED સ્ટમ્પ્સે ક્રિકેટને બનાવ્યું વધુ રોમાંચક
આધુનિક ક્રિકેટમાં ખાસ કરીને વ્હાઇટ બોલની મેચોમાં LED સ્ટમ્પ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આ સ્ટમ્પમાં સેન્સર અને LED લાઇટ લગાવવામાં આવે છે. જ્યારે બેલ્સ સ્ટમ્પથી અલગ થાય છે ત્યારે લાઇટ તરત જ ઝગમગી ઊઠે છે.ઓસ્ટ્રેલિયાના ડિઝાઇનર બ્રોન્ટે એકરમેનને LED સ્ટમ્પ્સની ડિઝાઇનનો શ્રેય આપવામાં આવે છે. આ ટેક્નોલોજીથી રનઆઉટ અને સ્ટમ્પિંગના નિર્ણયો લેવામાં અમ્પાયરોને મદદ મળે છે. સાથે જ દર્શકો માટે પણ મેચ વધુ રોમાંચક બને છે.
2013માં પ્રથમ વખત LED સ્ટમ્પ્સનો ઉપયોગ થયો
ક્રિકેટમાં પહેલીવાર LED સ્ટમ્પ્સનો ઉપયોગ 2013માં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2014ના T20 વર્લ્ડ કપમાં ICCની ટૂર્નામેન્ટમાં તેનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો.આજે મોટા ભાગની મહત્વપૂર્ણ વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટ અને આંતરરાષ્ટ્રીય સિરીઝમાં LED સ્ટમ્પ્સ જોવા મળે છે. હવે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કેમેરા ધરાવતા સ્ટમ્પ્સનો પણ ઉપયોગ થવા લાગ્યો છે.આમ, ક્રિકેટમાં એક સમયે માત્ર 2 સ્ટમ્પથી શરૂ થયેલી રમત આજે LED લાઇટ અને કેમેરાવાળી વિકેટ સુધી પહોંચી ગઈ છે. આ ફેરફારોએ માત્ર અમ્પાયરો માટે નિર્ણયો સરળ બનાવ્યા નથી, પરંતુ ક્રિકેટને વધુ પારદર્શક અને રોમાંચક પણ બનાવ્યું છે.
આ પણ વાંચો – CSKનો મોટો નિર્ણય! 14.2 કરોડના સ્ટાર ખેલાડીની થશે વિદાય?
