આઝાદ મન

📅 Published: November 2, 2026 | 📂 Category: Nari

શાળાના શિક્ષક સતીશભાઈ ગામમાં ખૂબ જ માન-સન્માન ધરાવતા હતા. શિસ્ત, સંસ્કાર અને આદર્શ જીવનની વાતો કરવી તેમનો સ્વભાવ હતો. પરંતુ ઘરની ચાર દિવાલોની અંદર તેમની પત્ની નીરૂબેન માટે એ જ આદર્શો બંધન બની ગયા હતા.

 લગ્નના દસ વર્ષમાં નીરૂબેને પોતાની કેટલીય ઇચ્છાઓને મનમાં જ દાટી દીધી હતી. તેને સંગીત ગમતું, વાંચન ગમતું, કવિતાઓ લખવાનો શોખ હતો, પણ સતીશભાઈનું એક જ વાક્ય બધું દબાવી દેતું.  

 `ઘરની વહુને આ બધું શોભતું નથી.’ ધીમે ધીમે નીરૂબેને બોલવાનું જ ઓછું કરી દીધું. શું પહેરવું, ક્યાં જવું, કોને મળવું, શું બોલવું… દરેક નિર્ણય કોઈ બીજાનો હતો. તે જીવતી હતી, પણ પોતાના માટે નહીં. એમનો એક આંખ નો તારો રવિ. એની મમતા ને કારણે બધું સહન કર્યા કર્યું. તેમનો દીકરો રવિ હોશિયાર હતો. મહેનત અને સંસ્કારથી તેણે રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મેળવ્યો. ૧૫મી ઑગસ્ટના ધ્વજવંદન સમારંભમાં આખું ગામ હાજર હતું. એવોર્ડ આપ્યા પછી સંચાલકે કહ્યું, રવિના માતા-પિતામાંથી કોઈ બે શબ્દ બોલશે?

સતીશભાઈ ઊભા થવા જતા હતા, ત્યાં રવિએ માઇક નીરૂબેનના હાથમાં મૂકી દીધું.

મમ્મી… આજે તમે બોલો.નીરૂબેનના હાથ ધ્રૂજી રહ્યા હતા. કદાચ દસ વર્ષ પછી પહેલી વાર તેના હાથમાં માત્ર માઇક ન્હોતું… પોતાનો અવાજ હતો.

થોડી ક્ષણ શાંતિ રહી. પછી તે ધીમેથી બોલી…આજે દેશને આઝાદ થયાને વર્ષો થઈ ગયા… પરંતુ મારા જેવી કેટલીય સ્ત્રીઓ હજુ આઝાદ નથી. મને કોઈએ ક્યારેય માર્યું નથી… પરંતુ મારા વિચારોને દરરોજ મૌન કરી દેવામાં આવ્યા. મને કોઈએ કેદમાં રાખી નથી… છતાં મારી ઇચ્છાઓને ઘરની ચાર દિવાલોમાં જ પૂરી દીધી છે. હું શિક્ષકની પત્ની છું, પણ મને મારા જીવનનો પાઠ લખવાની પણ છૂટ નહોતી. નીરૂબેનની આંખોમાં વર્ષોની ભીનાશ ઝળહળી. આજે હું કોઈની ફરિયાદ નથી કરતી. ફક્ત એટલું પૂછું છું… જો સ્ત્રી પોતાના મનની વાત પણ ન કરી શકે, પોતાના સપના પણ ન જીવી શકે… તો પછી તેને આઝાદ કેવી રીતે કહીએ? શું કામ દર વર્ષે આઝાદીના આ તહેવાર મનાવી એ છે? સૌ ચુપ થયા પણ આઝાદીની માગ હવામાં ગુંજતી હતી. સતીશભાઈનું માથું ઝૂકી ગયું.

તેમને પહેલી વાર સમજાયું કે તેઓ વિદ્યાર્થીઓને સ્વતંત્રતા શીખવતા હતા, પણ પોતાના ઘરમાં જ એક મનને ગુલામ બનાવી બેઠા હતા. તેઓ ઊભા થયા. સૌથી પહેલા તેમણે જોરદાર તાળી પાડી.

પછી નીરૂબેન તરફ જઈ સૌની સામે કહ્યું, માફ કરજો… આજે મને સમજાયું કે ઘરમાં સૌથી વધુ શિક્ષણની જરૂર મને જ હતી. આ શબ્દો સાથે આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું.

રવિની આંખોમાં ગર્વના આંસુ હતા.

તિરંગો પવનમાં લહેરાતો હતો, પરંતુ એ દિવસે સાચી આઝાદી માત્ર ધ્વજને નહીં… એક સ્ત્રીના મન, વચન અને અસ્તિત્વને મળી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *