ઇન્ડોનેશિયાના જંગલોમાં લાગેલી આગનો ધુમાડો પાડોશી દેશો મલેશિયા અને સિંગાપુર માટે મુશ્કેલી બની ગયો છે. કાલિમંતાન, પાપુઆ અને સુમાત્રાના જંગલોમાંથી નીકળતો ઝેરી ધુમાડો પવન સાથે આ દેશો સુધી પહોંચી રહ્યો છે. આના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ રહી છે. મલેશિયાના કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવી પડી છે. ધુમાડો ઘણા અઠવાડિયાંથી યથાવત્ છે, જેના કારણે લોકોમાં નારાજગી વધી રહી છે. મલેશિયામાં લોકોએ ઇન્ડોનેશિયાના ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ કરી દીધો છે, જ્યારે સિંગાપુરે આગ સાથે સંકળાયેલી કંપનીઓની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન ઇન્ડોનેશિયાએ સિંગાપુરને ગેસની નિકાસ ઘટાડવાની જાહેરાત કરી છે. તેણે તેનું કારણ પોતાના દેશની ઊર્જા જરૂરિયાતોને જણાવ્યું છે. ખેતી માટે જંગલોમાં આગ લગાવવામાં આવે છે ઇન્ડોનેશિયામાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ દર વર્ષે બને છે. તેનું મોટું કારણ ખેતી અને વ્યવસાય માટે જંગલોને સાફ કરવાનું છે. ખાસ કરીને પામ ઑઇલની ખેતી માટે મોટા વિસ્તારોમાં જમીન તૈયાર કરવામાં આવે છે. આ માટે ઘણી જગ્યાએ જંગલોમાં આગ લગાવવામાં આવે છે. જો આગ જમીનની નીચે આવેલા પીટલેન્ડ સુધી ફેલાઈ જાય, તો તેને ઓલવવી વધુ મુશ્કેલ બની જાય છે. પીટલેન્ડમાં રહેલા સૂકા જૈવિક પદાર્થો આગને લાંબા સમય સુધી સળગતી રાખે છે. આ વર્ષે અલ નીનોના કારણે ઇન્ડોનેશિયાના જંગલો અને પીટલેન્ડમાં દુષ્કાળની સ્થિતિ વધુ ગંભીર રહી. તેના કારણે આગ ઝડપથી ફેલાઈ અને તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો. સામાન્ય રીતે આ પ્રકારના ધુમાડાની અસર મલેશિયા અને સિંગાપોરમાં થોડા દિવસો સુધી રહે છે, પરંતુ આ વખતે તે ઘણા અઠવાડિયાથી યથાવત્ છે. મલેશિયામાં બહિષ્કાર, સિંગાપોરમાં સરકારની ટીકા ધુમાડાથી પરેશાન મલેશિયાના લોકોએ ઇન્ડોનેશિયાના ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ કરી દીધો છે. મલેશિયાના સાંસદ સૈયદ સાદિકે આગ સાથે જોડાયેલી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે લોકોને આવી કંપનીઓને સમગ્ર વિસ્તારમાં અલગ-થલગ કરવાની અપીલ પણ કરી છે. સિંગાપુર સરકારે ધુમાડાથી લોકોને બચાવવા માટે સેંકડો રાહત કેન્દ્રો બનાવ્યાં છે. બાળકો, વૃદ્ધો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોને માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે. સરકાર ધુમાડા સાથે જોડાયેલા વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવવાનો પણ વિચાર કરી રહી છે. જોકે, સિંગાપુરમાં લોકોએ પોતાની સરકારની તૈયારીઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સરકારને પહેલેથી જ ખબર હતી કે આ વર્ષે અલ નીનોના કારણે દુષ્કાળની સ્થિતિ ગંભીર રહેશે. તેમ છતાં ધુમાડાનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરવામાં આવી ન હતી. ઇન્ડોનેશિયાના અધિકારીના નિવેદનથી વિવાદ વધ્યો આ દરમિયાન ઈન્ડોનેશિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જંગલોમાં લાગતી આગ પર મનુષ્યોનું નિયંત્રણ નથી. તેમણે એમ પણ કહ્યું કે પડોશી દેશો સિંગાપુર અને મલેશિયાને મળતો ઑક્સિજન પણ ઈન્ડોનેશિયાના જંગલોમાંથી આવે છે. આ નિવેદન પર સિંગાપુરે નારાજગી વ્યક્ત કરી. ત્યાંના વરિષ્ઠ મંત્રી કે. ષણમુગમે તેને નિરાશાજનક અને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે ઝેરી ધુમાડાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે અને તેને સ્વીકારી શકાય નહીં. ષણમુગમે કહ્યું કે આ સમસ્યાથી બંને દેશોના નાગરિકો પ્રભાવિત થઈ રહ્યા છે, તેથી તેને પરસ્પર વિવાદનો મુદ્દો બનાવવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે ઈન્ડોનેશિયાના લોકો પણ પ્રદૂષણથી પરેશાન છે. આવી સ્થિતિમાં આગ લગાવતી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી ઈન્ડોનેશિયાના પણ હિતમાં છે. ઈન્ડોનેશિયાએ પહેલા ધમકી આપી, પછી ગેસનો પુરવઠો બંધ કર્યો વિવાદના થોડા દિવસો બાદ ઇન્ડોનેશિયાએ સિંગાપુરને ગેસની નિકાસ ઘટાડવાની જાહેરાત કરી. સરકારે તેનું કારણ પોતાના દેશમાં ઊર્જાની વધતી જતી જરૂરિયાતને ગણાવ્યું. ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં વીજળીની અછત પણ સામે આવી છે. જોકે, સિંગાપુરની ટીકા બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવ સાથે આ નિર્ણયને જોડીને જોવામાં આવી રહ્યો છે. આ પહેલાં ઇન્ડોનેશિયાના ઊર્જા મંત્રીએ ચેતવણી આપી હતી કે જે દેશો ઇન્ડોનેશિયાનું સન્માન નહીં કરે, તેમની ગેસ સપ્લાય રોકી શકાય છે. રાષ્ટ્રપતિ પ્રબોવોએ પણ જંગલોમાં લાગેલી આગના મુદ્દે એવા દેશોનો ઉલ્લેખ કર્યો હતો, જે ઇન્ડોનેશિયાનું અપમાન કરે છે. સિંગાપુરનું કહેવું છે કે ગેસ સપ્લાયમાં આ ઘટાડો તેની કુલ દૈનિક જરૂરિયાતના 2 ટકાથી પણ ઓછો છે. તેથી તેની ઊર્જા સપ્લાય પર વધુ અસર નહીં પડે. મલેશિયા ઇન્ડોનેશિયા સાથે ટકરાવ કેમ નથી ઇચ્છતું?
જંગલોમાં લાગેલી આગે 3 દેશોના સંબંધો બગાડ્યા:ઇન્ડોનેશિયાના ઝેરી ધુમાડાથી મલેશિયા-સિંગાપુર પરેશાન, વિરોધ કરતાં ગેસ સપ્લાયમાં ઘટાડો કર્યો
📅 Published: November 3, 2026 |
📂 Category: International
