ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારીને ફોર્મમાં વાપસી કરી છે. ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ A સામે રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટના છેલ્લા દિવસે યશસ્વીના બેટમાંથી યાદગાર સદી જોવા મળી હતી. આ સદી સાથે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5000 રન પણ પૂરા કર્યા છે.
છેલ્લી 9 ઇનિંગ્સમાંથી 4 ઇનિંગ્સમાં તે ખાતું પણ ખોલાવી શક્યો
યશસ્વી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેની છેલ્લી 9 ઇનિંગ્સમાંથી 4 ઇનિંગ્સમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં તેનું ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બન્યું હતું. જોકે, ન્યૂઝીલેન્ડ A સામેની સદીથી તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
119 બોલમાં સદી, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18મી સદી
યશસ્વી જયસ્વાલે ન્યૂઝીલેન્ડ A સામે 119 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 99 રનના સ્કોર પર છગ્ગો ફટકારીને સદીનો આંકડો પાર કર્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની 18મી સદી છે.આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન યશસ્વીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5000 રનનો આંકડો પણ પાર કર્યો. તેણે પોતાની 56મી ફર્સ્ટ ક્લાસ મેચની 102મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ રીતે સદીની સાથે તેણે પોતાના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાવી છે.
87 રને બેટિંગ દરમિયાન હેલ્મેટ પર વાગ્યો બોલ
યશસ્વી માટે આ સદી સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો નહોતો. જ્યારે તે 87 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડ Aના બોલર જેરોડ મેકકોયે બાઉન્સર ફેંક્યો હતો. આ બોલ સીધો યશસ્વીના હેલ્મેટ પર વાગ્યો હતો.બોલ વાગ્યા બાદ યશસ્વી થોડી અસ્વસ્થતા અનુભવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેની કન્કશન તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તેને રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી તેણે પોતાની બેટિંગ ચાલુ રાખી અને શાનદાર સદી ફટકારી હતી.
9 ઇનિંગ્સની નિષ્ફળતા બાદ શાનદાર વાપસી
યશસ્વીની આ સદી માત્ર એક સદી નથી, પરંતુ તેના માટે ફોર્મમાં પાછા ફરવાનો મોટો સંકેત છે. છેલ્લી 9 ઇનિંગ્સમાં તે 4 વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક જ અડધી સદી જોવા મળી હતી.ન્યૂઝીલેન્ડ A સામેની શરૂઆતની 3 ઇનિંગ્સમાં પણ યશસ્વી માત્ર 21 રન બનાવી શક્યો હતો. જોકે, ચોથી ઇનિંગ્સમાં તેણે શાનદાર સદી ફટકારીને પોતાની લય મેળવી લીધી છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલાં યશસ્વીનું ફોર્મમાં પરત ફરવું ટીમ માટે સારા સમાચાર છે. હવે ભારતીય ચાહકોને આશા રહેશે કે તે આ જ લય ટેસ્ટ શ્રેણીમાં પણ જાળવી રાખે.
આ પણ વાંચો – Glenn Maxwell Retires : ક્રિકેટ જગતને મોટો ઝટકો! ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
