Rajkot News: દારૂબંધી કેસમાં પોલીસે હોટેલ સરાઝાના મેનેજરની પુછપરછ કરી, CCTV અને DVR કબજે કર્યા

📅 Published: November 3, 2026 | 📂 Category: Crime

રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર આવેલી હોટેલ સરાઝામાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા 33 મહિલાઓ સહિત 76 શખસોની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે 38 આરોપીઓની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરી છે અને 33 મહિલાઓ સહિતના બાકીના લોકોના મેડિકલ ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ અંગે માલવિયાનગર પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે,આ સમગ્ર પ્રકરણના સૂત્રધાર અને ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલ પાર્ટી માટે રાજસ્થાનથી દારૂની 9 બોટલ લઈને આવ્યા હતા.જ્યારે અન્ય બે બોટલ તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ સાથે લઈને પાર્ટીમાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ કરી છે. આ ઉપરાંત હોટેલના માલિકની પણ પુછપરછ થઈ શકે છે.  

આ કેસની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ

રાજકોટની હોટેલ સરાઝામાં યોજાયેલી દારૂની મહેફીલના કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસે હોટેલના મેનેજરની સઘન પુછપરછ કરી છે. હવે હોટેલના માલિકની પણ પુછપરછ થાય તેવી શક્યતાઓ છે. આ હોટેલમાં માત્ર ભોજન અને સામાજિક આયોજન માટેની જ પરવાનગી હોવા છતાં ત્યાં દારુ પીરસવામાં આવ્યો હોવાથી પોલીસે હોટેલના સીસીટીવી અને ડીવીઆર કબજે કર્યા છે. આ અંગે હોટેલ માલિકને પણ પોલીસે અગાઉ જાણ કરી હતી. પોલીસે હોટેલના સ્ટાફ અને મેનેજરની શંકાસ્પદ ભૂમિકાની તપાસ તેજ કરી છે. આગામી સમયમાં આ કેસની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. 

કેમેરામેનનો કોલર પકડનાર PI પાસેથી તપાસ ઝૂંટવાઈ

રાજકોટના કાલાવાડ રોડ પર શનિવારે હોટેલ સરાઝામાં ચાલતી દારૂની રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 38 આરોપીઓની ધરપકડ કરી હતી.જે બનાવમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ મેઘાણીએ દારૂડિયાને બદલે મીડિયાના કેમેરામેનનો કોલર પકડી લેતા પોલીસ અને મીડિયા વચ્ચે સામાન્ય ઘર્ષણ થતા ડીસીપી રાકેશ દેસાઈએ તાલુકા પોલીસની હદમાં આવતી હોટેલ સરાઝાની તપાસ માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ કૈલાને સોંપવામાં આવી હતી.હોટેલ સરાઝાના હાઈપ્રોફાઈલ દારૂની રેવ પાર્ટીમાં પોલીસે 38 આરોપીઓની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.કેટલાક લોકો નાસી ગયાની શંકાએ માલવીયા નગર પોલીસે એફએસએલની મદદથી ડીવીઆર દ્વારા સીસીટીવીના ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી કરી છે. ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે,પોલીસના દરોડામાં ઝડપાયેલા આરોપીઓ સામે કાર્યવાહી બાદ સરાઝા હોટેલમાં અગાઉ આવી કેટલી રેવ પાર્ટીઓ થઈ હતી? તે સહિતની હોટેલના માલિક કૌશલ અનડકટની પણ પૂછતાછ કરાશે.

આ પણ વાંચોઃ Banaskantha News: થરા નગર પાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ, જાણો કોણ બન્યું પ્રમુખ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *