Vadodaraના સિંધરોટ MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં ગુજરાત ATS નો મોટો ખુલાસો, સલીમ ડોલા નીકળ્યો મુખ્ય માસ્ટરમાઈન્ડ

📅 Published: November 3, 2026 | 📂 Category: Baroda

ગુજરાતને નશાના રવાડે ચઢાવવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરતા ગુજરાત ATS દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી છે. અગાઉ વડોદરાના સિંધરોટ વિસ્તારમાં ઝડપાયેલી ગેરકાયદે MD ડ્રગ્સની ફેક્ટરી મામલે ATS ના DySP શંકર ચૌધરીએ જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો અસલી માસ્ટરમાઈન્ડ સલીમ ડોલા છે. આ કુખ્યાત ફેક્ટરીમાંથી અગાઉ 87.728 કિલોગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 437 કરોડ જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાવવાથી દેશભરની સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ હતી.

સલીમ સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ

DySP શંકર ચૌધરીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે મુખ્ય આરોપી સલીમ ડોલા આ ડ્રગ્સ ફેક્ટરીના સંચાલન માટે જરૂરી નાણાકીય ભંડોળ (ફાઇનાન્સ) અને કેમિકલ પૂરું પાડવાનું મુખ્ય કામ કરતો હતો. તેની વિરુદ્ધ દેશભરમાં 10 થી વધુ ગંભીર ગુનાઓ અગાઉથી જ નોંધાયેલા છે. ગુનો આચર્યા બાદ તે ભારતમાંથી નાસી છૂટ્યો હતો અને મુંબઈથી દુબઈ, કેન્યા થઈને હાલ તુર્કીમાં છુપાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ બનેલા આ આરોપીને ઝડપી પાડવા માટે ઇન્ટરપોલના માધ્યમથી સલીમ ડોલા સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) પણ ઈશ્યૂ કરી દેવામાં આવી છે.

ED દ્વારા પણ ગુનો દાખલ

આ હાઈ-પ્રોફાઇલ કેસમાં અગાઉ પોલીસે અલગ-અલગ સ્થળોથી 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જેમની કડક પૂછપરછ ચાલી રહી છે. ડ્રગ્સના આ ધંધાથી ઊભી થયેલી બેનામી સંપત્તિ અને મની લોન્ડરિંગના તાર કાપવા માટે હવે ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટરોટ) દ્વારા પણ સલીમ ડોલા અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ભારત તેમજ વિદેશમાં ફેલાયેલા આ ડ્રગ્સ રેકેટના નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા માટે તપાસના ચક્રો અત્યંત ઝડપથી ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Vadodaraમાં ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો પરેશાન, ચારેય તરફ ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાલાકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *