અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરાવવાની અદાવત રાખીને એક યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. પીડિત યુવકે હુમલાખોરોમાં સામેલ એક શખ્સ પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે નરોડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે ઝઘડા બાદ સમાધાન થયું
નાના ચિલોડા ખાતે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હિતેશભાઈ મુકેશભાઈ ભોઈના મિત્રને ગત 27 ઓક્ટોબરે વિજય ભોઈ નામના શખ્સ સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનું બાદમાં સમાધાન થઈ ગયું હતું. દરમિયાન બીજા દિવસે રાત્રે હિતેશભાઈ નાના ચિલોડા ચાર રસ્તાથી ગોકુલધામ સોસાયટી તરફ જઈ રહ્યા હતા, ત્યારે શામુ તીર્થરાજ ચૌહાણ, સોહિલ ભૈયાજી, પ્રશાંત પટેલ અને હાર્દિક પટેલ નામના શખ્સોએ તેમને આંતર્યા હતા. “અગાઉના ઝઘડાનું સમાધાન કેમ કરાવ્યું?” તેમ કહી આરોપીઓએ હિતેશભાઈ સાથે ગાળાગાળી કરી લાકડીઓ વડે હિચકારો હુમલો કર્યો હતો. સ્થાનિકો એકઠા થતાં હુમલાખોરો ભાગી છૂટ્યા
મારામારી દરમિયાન હિતેશભાઈના ગળામાં પહેરેલી સવા તોલાની સોનાની ચેઈન પણ ખોવાઈ ગઈ હતી. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિતેશભાઈની ફરિયાદના આધારે નરોડા પોલીસે શામુ ચૌહાણ સહિત ચારેય શખસો સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. ઈજાગ્રસ્ત યુવકે મુખ્ય આરોપી શામુ ચૌહાણના પિતા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે વાયરલ સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી છે.
નાના ચિલોડામાં જુની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો:હુમલાખોરોમાં એક પોલીસકર્મીનો પુત્ર હોવાનો ફરિયાદીનો આક્ષેપ, સમગ્ર ઘટનાના CCTV વાઈરલ થયા
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
