પોરબંદરમાં રસ્તા-ફૂટપાથનાં દબાણો માપીને નોટિસ અપાશે:ગાંધી કોરિડોર માટે રોડ પહોળો કરાશે; ઓટલા અને પ્રોજેક્શન સ્વેચ્છાએ હટાવવા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીની અપીલ

📅 Published: November 3, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદરમાં સ્મશાનથી અસ્માવતી રિવરફ્રન્ટ ઘાટ સુધીના બંદર રોડ પર રસ્તા અને ફૂટપાથનાં દબાણો સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. સિટી સર્વે અને મનપાના રેકોર્ડથી રસ્તાની મૂળ પહોળાઈ માપીને ગેરકાયદે દબાણોને નોટિસ અપાશે, એમ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું. મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મનપા સ્થળ તપાસ માટે ખાસ ટીમ મોકલશે. સિટી સર્વે વિભાગના સત્તાવાર નકશા અને મનપાના રેકોર્ડ સાથે સરખામણી કરીને માપણી કરાશે. સ્મશાનથી અસ્માવતી ઘાટ સુધીનો માર્ગ સળંગ છે. અહીં અગાઉ ફૂટપાથ બનાવવાનું કામ પણ થયું હતું. હાલમાં આ માર્ગ પર દબાણો અને ગેરકાયદે બાંધકામોની ફરિયાદો મળી છે. માપણીમાં જાહેર રસ્તા કે ફૂટપાથ પર ગેરકાયદે ઓટલા, દીવાલો કે પ્રોજેક્શન જણાશે તો કાયદેસરની નોટિસ અપાશે. ત્યારબાદ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરાશે. ગાંધી કોરિડોર પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની યોજના છે. જાહેર અવરજવર માટે રસ્તો ખુલ્લો રાખવો જરૂરી હોવાનું મનપાએ જણાવ્યું. અગાઉ આઇકોનિક રોડ પ્રોજેક્ટ વખતે રસ્તો પહોળો કરવા ઓટલા અને પ્રોજેક્શનનાં દબાણો હટાવાયાં હતાં. તાજેતરમાં વોર્ડ નં. 5 અને 6માંથી મળેલી ફરિયાદોના આધારે પણ આવાં દબાણો દૂર કરાયાં હતાં. મનપાએ નાગરિકો અને વેપારીઓને કાર્યવાહી પહેલાં પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવી સહકાર આપવા અપીલ કરી છે. જાહેર રસ્તાના વિકાસ અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો સામે કાર્યવાહી કરાશે. મનપા ટૂંક સમયમાં માપણી પૂરી કરીને દબાણ હટાવવાની કામગીરી તેજ કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *