Ranji Trophy Controversy : ક્રિકેટ જગતમાં ખળભળાટ! એક જ રાતમાં આખી ટીમ હટાવાઈ, મેનેજરને મળી ધમકી

📅 Published: November 4, 2026 | 📂 Category: cricket

ભારતીય ઘરેલુ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. મેઘાલયની પ્લેટ ગ્રુપ ટીમમાં મેચના એક દિવસ પહેલાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાગાલેન્ડ સામેની મેચ પહેલાં આખી ટીમને સસ્પેન્ડ કરીને તેના સ્થાને નવી ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ઘટનાને કારણે ખેલાડીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મામલો એટલો ગંભીર બન્યો કે મેદાન પર પોલીસ પણ પહોંચી હતી.

મેઘાલયના ખેલાડીઓની વધી મુશ્કેલી 

મેઘાલયના ખેલાડીઓએ નાગાલેન્ડ સામેની મેચ માટે અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી. ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો અને મેચ રેફરી સાથે બેઠક પણ કરી હતી. આ દરમિયાન તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ મેચમાં રમી શકશે. જોકે, સાંજ પડતાં જ સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ હતી. ખેલાડીઓને જાણ કરવામાં આવી કે હવે તેઓ રાજ્ય ક્રિકેટ એસોસિએશનની સત્તાવાર ટીમનો ભાગ નથી અને તેમને મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ખેલાડીઓને છેલ્લી ઘડીએ શું કહેવામાં આવ્યું?

મેઘાલયના બેટર રાહુલ દલાલે આ સમગ્ર ઘટનાક્રમ વિશે પોતાની વાત જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે ગયા હતા અને મેચ રેફરીએ પણ તેમને ચિંતા ન કરવાની સલાહ આપી હતી. રેફરીએ કહ્યું હતું કે BCCI તરફથી માન્યતા મળેલી હોવાથી તેઓ મેચ રમશે.જોકે, સાંજે મેચ રેફરીનો ફોન આવ્યો હતો અને ખેલાડીઓને જાણ કરવામાં આવી હતી કે હવે તેમને રમવાની મંજૂરી નથી. આ અચાનક નિર્ણયથી ખેલાડીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

વિવાદનું મૂળ શું છે?

આ સમગ્ર વિવાદ મેઘાલય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જેમ્સ સંગમા અને એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ વચ્ચે ચાલી રહેલા આંતરિક મતભેદ સાથે જોડાયેલો છે. છેલ્લા કેટલાક મહિનાથી બંને જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જે હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો છે.આ વિવાદની શરૂઆત એસોસિએશનના સેક્રેટરી રેનોલ્ડ ખારકામાનીના સસ્પેન્શનથી થઈ હતી. તેમના પર ખેલાડીઓ સાથે જોડાયેલી જાતીય સતામણીની ફરિયાદોને દબાવવાનો આરોપ લાગ્યો હતો. જોકે, આ આરોપો અંગે અંતિમ નિર્ણય થયો હોવાની માહિતી આપવામાં આવી નથી.ત્યારબાદ ખારકામાનીના જૂથે સસ્પેન્શન સામે અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે સસ્પેન્શનને યથાવત રાખ્યું હતું અને તેના હેઠળ પસાર થયેલા ઠરાવોને અમાન્ય જાહેર કર્યા હતા. કોર્ટે એપેક્સ કાઉન્સિલ દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમને પણ અમાન્ય ઠેરવી હતી.

ખેલાડીઓનું ભવિષ્ય જોખમમાં

કોર્ટના નિર્ણય બાદ જેમ્સ સંગમાના જૂથે નવી ટીમની પસંદગી કરી હતી. આ નવી ટીમમાં અગાઉ એપેક્સ કાઉન્સિલ દ્વારા પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરિણામે અગાઉના ત્રણ રાઉન્ડમાં રમી ચૂકેલા ખેલાડીઓ અચાનક ટીમની બહાર થઈ ગયા હતાઆ ઘટનાને કારણે અનેક ખેલાડીઓની રણજી ટ્રોફીની કારકિર્દી અને ભવિષ્ય અંગે સવાલો ઊભા થયા છે. ખેલાડીઓએ આખી સિઝન માટે મહેનત કરી હોવા છતાં વહીવટી વિવાદને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

BCCI સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ મેઘાલય ક્રિકેટ એસોસિએશનના આ વિવાદથી વાકેફ છે. BCCIના સેક્રેટરી દેબજીત સૈકિયાએ જણાવ્યું હતું કે મેઘાલય હાઈકોર્ટમાં એસોસિએશનના પ્રમુખના જૂથ અને સેક્રેટરી ખારકામાની વચ્ચે કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં કોર્ટે પ્રમુખના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ત્યારબાદ તેમણે નવી ટીમની પસંદગી કરી હતી.

આ પણ વાંચો – IND vs NZ : 4 ફાસ્ટ બોલર સાથે ભારતની નવી રણનીતિ, સતત છઠ્ઠી મેચમાં આ ખેલાડીની બાદબાકી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *