દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેઇનની આખી બિલ્ડિંગ પડીને ભૂસ્સ થઈ ગઈ છે. અને તેમને હરાવનાર જો બિડેનની ડેમોક્રેટિક પાર્ટી નથી, પણ સામાન્ય માણસનું રસોડું છે! 2020માં જ્યારે ટ્રમ્પ ચૂંટણી હાર્યા હતા ત્યારે આખા અમેરિકાને માથે લીધું હતું પણ આ વખતે વોટિંગ ફ્રોડનું કે રટણ ન કર્યું અને પરિણામ માની લીધું. કારણ એવું હોય શકે કે તે હાર ભાળી ગયા હોય કે જન ત્સુનામી ઓળખી ગયા હોય. આવી તો અનેક વાતો છે જેની ચર્ચાઓ બહુ ઓછી થઈ રહી છે. એ વાતો કઈ છે તેની આજે વિગતે વાત કરીએ. નમસ્કાર… 3 નવેમ્બર 2026ની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોએ માત્ર અમેરિકાને જ નહીં, આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પનો મેક અમેરિકા ગ્રેટ અગેઇનનો ફુગ્ગો ફૂટી ગયો છે. અમેરિકન સંસદના બંને ગૃહો એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ પર હવે વિપક્ષનો કબજો છે. પણ સૌથી મોટો આંચકો એ છે કે, આ કોઈ સામાન્ય હાર-જીત નથી. આ એક એવા શાસક સામે જનતાનો બળવો છે, જેણે બહુમતીને પાંચ વર્ષ મનમાની કરવાનો પરવાનો સમજી લીધો હતો. આ વખતે ટ્રમ્પે કોઈ વિરોધ કેમ ન કર્યો? કારણ કે હારનું માર્જિન નાનું નહોતું. ચૂંટણીની છેલ્લી 29 રાતોમાં 33 જંગી રેલીઓ કરવા છતાં, ટ્રમ્પ પોતાના કટ્ટર રિપબ્લિકન ગઢ પણ બચાવી શક્યા નથી. જ્યારે અમુક રાજ્યોમાં પાતળા માર્જિનથી હાર થાય, ત્યારે ચોરી ના આક્ષેપો ચાલે. પણ જ્યારે ટેક્સાસ, સાઉથ કેરોલિના અને ઓહાયો જેવા તેમના ગઢમાં જ મતદારો વિરુદ્ધ થઈ જાય, ત્યારે વોટ ચોરીની દલીલ સાવ હાસ્યાસ્પદ બની જાય છે. ટેક્સાસમાં તો 32 વર્ષ બાદ ગવર્નર પદ ડેમોક્રેટ્સ પાસે ગયું છે. 38 વર્ષ જૂના ગઢના કાંગરા ખર્યાં ટેક્સાસની સેનેટ બેઠક 38 વર્ષ અને ગવર્નર પદ 32 વર્ષથી રિપબ્લિકન પાસે હતાં. સાઉથ કેરોલિનાની સેનેટ 28, જ્યોર્જિયાનો ગવર્નર 24, ઓહાયોનો 19 અને આયોવાનો 15 વર્ષથી રિપબ્લિકન્સના કન્ટ્રોલમાં હતા. હવે અમેરિકામાં ટ્રમ્પના અહંકારના કારણે દાયકાઓ જૂના ઈક્વેશન્સ બદલાયા છે. વાસ્તવમાં ટ્રમ્પનું પોતાનું ગઠબંધન અંદરથી જ તૂટી ગયું છે. 2024માં જે હિસ્પેનિક, આફ્રિકન-અમેરિકન અને ભારતીય-અમેરિકન મતદારોએ ટ્રમ્પને ખોબલે-ખોબલે મત આપ્યા હતા, તેમણે માત્ર બે જ વર્ષમાં સાથ છોડી દીધો. અમેરિકન્સનું સત્તાના અહંકાર સામે વોટિંગ રિપબ્લિકન નેતાઓએ ચૂંટણી જીતવા માટે ફ્લોરિડા અને ટેક્સાસમાં મતદાનના નકશા પણ પોતાના પક્ષમાં ફેરવી નાખ્યા હતા. છતાં જનતાનો રોષ એટલો ખતરનાક હતો કે આ સુરક્ષિત ગઢ પણ તૂટી ગયા. અમેરિકાના મતદારોએ સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, બેલેટ પેપર પર ભલે ટ્રમ્પનું નામ નહોતું, પણ આ વોટિંગ સીધું વ્હાઇટ હાઉસમાં બેઠેલા સત્તાના અહંકાર સામે થયું છે. અમેરિકાના ઈતિહાસમાં દાયકાઓ જૂના ઇક્વેશન્સ એક ઝાટકે બદલાઈ ગયા છે. સેનેટમાં રિપબ્લિકન્સની 53-47ની બહુમતી હતી, ત્યાં હવે ડેમોક્રેટ્સે સીધો 6 બેઠકોનો વધારો કરીને કંટ્રોલ લઈ લીધો છે. હવે દેશની તિજોરી અને કાયદાઓ ટ્રમ્પના એકલાના ઈશારે નહીં નાચે. પણ શું આટલેથી રમત પૂરી થઈ ગઈ? બિલકુલ નહીં. અસલી ગેમ તો હવે શરૂ થશે, કારણ કે ટ્રમ્પે હવે પોતાની જાતને મિસ્ટર વીટો જાહેર કરી દીધા છે. આ બળવા પાછળના ચોંકાવનારા આંકડા શું કહે છે અને મિસ્ટર વીટોનો ગેમપ્લાન શું છે? ચાલો હવે તેની પણ વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ ધ હેરિસ પોલના એનાલિસિસની. અમેરિકાની 75 ટકા પબ્લિકનું માનવું હતું કે નેતાઓને માત્ર પોતાની સંપત્તિ વધારવામાં જ રસ છે. અને આ વાત સાચી પણ છે. વ્હાઇટ હાઉસના પહેલા જ વર્ષમાં ક્રિપ્ટો સોદાઓ અને ગલ્ફ દેશોના પ્રોજેક્ટ્સ દ્વારા ટ્રમ્પની અંગત સંપત્તિમાં રોજનો 60 લાખ ડોલર એટલે કે લગભગ 50 કરોડ રૂપિયાનો વધારો થઈ રહ્યો હતો, જ્યારે સામે પક્ષે સામાન્ય માણસ કરિયાણું ખરીદવામાં સંઘર્ષ કરતો હતો. એસોસિએટેડ પ્રેસના એક્ઝિટ પોલમાં 74 ટકા લોકોએ સીધું કહી દીધું કે અમેરિકન ઈકોનોમી બીમાર છે. ટ્રમ્પના શાસનમાં શેરબજાર કૂદકા મારતું હતું, પણ 13 ટ્રિલિયન ડોલરના આર્થિક ઉછાળાનો ફાયદો માત્ર ટોચના 10% અમીરો સુધી જ સીમિત રહ્યો. ટ્રમ્પે 2024માં વાયદો કર્યો હતો કે તેઓ અમેરિકાને એન્ડલેસ વોરમાંથી બહાર કાઢશે. પણ ફેબ્રુઆરી 2026માં તેમણે શું કર્યું? ઈઝરાયેલ સાથે મળીને સીધું ઈરાન સામે યુદ્ધ છેડી દીધું. આ યુદ્ધ કોઈ નાની-સૂની રમત નહોતી. માત્ર આઠ મહિનામાં પેન્ટાગોને 47 અબજ ડોલર આ યુદ્ધમાં ફૂંકી માર્યા. 60 ટકા અમેરિકન મતદારોએ આ યુદ્ધને એક ખોટો નિર્ણય ગણાવ્યો. આ યુદ્ધની સૌથી મોટી અને સીધી અસર એ થઈ કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વધતાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલના ભાવમાં ભડકો થયો. અમેરિકનોને જે 4% નો પગાર વધારો મળ્યો હતો, તે 3%ના ફુગાવા અને આ ઇંધણના ભાવવધારામાં સાવ ધોવાઈ ગયો. બીજો સૌથી મોટો મુદ્દો હતો ઈમિગ્રેશન. NICE રેઈડ્સના નામે શાળાઓ અને ઘરોમાંથી એવા લોકોને પકડી પકડીને જેલમાં નાખવામાં આવ્યા, જેમાંથી 10 માંથી 7 લોકોનો કોઈ ગુનાહિત રેકોર્ડ જ નહોતો. આની આર્થિક અસર એ થઈ કે સ્થાનિક બાંધકામ અને પ્રોજેક્ટ્સ અટકી પડ્યા અને નોકરીઓ જતી રહી. આ બધી અમાનવીયતાને કારણે બીન-મૂળ અમેરિકન લોકો અને લઘુમતીઓએ ટ્રમ્પને વોટ આપવાનો સાફ ઇનકાર કરી દીધો. મિસ્ટર વીટોનું ગણિત અને વિપક્ષની મજબૂરી મિડ ટર્મ ઈલેક્શન હાર્યા પછી ટ્રમ્પે પોતાને મિસ્ટર વીટો તો કહી દીધા, પણ તેનું ગણિત શું છે? ઇન્ટરનેશનલ મીડિયાના એનાલિસિસ મુજબ, ડેમોક્રેટ્સ ટ્રમ્પના વીટોને સરળતાથી તોડી નહીં શકે. આના મુખ્ય ત્રણ કારણો છે: ટ્રમ્પ પાસે પ્લાન-B પણ છે. તેમના વફાદાર ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર અને બજેટ ડિરેક્ટર રસેલ વોટે એક સિક્રેટ રણનીતિ ઘડી કાઢી છે કૉંગ્રેસને બાયપાસ કરીને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર્સથી શાસન ચલાવવાનું. અમેરિકાની ચૂંટણીના આ આંકડા અને રણનીતિઓ સ્પષ્ટ કરે છે કે, 2026ની આ મિડ-ટર્મ ચૂંટણીમાં અહંકાર અને સત્તાની લાલસા પર અમેરિકન જનતાએ એક મોટી બ્રેક મારી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે આ આંતરિક ખેંચતાણની દુનિયા પર શું અસર પડે છે. સામાન્ય ગુજરાતી યુવાનોને શું ફેર પડશે? સવાલ એ છે કે આ બધાથી ભારત, ગુજરાતના વેપારીઓ અને સામાન્ય ગુજરાતી યુવાનોને શું ફેર પડશે? સૌથી પહેલા રાહતની વાત. ફેબ્રુઆરી 2026માં ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરારની વાત ચાલી રહી હતી, જે ઓક્ટોબરમાં ટેરિફના ડખાને કારણે અટકી પડી હતી. ટ્રમ્પે દરેક દેશ પર મોટો ટેરિફલગાવી દીધો હતો. પણ હવે અમેરિકન પબ્લિકે જ આ ટેરિફને નકારી કાઢ્યો છે અને ડેમોક્રેટ્સ ટ્રમ્પની સત્તા પર કાતર ફેરવવાના છે. આનો સીધો મતલબ એ કે વેપારમાં હવે ભારતનો હાથ ઉપર રહેશે અને ગુજરાતના એક્સપોર્ટર્સ માટે નવા રસ્તા ખૂલશે. જો ડેમોક્રેટિક કૉંગ્રેસ ખરેખર ટ્રમ્પનું યુદ્ધ ફંડિંગ રોકી દેશે, તો ઈરાન યુદ્ધ અટકશે. યુદ્ધ અટકશે એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે. ક્રૂડ સસ્તું થવાનો સીધો ફાયદો એ કે ભારતમાં અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં આવશે, ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે અને મોંઘવારી ઘટશે. યુવાનો માટે મોટા સમાચાર એ છે કે અમેરિકન સંસદમાં ડેમોક્રેટ્સની બહુમતી આવવાથી H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર લટકતી તલવાર દૂર થશે. ડેમોક્રેટ્સ હંમેશા ઇમિગ્રન્ટ્સ પ્રત્યે થોડું નરમ વલણ રાખે છે. એટલે અમેરિકામાં ભણવા કે નોકરી કરવા જતા ગુજરાતીઓ માટે આ બહુ મોટો હાશકારો છે. પણ એક છૂપો ખતરો છે જેની તૈયારી અત્યારથી કરવી પડશે. અમેરિકન વિપક્ષ હવે પૂરા જોશમાં છે અને તેઓ ટ્રમ્પ પરિવારના વૈશ્વિક બિઝનેસ સોદાઓની ઊંડી તપાસ કરવાના છે. ટ્રમ્પ અને તેમના પરિવારે રિયલ એસ્ટેટ, ક્રિપ્ટો અને ગલ્ફ દેશોમાં ઘણા મોટા વ્યાપારી કરારો કર્યા છે. આ તપાસમાં સૌથી મોટી ભીંસ એ આવી શકે છે કે, જો કોઈ ભારતીય બિઝનેસમેન કે ઉદ્યોગગૃહની ટ્રમ્પ પરિવાર સાથે સીધી ભાગીદારી હશે, તો તે પણ આ અમેરિકી તપાસની ઝપેટમાં આવી શકે છે. બીજું, ડેમોક્રેટિક પાર્ટી હંમેશા માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે આક્રમક રહી છે. હવે જ્યારે અમેરિકન સંસદ તેમના કંટ્રોલમાં છે, ત્યારે તેઓ ભારત સરકાર પર આ મુદ્દાઓને લઈને રાજદ્વારી દબાણ વધારશે. ચીન અને રશિયા સામે પણ અસલી રમત હવે રમાશે. અત્યાર સુધી ટ્રમ્પ ચીન સાથે કોઈ ખાનગી બિઝનેસ ડીલ કરીને ટેકનોલોજી પ્રતિબંધો હળવા કરી દેતા હતા. પણ હવે ડેમોક્રેટિક કૉંગ્રેસ MATCH Act દ્વારા ચીનને મળતી AI ચિપ્સ અને સેમિકન્ડક્ટર મશીનરી પર લોખંડી પ્રતિબંધ મૂકશે. આનાથી ચીનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે. અમેરિકન બંધારણ મુજબ ટ્રમ્પ 2028માં ફરીથી ચૂંટણી લડી શકવાના નથી. આ હાર સાથે જ રિપબ્લિકન પાર્ટીમાં અત્યારથી જ 2028 માટે નવા નેતાઓની શોધ શરૂ થઈ ગઈ છે. 2026ની આ મિડ-ટર્મ ચૂંટણી આખી દુનિયાની લોકશાહી માટે એક શાશ્વત બોધપાઠ મૂકી ગઈ છે. ચૂંટણીમાં જ્યારે જનતા કોઈ નેતાને ટોચ પર બેસાડે છે, ત્યારે તે માલિકીનો દસ્તાવેજ નથી આપતી, પણ 5 વર્ષનો ભાડાકરાર આપે છે. અને જ્યારે શાસક પોતાની જાતને કાયદાથી ઉપર સમજવા લાગે, ત્યારે સામાન્ય જનતા અબજોપતિઓના ફંડિંગ અને સોશિયલ મીડિયાના ઘોંઘાટને કોરાણે મૂકીને, માત્ર એક નાનકડા મતપત્રથી શક્તિશાળી શાસકનો અહંકાર ઓગાળી શકે છે. અને છેલ્લે… ચૂંટણીની થોડી ઈન્ટ્રેસ્ટિંગ વાત. ટ્રમ્પના અહંકારના કારણે અમેરિકાને મિશિગનથી પહેલા મુસ્લિમ યુએસ સેનેટર મળી ગયા છે. જેમનું નામ છે અબ્દુલ અલ સૈયદ. અને જ્યોર્જિયામાં કિશા લાન્સ બોટમ્સ અમેરિકાના પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બન્યા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ટ્રમ્પનો ફુગ્ગો ફૂટ્યો:અમેરિકાની સંસદમાં 83 વર્ષની સૌથી ભૂંડી હાર, હજુ બે વર્ષ હાહાકાર મચાવવા પ્લાન-B તૈયાર, ભારતને 3 મોટા ફાયદા થઇ શકે
📅 Published: November 4, 2026 |
📂 Category: International
