જિંદગીમાં પૈસા તો જોઈએ જ પરંતુ અત્યારે એક લેવલ પર આવ્યા પછી પૈસા ગાડીમાં ફરવા માટેનું પેટ્રોલ હોય તેવા છે. જિંદગીમાં ક્યાં પહોંચવું છે તે નક્કી હોવું ખૂબ જ જરૂરી છે. તમે જો સવારે રોજ ગાડી બહાર કાઢો અને ક્યાં જવું છે તે ખબર જ ન હોય તો દિશાહીન કામગીરી કહેવાય છે. જેને લીધે પેટ્રોલ અને સમય બંને વેડફાય છે. આ શબ્દો છે રિયલ એસ્ટેટ ગ્રુપ શિવાલિકના એમડી ચિત્રક શાહના. ધનતેરસ અને દિવાળીના પાવન પર્વે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે, ત્યારે સંઘર્ષ વેઠીને સફળતાના શિખર સુધી પહોંચેલા 5 ઉદ્યોગપતિની ભાસ્કર સિરિઝ ‘સંપત્તિનું સિક્રેટ’ના બીજા એપિસોડમાં વાંચો ચિત્રક શાહ સાથેની વાતચીત… 1998માં મારા પિતા સતીશ શાહે આ ગ્રુપનો પાયો નાંખ્યો હતો. નાનો હતો ત્યારે લેગો ગેમ ખૂબ રમતો હતો, તે સમયે તે નવી નવી આવી હતી. જેથી પિતાજીએ જ્યારે નવી સાઇટ શરૂ કરી ત્યારે લેગોના બ્લોક્સ બિલ્ડીંગના બ્લોકસમાં દેખાવાના શરૂ થઈ ગયા હતા. જેથી અત્યારે તેના આધારે જ બિલ્ડીંગના આકાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યાર બાદ મેં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. જેમાં શરૂઆતમાં રેસિડેન્શિયલ જે બાદ 2001થી કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. અત્યારે 16 શહેરમાં 75થી વધુ આઇકોનિક બિલ્ડિંગ ઊભા કરી દીધા છે. અમદાવાદ શહેરનો એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં શિવાલિક ગ્રુપની બિલ્ડિંગ જોવા ન મળતી હોય. ધંધામાં ક્યારેય પણ પૈસા નહીં ગ્રોથ જોઈને જ આગળ વધ્યા છીએ. ગ્રોથના કારણે પૈસા ઓટોમેટિક આવતા થઈ ગયા હતા. મારા પાર્ટનરોએ કઈ રીતે ગ્રોથ થઈ શકે છે તેને સૌથી વધુ મહત્વ આપ્યું છે. જેથી પાર્ટનર ગ્રોથ થતા ધંધામાં પૈસા ઓટોમેટિક આવી જાય છે. ‘ભૂલો ડિફાઇન કરીને તેમાંથી શીખવાનું’
અમે વચ્ચે વચ્ચે જેનો અનુભવ નહોતો એવા ઘણા એવા બિઝનેસ એડ કર્યા. તેમજ કેટલાક પ્રોજેક્ટ લાંબા ચાલવા જેવી ભૂલો પણ થઈ. અલગ અલગ બધું કરવા ગયા હતા એના કરતા એક અથવા બે પ્રકારની એસેટ પર કામ કર્યું હોત તો અમને સ્કેલ વધારે સારો મળી શક્યો હોત. જેથી દરેક સાઇકલમાં જે પણ ભૂલો કરી હોય તેને લખતા જઇએ છીએ. કઈ કઈ ભૂલો આગળ નહીં કરવાની તે ડિફાઈન કરીને ભૂલોમાંથી નવું શીખીને આગળ વધીએ છીએ.
‘આપણી એનર્જી કોઈ વધારે ખાઈ જાય તો ડાયવર્ટ થઈ જવાય’
ધંધામાં કરેલી શરૂઆત અંગે કહે છે કે, અત્યાર સુધીની સફરમાં પડકારોને પોઝિટિવ રીતે જોયા છે. સફરમાં આપણી એનર્જી કોઈ વધારે ખાઈ જાય તો ડાયવર્ટ થઈ જવાય છે, પરંતુ તેમાંથી પોઝિટિવ વિચારી આગળ વધુ ખૂબ જ જરૂરી છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે મારા પિતા સ્ટોક માર્કેટમાં હતા. તે સમયે અમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા. જે બાદ પોતાની સ્કીમ પણ શરૂ કરી હતી. ત્યાંથી સફર શરૂ થઈ હતી, આજે અહીં સુધી પહોંચી છે. પૈસા ઝડપથી કઈ રીતે ફેરવવા તે 2001થી 2011 દરમિયાન શીખવા મળ્યું હતું. જે બાદ નાના નાના પ્રોજેક્ટ પૂર્ણ કરી પૈસા ફેરવતા શીખી ગયા હતા. આ આખી જર્નીમાં ઘણા બધા સંઘર્ષ આવ્યા છે. કોઈ પ્રોજેક્ટ પ્લાન કરતાં અલગ બની ગયો હોય, કોઈ પ્રોજેક્ટમાં ખોટ આવે એ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. પરંતુ રિયલ એસ્ટેટ સેફ છે અને લાંબા સમય સુધી તેમાં ફાયદો થતો હોય છે. મને રિયલ એસ્ટેટ સૌથી સેફ લાગ્યું હતું, કારણ કે તેમાં 100માંથી 99 લોકો કમાતા હતા. જેથી આ લાઇનમાં જ આગળ વધવાનું પંસદ કર્યું હતું. ‘સ્કિલ કોઈપણ બિઝનેસમાં આગળ વધવાનો એન્ટ્રી પોઇન્ટ’
કોઈપણ બિઝનેસમાં આગળ વધવા માટે કોઈપણ એક સ્કિલ પકડવી ખૂબ જ જરૂરી છે. ડેવલોપમેન્ટમાં જવું છે કે પછી કન્સ્ટ્રક્શનમાં જવું છે તે પહેલાં નક્કી કરવું જોઈએ. જે બાદ કોઈપણ એક સ્કીલથી શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે તે બિઝનેસને લગતું બધું જ શીખી શકાશે. સ્કિલ એ કોઈપણ બિઝનેસમાં આગળ વધવાનો એન્ટ્રી પોઇન્ટ છે. સ્કિલના કારણે તમે તમારી આવડતથી વધુ શીખી શકો છો. કોઈપણ ધંધામાં લક્ષ્મીજી રૂઠી જાય તે સ્વાભાવિક હોય છે. લક્ષ્મીજી હોય કે પાર્ટનર હોય તે રૂઠી જાય તો તેને ધંધામાં મનાવવા જ પડતા હોય છે. તેમજ તે સમયે બધું મેનેજ પણ કરવું પડતું હોય છે. ‘માતા, પત્ની અને ભાભીના કારણે આખું એમ્પાયર બીલ્ડ કરી રહ્યા છીએ’
અમારા માટે ઘરના લક્ષ્મી આખું પરિવાર છે. પરંતુ સૌથી વધુ ત્રણ મહિલાઓ છે. મારી માતા, પત્ની અને મારા ભાભી આ ત્રણેય લક્ષ્મીજીના કારણે આજે આખું એમ્પાયર બીલ્ડ કરી રહ્યા છીએ. યુવાનોએ મિત્ર અને પરિવાર શું કહે છે તે વિચારવા કરતા તેને શું કરવામાં મજા આવે છે, શું ભણ્યા છો અને તમારું કરિયર શેમાં વધારે સારું બની શકે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. પોતાના વિશ્વાસ પર ત્રણ ચાર વર્ષ ગમતું હોય તેના પર મહેનત કરવી જોઈએ. જો પોતાને ગમતું હોય તેના પર મહેનત કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળતી હોય છે. ‘જે ખૂટતું હોય તે મેનેજ કરવું પડતું હોય છે, તે પૈસા હોય કે પછી ટેલેન્ટ હોય’
અમદાવાદના ભવિષ્યને લઈને ચિત્રક શાહ જણાવે છે કે, અમદાવાદનું ભવિષ્ય આગામી સમયમાં ખૂબ સારું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે. જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ વધી રહ્યું છે. તેમજ રિંગ રોડ પણ મોટા થઈ ગયા છે. હજુ પણ નવો રિંગ રોડ બની રહ્યો છે. અમદાવાદ અત્યારે ગાંધીનગર, ગિફ્ટ સિટી, સાણંદ, કલોલ તરફ મોટું થઈ રહ્યું છે. માઇગ્રેશન પણ અમદાવાદમાં ખૂબ જ વધી રહ્યું છે, જેથી તક પણ વધી રહી છે. હું તકને મારી સ્કીલ અને વધુમાં વધુમાં કેટલી તકનો લાભ ઉઠાવી શકું તે જોવું છું. જેમાં જે ખૂટતું હોય તે મેનેજ કરવું પડતું હોય છે ભલે તે પૈસા હોય કે પછી ટેલેન્ટ હોય. મારુતિથી શરૂ થયેલી સફર મર્સિડીઝ મેબેક સુધી કઈ રીતે પહોંચી ગઈ તેને લઈને જણાવ્યું કે, મને કોઈ પણ પ્રકારનો ગાડીનો શોખ નથી. પરંતુ મારી ગાડીઓ મારો પરિવાર અને મિત્રો નક્કી કરતા હોય છે. અત્યારે મારી પાસે મર્સિડીઝ-મેબેક ગાડી છે. મર્સિડીઝ-મેબેક પહેલા મારી પાસે રેન્જ રોવરની ગાડી હતી. તેમજ ઘરમાં પણ અત્યારે રેન્જ રોવર, મર્સિડિઝની બે ત્રણ ગાડી છે.
'ગ્રોથ જોઈને આગળ વધશો તો પૈસા ઓટોમેટિક આવશે':શિવાલિક ગ્રુપના ચિત્રક શાહે કહ્યું-પૈસા ગાડીમાં ફરવા માટેના પેટ્રોલ જેવા છે, રિયલ એસ્ટેટમાં લાંબો સમય ફાયદો છે
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
