અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો:મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોની જીત, ડેમોક્રેટિક પાર્ટીના 5 સભ્યો સાંસદ બન્યા

📅 Published: November 5, 2026 | 📂 Category: International

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં 5 ભારતીય મૂળના નેતાઓએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં જીત મેળવી છે. જ્યારે એક ઉમેદવાર અમીષ શાહ આગળ ચાલી રહ્યા છે. આ તમામ ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો છે. જીતનારાઓમાં રો ખન્ના, એમી બેરા, પ્રમિલા જયપાલ, સુહાસ સુબ્રમણ્યમ અને પિયા દાંડિયાનો સમાવેશ થાય છે. આ પહેલાં 2024ની ચૂંટણીમાં 6 ભારતીય મૂળના લોકો આ સદન માટે ચૂંટાયા હતા. આ વખતે સેનેટ માટે કોઈ ભારતીય મૂળના ઉમેદવારે ચૂંટણી લડી ન હતી. બીજી તરફ, ગવર્નર પદ માટે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ ઓહાયોથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેઓ ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટન સામે હારી ગયા. ડેમોક્રેટિક પાર્ટીમાંથી 5 ભારતીય મૂળના લોકો સાંસદ બન્યા 1. એમી બેરા, ડેમોક્રેટિક પાર્ટી- 8મી વખત જીત્યા કેલિફોર્નિયાના ત્રીજા સંસદીય ક્ષેત્રમાંથી એમી બેરા સતત આઠમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર રોબ ટકરને 23 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. બેરા વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ 2013માં પહેલી વાર હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય બન્યા હતા. 2. રો ખન્ના, ડેમોક્રેટિક પાર્ટી- છઠ્ઠી વખત જીત્યા કેલિફોર્નિયાના 17મા સંસદીય ક્ષેત્રમાંથી રો ખન્નાએ સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર રિતેશ ટંડનને 42 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ટંડન આ પહેલાં 2020 અને 2022માં પણ રો ખન્ના સામે ચૂંટણી લડી ચૂક્યા છે. 3. પ્રમિલા જયપાલ, ડેમોક્રેટિક પાર્ટી- 1.52 લાખથી વધુ મતોથી જીત્યાં વોશિંગ્ટનના 7મા સંસદીય ક્ષેત્રમાંથી ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમિલા જયપાલે સતત છઠ્ઠી વખત જીત નોંધાવી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર નીરવ શેઠને 1.52 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. પ્રમિલા 2017થી આ બેઠક પર સાંસદ છે. તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. તેમનો જન્મ ચેન્નઈમાં થયો હતો. 4. સુહાસ સુબ્રમણ્યમ, ડેમોક્રેટિક પાર્ટી- બીજી વખત સાંસદ બન્યા વર્જિનિયાના 10મા સંસદીય ક્ષેત્રમાંથી સુહાસ સુબ્રમણ્યમ બીજી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને 61.5%થી વધુ મત મળ્યા છે, જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડેવ બેકવેથને 36.4% મત મળ્યા છે. સુહાસનો જન્મ ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય માતા-પિતાના ઘરે થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન તેમણે વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી પોલિસી એડવાઇઝર તરીકે કામ કર્યું હતું. વિજય બાદ સુહાસે કહ્યું, “તમારો અવાજ ઉઠાવો. મેં ચૂંટણી લડી અને જીતી. તમે પણ આવું કરી શકો છો.” 5. પિયા દાંડિયા, ડેમોક્રેટિક પાર્ટી- પહેલીવાર સંસદમાં પહોંચ્યાં ફ્લોરિડાના 22મા સંસદીય ક્ષેત્રમાંથી પિયા દાંડિયા પહેલીવાર હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટાઈ આવ્યાં છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યાં છે. પિયાને 51.9% અને અસ્કરને 48.1% મત મળ્યા છે. 39 વર્ષનાં પિયાનો જન્મ અને ઉછેર ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં થયો છે. તેમનાં માતા-પિતા ભારતથી અમેરિકા ગયાં હતાં. પિયા અગાઉ શિક્ષિકા હતાં. ટ્રમ્પ અને જેડી વેન્સે પ્રચાર કર્યો, છતાં પણ હારી ગયા રામાસ્વામી ભારતીય મૂળના રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નરની ચૂંટણી હારી ગયા છે. ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટને તેમને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. રામાસ્વામીના સમર્થનમાં ટ્રમ્પે પ્રચાર કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ તેમના માટે મત માગવા પહોંચ્યા હતા. આટલું છતાં રામાસ્વામી ચૂંટણી જીતી શક્યા નથી. રામાસ્વામીએ 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે રિપબ્લિકન પાર્ટી તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. રાજ્યોની ચૂંટણીઓમાં પણ ભારતીય મૂળના લોકોનું વર્ચસ્વ કેટલાક ભારતીય મૂળના ઉમેદવારો હાર્યા: ન્યૂયોર્કમાં રિપબ્લિકન ઉમેદવાર સરિતા કોમતિરેડ્ડી એટર્ની જનરલની ચૂંટણી હારી ગઈ છે. નોર્થ કેરોલાઇનામાં મહેશ ગણોરકર, ઓહાયોમાં અપક્ષ સંદીપ દીક્ષિત અને મિશિગનમાં અપક્ષ અનિલ કુમારને પણ હારનો સામનો કરવો પડ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *