ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ડબરાની તરફ ગંગનાની નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.એક ઇનોવા કાર પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી જ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગુજરાતના સુરતના ચાર લોકોના મોત થયાં છે. એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિ લાપતા હોવાની વિગતો સામે આવી છે.
કતારગામના એક જ પરિવારના ચાર લોકોના મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના મટવાડી તાલુકામાં આવેલા ગંગનાની વિસ્તારમાં આજે વહેલી સવારે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં સુરતના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.મૃતકો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવશક્તિ રેસિડન્સીમાં રહેતા એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે.જેમાં અશોકભાઈ પટેલ અને રીતિકા અશોકભાઈ પટેલ, સરવરિયા ઘનશ્યામભાઈ સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે બે લોકો હજી લાપતા હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અકસ્માતગ્રસ્ત કારમાં કૂલ સાત લોકો સવાર હતાં.
બચાવ ટીમોએ નદીના કિનારેથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા
અકસ્માત બાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યના નિર્દેશો હેઠળ રાહત અને બચાવ ટીમોને કામે લગાડવામાં આવી હતી.સ્થાનિક પોલીસ, SDRF અને 108 એમ્બ્યુલન્સ સેવાને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.નદીના પ્રવાહના જોરદાર વેગને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.વોટર પોલીસ અને ડાઇવર્સ નદીમાં અન્ય મુસાફરોની શોધખોળ કરી રહ્યા છે.અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને ઈમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમોએ નદીના કિનારેથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતાં.
