મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના વતની સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટના તેના વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ડિટેન્શન સેન્ટરમાં સાહિલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વકીલે સાહિલની તેનાં માતા હસીનાબેન સાથે વ્હોટ્સએપ કોલ મારફતે વાતચીત કરાવી હતી. આશરે બે મહિનાના લાંબા સમયગાળા બાદ માતા-પુત્ર વચ્ચે 20 થી 25 મિનિટ સુધી વાતચીત થતાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રશિયામાં કુરિયર ફ્રોડમાં ફસાયા બાદ જેલ અને યુદ્ધ ક્ષેત્રે ધકેલાયો
સાહિલ વર્ષ 2024માં અભ્યાસ અર્થે રશિયા ગયો હતો, જ્યાં તે કુરિયર બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. અજાણતામાં ડ્રગ્સ ધરાવતું એક પાર્સલ ડિલિવરી માટે આવતાં રશિયાની કોર્ટે તેને 7 વર્ષની સજા ફટકારી જેલમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જેલના કેદીઓને યુદ્ધમાં મોકલવાની નીતિ હેઠળ સાહિલે ના પાડી હોવા છતાં તેને જબરદસ્તીથી હથિયારો સાથે યુક્રેન સરહદે લડવા મોકલી દેવાયો હતો. યુક્રેન સૈન્ય સમક્ષ સરન્ડર કર્યું હતું
યુદ્ધમાં નિર્દોષ લોકો સામે લડવાને બદલે સાહિલે 8 ઓક્ટોબર 2025ના રોજ યુક્રેન સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં સુરક્ષિત છે. કોલ પર વાતચીત દરમિયાન સાહિલે જણાવ્યું કે તે હાલ ત્યાં સોફા અને ફર્નિચર બનાવવાની કામગીરી કરે છે તથા યુક્રેન આર્મી અને સરકાર તરફથી તેને પૂરતો સહકાર મળી રહ્યો છે. તેણે મોરબી સ્થિત પોતાના પરિવારજનોના ખબરઅંતર પણ પૂછ્યા હતા. પુત્રને ભારત પરત લાવવા પરિવારની કાનૂની લડાઈ
સાહિલને સલામત રીતે વતન ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેન દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સ્થાનિક સાંસદ-ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં પણ કાનૂની પ્રક્રિયા ચાલુ છે. પરિવારજનોને આશા છે કે દિલ્હી હાઈકોર્ટ અને વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપથી સાહિલ વહેલી તકે મોરબી પરત ફરશે.
યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં વકીલે સાહિલ માજોઠીની મુલાકાત લીધી:2 મહિના બાદ વીડિયો કોલ પર માતા સાથે ભાવુક વાતચીત; મોરબીના યુવકને ભારત લાવવા PM સમક્ષ રજૂઆત
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
