Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

📅 Published: November 5, 2026 | 📂 Category: gujarati-news
ભાવનગર શહેરના ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે મુખ્ય આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા ફટકારી છે. ઘટનાના માત્ર 62 દિવસમાં જ કોર્ટે ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરીને આ ચુકાદો જાહેર કરતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.


4 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકીએ જાહેરમાં હત્યા કરી હતી

ભાવનગર શહેરમાં બનેલી કાજલ બારૈયાની ઘાતકી હત્યાની સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 4 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતાપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો હતો. 


નીલમબાગ પોલીસ દ્વારા ત્વરિત ધોરણે તપાસ

જાહેરમાં રસ્તા પર યુવતી પર થયેલા જીવલેણ હુમલા અને હત્યાના આ અત્યંત ગંભીર ગુનાની તપાસ સ્થાનિક નીલમબાગ પોલીસ દ્વારા ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી હતી. નીલમબાગ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી સઘન તપાસનો દોર આગળ ધપાવ્યો હતો અને આરોપી સામેના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા હતા. આ કેસમાં પોલીસે આરોપી ફૈઝલ સામે કાનૂની શિકંજો મજબૂત કરવા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

એક મહિનામાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી

નીલમબાગ પોલીસ મથકના તપાસ અધિકારીઓએ આ સંવેદનશીલ કેસમાં નોંધપાત્ર ઝડપ દાખવીને ઘટનાના બરાબર એક મહિનામાં એટલે કે 4 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ વિધિવત રીતે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. સામાન્ય રીતે હત્યા જેવા ગંભીર કેસોમાં તપાસ લાંબો સમય ચાલતી હોય છે, પરંતુ પોલીસે એક જ માસમાં મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરતાં સમગ્ર કેસની ન્યાયિક પ્રક્રિયા અત્યંત ઝડપી બની શકી હતી.

 62 દિવસમાં કોર્ટે આપ્યો ચૂકાદો

 હત્યાની ઘટના બન્યાને આજે માત્ર 62 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે આટલા ટૂંકા સમયગાળામાં પોલીસ તપાસ બાદ અદાલતે તમામ સાક્ષીઓ અને પુરાવાઓની સુનાવણી પૂરી કરીને આખરી ફેંસલો સંભળાવ્યો છે.

ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. બુખારીનો ઐતિહાસીક ચૂકાદો

ભાવનગરની મુખ્ય અદાલતમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી. બુખારી સમક્ષ આ ચર્ચાસ્પદ હત્યા કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે તમામ કાનૂની દસ્તાવેજો અને નીલમબાગ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની વિગતોને ગંભીરતાથી ધ્યાનમાં લીધી હતી. સમગ્ર કેસના સાક્ષીઓ, પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. બુખારીની કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કો

જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા

કોર્ટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવીને તે જીવે ત્યાં સુધી એટલે કે પોતાના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તેવી આજીવન કેદની આકરી સજા ફટકારી છે. માત્ર 62 દિવસના અત્યંત ટૂંકા સમયમાં ચુકાદો આવતા સમગ્ર શહેરમાં ન્યાયતંત્રની આ ઝડપી કાર્યવાહીની સરાહના થઈ રહી છે. 
આ પણ વાંચો :    New Delhi : ‘ અત્યારે તો વિરોધ પ્રદર્શનનો સમય છે, જઇને પ્રદર્શન કર્યું હોત તો’; CJI સૂર્યકાંતે કરી રમૂજી ટિપ્પણી

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *