અમેરિકાએ બુધવારે ઈરાનના ઓઈલના વેપારમાં મદદ કરવાના આરોપમાં ચંદીગઢના એક વેપારી દંપતી સહિત 4 ભારતીયો અને તેમની સાથે જોડાયેલી 9 કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન નાણાં મંત્રાલય મુજબ, આ લોકો પર ઈરાનના ગુપ્ત ઓઈલ જહાજો (શેડો ફ્લીટ)ને બીજા દેશોના ધ્વજ અને નકલી દસ્તાવેજો અપાવવાનો આરોપ છે. આ નેટવર્કની મદદથી ઈરાની ઓઈલ લઈ જતા જહાજોની વાસ્તવિક ઓળખ છુપાવવામાં આવતી હતી, જેથી તેઓ અમેરિકન પ્રતિબંધોથી બચી શકે. બીજા દેશના ધ્વજ સાથે દરિયામાં ફરતા હતા જહાજો પ્રતિબંધોની યાદીમાં ચંદીગઢના રહેવાસી સુનીલ કુમાર શર્મા, તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ, અશ્વની કુમાર ધીમાન અને ઇશવિંદર સિંહનાં નામ સામેલ છે. આ ઉપરાંત ભારતમાં નોંધાયેલી 8 અને સિંગાપોરમાં નોંધાયેલી એક કંપની પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકન નાણાં મંત્રાલય મુજબ, સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની નકલી વેબસાઇટો અને સંસ્થાઓ દ્વારા જહાજોને અન્ય દેશોમાં નોંધણી અપાવવાનું કામ કરતા હતા. આરોપ છે કે તેઓ સંબંધિત દેશોની સરકારી મંજૂરી વિના ગુયાના અને મોઝામ્બિક જેવા દેશોના નામે જહાજોની નોંધણી કરાવતા હતા. આ નકલી નોંધણીનો ઉપયોગ ઇરાની ઓઈલ લઈ જતા જહાજોની વાસ્તવિક ઓળખ છુપાવવા માટે કરવામાં આવતો હતો. જહાજો અન્ય દેશોના ધ્વજ સાથે સમુદ્રમાં ફરતા હતા, જેના કારણે તેમના વાસ્તવિક માલિક કોણ છે અને તેઓ કયા દેશ સાથે સંકળાયેલા છે તે જાણી લેવું મુશ્કેલ બનતું હતું. તેથી તેમના પર નજર રાખવી અને તેમને પકડી પાડવા પણ મુશ્કેલ બનતું હતું. અમેરિકી નાણાં મંત્રાલયનો આરોપ છે કે આ નેટવર્ક 2014થી સક્રિય હતું. શરૂઆતમાં તેણે કેરેબિયન દેશ ડોમિનિકાની જહાજ રજિસ્ટ્રેશન એજન્સી બનીને કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નેટવર્કે ગુયાના, મોઝામ્બિક, માલી, માલાવી અને અરૂબા સહિત અનેક દેશોના નામે નકલી વેબસાઇટો બનાવી. તેમના મારફતે જહાજોને તે દેશોમાં રજિસ્ટ્રેશન અપાવવાનો દેખાવ કરવામાં આવતો હતો. અમેરિકામાં તેમની સંપત્તિઓ ફ્રીઝ પ્રતિબંધો લગાવ્યા બાદ અમેરિકામાં આ લોકો અને કંપનીઓની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી છે. અમેરિકી નાગરિકો અને કંપનીઓ હવે તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે નાણાંકીય લેવડદેવડ કરી શકશે નહીં. આ ઉપરાંત, ઈરાની એરલાઇન્સને મદદ કરવાના આરોપમાં તુર્કિયેની એક કંપની પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ‘ફ્લેગ ઑફ કન્વીનિયન્સ’ (FOC) શું છે? જ્યારે કોઈ જહાજનો માલિક પોતાના દેશને બદલે બીજા કોઈ દેશમાં જહાજનું રજિસ્ટ્રેશન કરાવે છે, ત્યારે તેને ‘ફ્લેગ ઑફ કન્વીનિયન્સ’ કહેવામાં આવે છે. ત્યારબાદ જહાજ તે દેશનો ધ્વજ લગાવીને ચાલે છે અને તેના પર તે જ દેશના દરિયાઈ કાયદા અને નિયમો લાગુ પડે છે. સામાન્ય રીતે જહાજના માલિકો આવું એટલા માટે કરે છે, કારણ કે કેટલાક દેશોમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ હોય છે અને નિયમો પણ ઓછા કડક હોય છે. પરંતુ આ મામલે અમેરિકાનો આરોપ છે કે આ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને ઈરાની ઓઈલ લઈ જતાં જહાજોની વાસ્તવિક ઓળખ છુપાવવામાં આવી.
અમેરિકાએ ભારતીય દંપતી સાથે જોડાયેલી 9 કંપની પર પ્રતિબંધ મૂક્યો:આ લોકો પર બનાવટી રીતે ઈરાની જહાજોને વેપારની મંજૂરી અપાવવાનો આરોપ
📅 Published: November 5, 2026 |
📂 Category: International
