Surat ગ્રામ્ય LCBનો સપાટો, કામરેજ પાસે મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રકમાંથી દારૂની 14,640 બોટલો કરી જપ્ત

📅 Published: November 5, 2026 | 📂 Category: Crime

સુરત જિલ્લામાં અસામાજિક તત્વો અને બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરત ગ્રામ્ય પોલીસ સતત સક્રિય છે. સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કામરેજ વિસ્તાર નજીક આવેલા મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ આઇસર ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી.

વિદેશી દારૂની 14,640 બોટલોનો મુદ્દામાલ જપ્ત

ટ્રકની સઘન તપાસ દરમિયાન અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વ્હિસ્કીની કુલ 14,640 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 27.37 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 37,43,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

ગોવાથી દારૂ ભરીને વડોદરા તરફ લઈ જવાતો હતો

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભરીને વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના 34 વર્ષીય ટ્રકચાલક રમેશચંદ્ર માલી ની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર ‘પાજી’ નામની વ્યક્તિ સહિત અન્ય ત્રણ શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય LCB ની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓ અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *