વલસાડ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ થઈ છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે વાપી તાલુકાના વટાર ગામે દરોડો પાડીને અંદાજે 1.091 કિલો ગ્રામ હાઈબ્રીડ વીડ (Hybrid Weed) ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ ધરાવતા અને અત્યંત કિંમતી ગણાતા આ ડ્રગ્સની કિંમત અંદાજે રૂ. 38,18,000 આંકવામાં આવી છે, જેણે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચાવી દીધી છે.
આરોપી હિતેશ ઉર્ફે સોનુ યાદવ દબોચાયો
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે સોનુ યાદવને સકંજામાં લઈને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ ગેરકાયદેસર ધંધા અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત હાઇબ્રીડ વીડ વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલું મોપેડ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 38,98,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી ગાંજો પકડાવાથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ દ્વારા નેટવર્ક તોડવા સઘન તપાસ શરૂ
આ પ્રકરણમાં પકડાયેલા આરોપીની સઘન પૂછપરછના આધારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પોલીસ દ્વારા સત્તાવાર રીતે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં યુવાધન બરબાદ કરી રહેલા આ ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમો કામે લાગી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી આ ડ્રગ્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય.
