પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાંથી મળતા અનાજના જથ્થાના ગેરકાયદે વેચાણ સામે જિલ્લા પુરવઠા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. અંત્યોદય અન્ન યોજના અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ અનાજ મેળવતા કેટલાક રેશનકાર્ડધારકો સરકારી અનાજનો પોતાના ઉપયોગ કરવાને બદલે બજારમાં અથવા રિક્ષા મારફતે વેચાણ કરતા હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી જિલ્લા પુરવઠા અધિકારીએ આવા લાભાર્થીઓને ચેતવણી આપી છે કે, જો આવી ગેરરીતિ ફરીથી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અનાજનું ગેરકાયદે વેચાણ કરનારાઓના કાર્ડના લાભો બંધ થશે
જિલ્લા પુરવઠા અધિકારી જ્યોતિ આર. ગોહેલે જણાવ્યું હતું કે, કેટલાક લાભાર્થીઓ સરકાર તરફથી જરૂરિયાત મુજબ મળતા અનાજનો ઉપયોગ કરવાને બદલે તેનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ગેરરીતિઓ સામે આવશે તો સંબંધિત લાભાર્થીઓના NFSA રેશનકાર્ડને નોન-NFSA કેટેગરીમાં રૂપાંતરિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી લેણાંની વસૂલાત કરવામાં આવશે અને NFSA હેઠળ મળતા તમામ લાભો બંધ કરવામાં આવશે. પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને કાર્ડ બદલાવવા અપીલ
જિલ્લા પુરવઠા અધિકારીએ અપીલ કરી છે કે, જે નાગરિકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ સસ્તા અનાજ મેળવવાની પાત્રતા ધરાવતા નથી, તેઓએ સ્વેચ્છાએ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. ત્યાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના રેશનકાર્ડને નોન-NFSA કેટેગરીમાં રૂપાંતરિત કરાવી લેવું. ટૂંક સમયમાં CBDC મારફતે અનાજનું વિતરણ કરાશે
સરકાર દ્વારા ટૂંક સમયમાં CBDC યોજનાનો કડક અમલ કરવામાં આવનાર છે. આ માટે રેશનકાર્ડના વ્હાઇટ લિસ્ટિંગ અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં અનાજનું વિતરણ CBDC મારફતે જ કરવામાં આવશે. લાભાર્થીઓએ જરૂરી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી
જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ રેશનકાર્ડધારકોને પોતાની સસ્તા અનાજની દુકાન (FPS), ગામના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) અથવા સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરીને જરૂરી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાવવા અનુરોધ કર્યો છે. જેથી આગામી સમયમાં અનાજ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
પોરબંદરમાં સસ્તા અનાજનું ગેરકાયદે વેચાણ કરનાર લાભાર્થીઓ સામે કાર્યવાહી થશે:સરકારી લેણાંની વસૂલાત કરી કાર્ડના લાભો પણ બંધ કરાશે, જિલ્લા પુરવઠા તંત્રની ચેતવણી
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
