અમદાવાદ શહેરમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને AFPA દ્વારા સંયુક્ત રીતે ‘ડોક્ટર ઓન કોલ’ (Doctor on Call) સેવા શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 7 થી 13 નવેમ્બર સુધી આ વિશેષ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. તહેવારોની રજાઓમાં સામાન્ય રીતે ડૉક્ટરોના ક્લિનિક્સ અને હોસ્પિટલો બંધ રહેતી હોય છે અથવા ઓપીડી બંધ હોય છે, ત્યારે નાગરિકો ઘર બેઠા જ ફોન પર તબીબી માર્ગદર્શન મેળવી શકે તે માટે આ આયોજન કરાયું છે.
અકસ્માત અને દાઝવાના કેસ માટે ખાસ વ્યવસ્થા
આ સેવાની વિશેષતા એ છે કે તેમાં શહેરમાંથી કુલ 70 જેટલા નામાંકિત ડૉક્ટરો અને 6 કો-ઓર્ડિનેટર સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતી વખતે અકસ્માતે દાઝી જવાના બનાવો કે અન્ય કોઈ ઈજા થવાની સંભાવના વધુ રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને અકસ્માત અને દાઝવાના કેસો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્દીની સ્થિતિ અને જરૂરિયાત મુજબ તેમને સંબંધિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું રેફરલ સપોર્ટ પણ પૂરૂં પાડવામાં આવશે, જેથી સમયસર સાચી સારવાર મળી રહે.
હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા, દિવાળી વેકેશનમાં દર્દીઓને રાહત
નાગરિકો આ સેવાનો લાભ સરળતાથી લઈ શકે તે માટે એસોસિએશન દ્વારા વિશેષ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયે દર્દીઓ અથવા તેમના સ્વજનો 9898854158 અથવા 9824038816 નંબર પર કોલ કરીને તબીબી સલાહ મેળવી શકે છે. તહેવારોની મોસમમાં જ્યારે સામાન્ય ડોક્ટરો રજા પર હોય ત્યારે આ હેલ્પલાઈન સેવા અમદાવાદના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી અને રાહતરૂપ સાબિત થશે. AMA ની આ માનવતાવાદી પહેલને કારણે અનેક પરિવારોને મોટી મુશ્કેલીમાંથી રાહત મળશે.
આ પણ વાંચો : Aravalli News : શામળાજીમાં તુલસી વિવાહની દિવ્ય ઉજવણી, ભગવાન શામળિયાને શ્રદ્ધાપૂર્વક ધરાવાશે 6 કરોડનો શાહી મુગટ
