અમદાવાદ શહેરમાં ખાનગી શાળાઓના ધાબા (ટેરેસ) પર વિદ્યાર્થીઓને રમતગમત કરાવવા અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય સામે ભારે વિવાદ વગ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. વાલી મંડળનું સ્પષ્ટ માનવું છે કે શાળાઓ પાસે મોટા મેદાનો ઉપલબ્ધ ન હોવાને કારણે ધાબા પર રમતગમત કરાવવી એ હજારો માસૂમ બાળકોના જીવ સાથે સીધા ચેડાં સમાન છે. આ ગંભીર બાબતને લઈને વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવીને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ પરિપત્ર ત્વરિત પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે.
સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની માંગ
વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણાવતા વાલી મંડળે શાળાઓમાં ચાલતી મનમાની સામે આક્રમક રૂખ અપનાવ્યો છે. શાળાઓમાં ફાયર NOC, RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અને ગુજરાત એજ્યુકેશન બોર્ડના તમામ સુરક્ષા નિયમોનું કડક પાલન કરાવવું ફરજિયાત બનાવવું જોઈએ તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ખાનગી શાળાઓ પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ (Structural Stability Certificate) અને BU પરમિશન (Building Use Permission) માંગવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી બિલ્ડિંગની મજબૂતાઈ અને સલામતી અંગે કોઈ શંકા ન રહે.

વાલીઓમાં ફેલાયો ભારે ફફડાટ
અગાઉ અનેક શાળાઓમાં બનેલી દુર્ઘટનાઓને ટાંકીને વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો સ્કૂલના ધાબા પર બાળકો રમતગમત કરી રહ્યા હોય અને અચાનક કોઈ અઘટિત ઘટના કે દુર્ઘટના સર્જાય, તો તેની પ્રત્યક્ષ અને નૈતિક જવાબદારી કોની રહેશે? શિક્ષણ વિભાગ દ્વારા સુરક્ષાના પાયાના ધોરણોને નજરઅંદાજ કરીને લેવાયેલા આ નિર્ણયોથી વાલીઓમાં ભારે ડર અને રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય ખુલાસો કે ફેરફાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagarમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, 20 નવેમ્બર સુધી પ્રતિબંધો લાગુ
