આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની દોડમાં યુવાનો કાયદાનું ભાન ભૂલીને જોખમી કારનામા કરતા હોય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના રાધનપુર વિસ્તારમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક દ્વારા પોલીસની અધિકૃત ગાડી સાથે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગનું ધ્યાન આ બાબત પર ગયું હતું અને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન બોલાવી યુવકને કરાવ્યું કાયદાનું ભાન
સોશિયલ મીડિયા પર સ્ટંટબાજી અને સરકારી વાહનના દુરુપયોગને ગંભીરતાથી લઈને રાધનપુર પોલીસ દ્વારા તરત જ તે યુવકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા યુવકને કાયદાની મર્યાદાઓ સમજાવવામાં આવી હતી અને સરકારી સંપત્તિ કે વાહનોનો આ પ્રકારે દુરુપયોગ કરવાના ગેરફાયદાથી વાકેફ કરાયા હતા. પોતાની ભૂલનું ગંભીર પરિણામ સમજાતા યુવકે પોલીસ સમક્ષ હાથ જોડીને માફી માંગી હતી અને ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની હરકત નહીં કરવાની લેખિત કે મૌખિક ખાતરી આપી હતી.
લાઈક્સના ચક્કરમાં યુવક મુશ્કેલીમાં મુકાયો
સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવાની ઘેલછા કેવી રીતે યુવાનોને કાયદાના શિંકજામાં ફસાવી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કાયદાના નિયમો તોડનારાઓ સામે પોલીસ પ્રશાસન હવે કોઈપણ પ્રકારની નરમાાઈ દાખવ્યા વગર સખત કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસે પણ નાગરિકો અને યુવાનોને અપીલ કરી છે કે તેઓ આવા કોઈપણ ગેરકાયદેસર સ્ટેન્ડ કે પ્રવૃત્તિઓથી દૂર રહે, અન્યથા તેમની સામે કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Suratમાં દિવાળી વેકેશનને પગલે આંગડિયા પેઢીઓ 10 દિવસ માટે બંધ, રોકડ નાણાંની હેરફેરનો કારોબાર ઠપ
