ઉત્તર પ્રદેશના બદાયૂંમાં દિવાળીની ખુશીઓ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિલ્સી વિસ્તારના ગડૌલી ગામમાં 13 વર્ષની બાળકી નંદિનીનું ફુગ્ગો ગળામાં ફસાઈ જવાથી મોત થયું છે. બાળકી ફુગ્ગો ફુલાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ફુગ્ગો તેના ગળામાં ફસાઈ ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
એક મહિના પહેલાં મામાના ઘરે આવી હતી નંદિની
મળતી માહિતી મુજબ, નંદિની મૂળ સરહ બરૌલિયા ગામની રહેવાસી હતી અને ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. તે આશરે એક મહિના પહેલાં પોતાના મામા રામદયાલ મૌર્યના ઘરે ગડૌલી ગામે આવી હતી. નંદિનીના આગમનથી મામાના પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારના સભ્યો તેની સાથે દિવાળીની ઉજવણીને લઈને પણ ઉત્સાહિત હતા.
ફુગ્ગો ફુલાવતી વખતે ગળામાં ફસાયો
રવિવારે પરિવારે આનંદપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ સોમવારે સવારે નંદિનીને એક ફુગ્ગો મળ્યો હતો અને તે તેની સાથે રમવા લાગી હતી. તેણે ફુગ્ગો ફુલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર પ્રયાસ કરવા છતાં તે ફુલાવી શકી નહોતી. આ દરમિયાન ફુગ્ગો તેના ગળામાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી.
હોસ્પિટલ પહોંચતાં તબીબોએ મૃત જાહેર કરી
નંદિનીની સ્થિતિ બગડતી જોઈ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જોકે, ત્યાં પહોંચતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે બાળકીની સ્થિતિ ગંભીર હતી અને તેને હોસ્પિટલ લાવવામાં મોડું થઈ ગયું હતું.
દિવાળીની રોનક વચ્ચે પરિવારમાં શોક
નંદિનીના મોતના સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. થોડા સમય પહેલાં જે ઘરમાં દિવાળીની ઉજવણી અને ખુશીનો માહોલ હતો ત્યાં હવે શોક છવાઈ ગયો હતો. દીકરીના મોતના સમાચાર મળતાં તેની માતા પણ આઘાતમાં સરી પડી હતી, જ્યારે પિતા આંસુ રોકી શક્યા નહોતા. નાની બાળકીના અચાનક મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો : Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા
