વડોદરા શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર યસ્તિકા ભાટિયાની આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. યસ્તિકાને ટેસ્ટ અને વનડે બંને ટીમમાં સ્થાન મળતાં તેની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી રમશે. આ પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં યસ્તિકા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકેટકીપર અને બેટ્સમેન તરીકે યસ્તિકાએ અગાઉ પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ પ્રવાસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે પણ મહત્વનો બની રહેશે. ખાસ કરીને ટીમના નવા સુકાની તરીકે સ્મૃતિ મંધાનાને જવાબદારી સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે મેદાનમાં ઉતરશે. યસ્તિકા ભાટિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી આગવી ઓળખ ઊભી કરી છે. તેની પસંદગી ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં કરવામાં આવતાં તેના પર પસંદગીકારોએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડોદરાની આ દીકરીની ભારતીય ટીમમાં પસંદગી થતાં રમતગમત જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. શહેરના ક્રિકેટપ્રેમીઓ અને રમતગમત સાથે સંકળાયેલા લોકોએ યસ્તિકાને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે યાસ્તિકા ભાટિયા વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી:વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરની વધુ એક સિદ્ધિ, કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વ હેઠળ ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન મળ્યું
📅 Published: November 9, 2026 |
📂 Category: gujarati-news
