પાટણના ફાટીપાળ દરવાજા પાસે વાડામાં ભીષણ આગ:ઘાસચારાના પૂળા બળીને ખાખ, 5 પશુઓનો આબાદ બચાવ

📅 Published: November 9, 2026 | 📂 Category: gujarati-news

પાટણ શહેરના ફાટીપાળ દરવાજા નજીક આવેલા એક વાડામાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વાડામાં સંગ્રહિત ઘાસચારાના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક યુવાનોએ 5 પશુઓને બચાવ્યાં
ફાટીપાળ દરવાજા પાસે ભરતભાઈ વાલાભાઈ પટેલના વાડામાં આગ લાગી ત્યારે ત્યાં 4 ભેંસ અને 1 પાડો બાંધેલા હતા. આગને કારણે પાંચેય પશુઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ મહાદેવનો પાડો અને નાગરલીમડી યુવક મંડળના સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. યુવાનોએ સમયસૂચકતા અને હિંમત દાખવી આગની લપેટ વચ્ચે ફસાયેલા તમામ પાંચ અબોલ પશુઓને સુરક્ષિત બહાર કાઢી આબાદ બચાવ્યાં હતાં. ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી આગ ઓલવી
ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો, નાગરલીમડી યુવક મંડળના યુવાનો અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘાસચારો બળીને ખાખ થતાં મોટું નુકસાન
આગ ઓલવવામાં આવે તે પહેલાં વાડામાં સંગ્રહિત ઘાસચારાનો મોટો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે વાડાના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે, સ્થાનિક યુવાનોની સમયસૂચકતાને કારણે પાંચેય પશુઓનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી સામે આવી નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *