Surat : દિવાળી પર્વે શહેરમાં આગની 150 નાની-મોટી ઘટનાઓ

📅 Published: November 9, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં દિવાળીના પર્વ દરમિયાન આતશબાજી વચ્ચે આગ લાગવાના બનાવોની વણઝાર સર્જાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના તણખા અને રોકેટ રહેણાક વિસ્તારો તેમજ ખુલ્લી જગ્યાઓમાં પડતાં આગ ભભૂકી ઊઠી હતી. સમગ્ર રાત દરમિયાન અને સોમવારે સવાર સુધી ફાયર કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો અને વિવિધ વિસ્તારોમાંથી કુલ 150 થી વધુ ફાયરબ્રિગેડના કોલ નોંધાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કાપોદ્રા ચીકુવાડી પાસે આવેલ કલ્યાણકુટીર સોસાયટીમાં રવિવારે મધરાતે ફટાકડાને પગલે પાર્કિંગમાં આગ લાગી હતી. જેને પગલે પાર્ક કરેલા ત્રણ વાહનમાં આગ ફેલાઈ હતી. બે એક્ટિવા, જુપીટર, સ્પ્લેન્ડરમાં આગ લાગી હતી. સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ગણતરીના સમયમાં જ કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્રણ વાહનને નુકસાન થયું હતું. બીજા બનાવમાં મોટા વરાછા ગોપીન ગામ પાસે પી.પી. સવાણી સ્કૂલ નજીક રોડ પર ટેમ્પો પાર્ક કરેલો હતો. જ્યાં રવિવારે મોડી રાતે ફટાકડાને પગલે ટેમ્પો નજીક કચરાના જથ્થો સળગ્યો હતો. જેની આગ ફેલાઈને પાર્ક કરેલા ટેમ્પો સુધી પહોંચતા ટેમ્પો સળગ્યો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ટેમ્પાને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત આગ લાગવાના મોટાભાગના કિસ્સા રહેણાક સોસાયટીઓ, ઊંચી બિલ્ડિંગો અને ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગલાઓમાં બન્યા હતા. લોકો દ્વારા ફોડવામાં આવેલા રોકેટ સીધા બિલ્ડિંગોની બાલ્કનીઓમાં મૂકેલા સામાન તેમજ સૂકા કચરા પર પડતાં આગ પકડી લીધી હતી. દિવાળીની એક જ રાતમાં 150 જેટલા કોલ આવતાં ફાયરબ્રિગેડના કાફલા પર ભારે દબાણ સર્જાયું હતું. એકસાથે અનેક સ્થળોએથી વણઝાર સ્વરૂપે મળેલા કોલના કારણે કેટલીક જગ્યાઓ પર ફાયર સ્ટેશનની ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *