વલસાડના ઉમરગામ તાલુકામાં ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે ટ્રક ડ્રાઈવર પર છરીથી હુમલો કરી લૂંટ કરવાના કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત પાંચને ઝડપ્યા છે. LCBએ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, 8 નવેમ્બર 2026ની સવારે ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે મેલડી માતાના મંદિર સામે સર્વિસ રોડ પર ટ્રક પાર્ક હતી. વાપીથી મુંબઈ તરફ જતા આ રસ્તા પર બે બાઈકમાં આવેલા 5થી 6 શખસોએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો. શખસોએ ધમકાવી ડ્રાઈવર પાસેથી રૂ. 8થી 9 હજાર લૂંટી લીધા હતા. ત્યારબાદ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે મોબાઈલનો પાસવર્ડ માંગ્યો હતો. ડ્રાઈવરે પાસવર્ડ આપવાનો ઇનકાર કરતાં તેની સાથે ઝપાઝપી કરી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં ડ્રાઈવરના કપાળ, ડાબા હાથના ખભા અને પેટના બંને ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ આરોપીઓ બાઈક પર ભાગી ગયા હતા. આ મામલે ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB PI એ.યુ. રોઝ અને PSI જે.બી. ધનેશાની ટીમે તપાસ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં બિટ્ટુ સુનીલ શર્મા (ઉં.વ. 20), રેહાન ઉર્ફે કલ્લુ ફિરોઝ મલીક (ઉં.વ. 19), રીતેશ રાજેશ યાદવ (ઉં.વ. 20) અને ફિદાહુસેન સદાહુસેન મનિહાર (ઉં.વ. 22)નો સમાવેશ થાય છે. ચારેય વાપી વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના છે. પાંચમો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ દિવાળીની ઉજવણી અને ઐયાશી માટે પૈસાની જરૂર હોવાથી લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, રેહાન ઉર્ફે કલ્લુ સામે વાપી ટાઉન પોલીસ મથકે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી એક પલ્સર બાઈક, એક એક્ટિવા, 7 મોબાઈલ ફોન, રોકડા રૂ. 9 હજાર અને બે ચાકુ/છરી મળી કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ભિલાડમાં ટ્રક ડ્રાઈવર પર હુમલો કરી લૂંટ કરનારા ઝડપાયા:પકડાયેલા આરોપીઓમાં ચાર યુવક અને એક સગીર; LCBએ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
📅 Published: November 10, 2026 |
📂 Category: gujarati-news
