જે વિચારનો સમય આવી ગયો હોય, તેનાથી વધુ શક્તિશાળી બીજું કંઈ નથી. વિશ્વ વિખ્યાત સાહિત્યકાર વિક્ટર હ્યુગોનું આ ક્વોટ ગાંધીનગરથી લગભગ 11 કિમી દૂર આકાર લઈ રહેલી એક નવી જ દુનિયા પર બરાબર બંધ બેસે છે. ગુજરાતીઓને હંમેશા મુંબઈનું એક આકર્ષણ રહ્યું છે. તેમાં પણ નાઇટ લાઇફની વાત આવે એટલે માયાનગરીની જ યાદ આવે. પરંતુ હવે ગુજરાતમાં પણ એક માયાનગરી ઉભી થઈ છે. રાત પડતા જ અહીંનો માહોલ બદલાઈ જાય છે. અહીં ડાઇન, વાઇન ને ડાન્સનો એક અદભુત અહેસાસ થાય છે. ભાજી પાંઉથી ભજીયા અને બિયરથી બર્ગર અને વફલ્સથી લઈ વાઇન સુધીની મજા માણી શકો છો. તેની સાથે સાથે બોક્સ ક્રિકેટ, ફૂટબોલ અને પિકલબોલનો આનંદ તો નફામાં. હવે આ GeN-Z અને કોર્પોરેટ્સના કર્મચારીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. અમે વાત કરી રહ્યા છીએ ગિફ્ટ સિટીની. જુલાઈ 2023માં સિંગાપોર હાઇકમિશનર સિમોન વોંગે તો એવું કીધું હતું કે, વર્કિંગ અવર્સ પછી ગિફ્ટ સિટી ભૂતિયા નગર લાગે છે. જો કે ગિફ્ટ સિટી(ગુજરાત ઇન્ટરનેશનલ ફાયાનન્સ ટેક સિટી)એ મહેણું પણ ભાંગ્યું છે. માત્ર ઓફિસો, નાણાકીય સંસ્થાઓ અને ગગનચુંબી ઇમારતોની ઓળખ પૂરતું સીમિત નથી. દિવસ દરમિયાન ગૂગલ સહિતની દેશ-વિદેશની કંપનીઓમાં બિઝનેસ મિટિંગ્સ, નાણાકીય વ્યવહારો અને કોર્પોરેટ એક્ટિવિટીનો માહોલ જોવા મળે છે, ત્યાં સાંજ પડતાં જ શહેરનું સ્વરૂપ બદલાઈ જાય છે. જે રમેશ પારેખની કવિતા શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં, ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં..કાવ્ય પંક્તિને ચરિતાર્થ કરે છે. આ નાઇટ લાઇફને દિવ્ય ભાસ્કર ડ્રોન વીડિયો દ્વારા બતાવી રહ્યું છે. અમે સાંજના 7 વાગ્યાથી શરૂ કરીને મોડી રાત સુધીની એક્ટિવિટીની એક એક મોમેન્ટ કેમેરામાં કેદ કરી હતી. અહીં લગભગ 35000 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને 5000 લોકો રહે છે. ઓફિસોનો સમય પૂરો થયા બાદ અહીં ક્લબિંગ, ડાઇનિંગ, લાઇવ મ્યુઝિક, ફૂડ કોર્ટ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ સાથે મનોરંજનનો માહોલ જામે છે. રોશનીથી ઝળહળતી ઇમારતો અને સ્વચ્છ રસ્તા
નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો દરમિયાન ગિફ્ટ સિટીની ઇમારતોને વિશેષ લાઇટિંગ અને ડેકોરેશનથી સજાવવામાં આવે છે. સાંજના સમયે રોશનીથી ઝળહળતી ઇમારતો, સ્વચ્છ રસ્તાઓ અને આસપાસની આધુનિક સુવિધાઓ ગિફ્ટ સિટીને અલગ જ લુક આપે છે. ડ્રોન વીડિયોમાં પણ દિવસના બિઝનેસ હબ અને રાત્રિના લાઇટિંગથી સજ્જ શહેર વચ્ચેનો તફાવત જોવા મળે છે. આ પણ વાંચો: મોદીનાં સપનાંના ગિફ્ટ સિટીમાં એક નવી દુનિયા, જ્યાં માણસોનું નહીં મશીનોનું રાજ ચાલે છે, જુઓ એક ઝલક ફૂડ કોર્ટ, GIFT સિટી ક્લબ અને મર્ક્યુરી હોટેલ મોસ્ટ ફેવરિટ પ્લેસ
યુવાઓમાં ફૂડ કોર્ટ, GIFT સિટી ક્લબ અને મર્ક્યુરી હોટેલ મોસ્ટ ફેવરિટ પ્લેસ છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ એરિના અને ફૂડ કોર્ટમાં પણ યુવાઓની અવરજવર જોવા મળે છે. ખાસ કરીને મિત્રો સાથે સમય પસાર કરવા, ખાવા-પીવા અને મોડી સાંજ સુધી બેસવા માટે ફૂડ કોર્ટ એક લોકપ્રિય વિકલ્પ બન્યો છે. સાંજના ફૂડ કલ્ચરમાં ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડની માગ વધુ જોવા મળે છે. પિત્ઝા, બર્ગર, વડાપાંઉ, દાબેલી અને છોલે ભટૂરે જેવી ફૂડ આઇટમ્સ યુવાનોમાં લોકપ્રિય છે. તેની સાથે સોફ્ટ ડ્રિંક્સની પણ ડિમાન્ડ રહે છે. કોર્પોરેટ કર્મચારીઓ હોય કે મિત્રો સાથે ફરવા આવેલા યુવાનો, દરેક વર્ગના લોકો પોતાની પસંદગી પ્રમાણે ફૂડનો આનંદ માણે છે. ફૂડ કોર્ટમાં મોડી રાત સુધી બેસવાની સુવિધા હોવાથી રાત્રે સમય પસાર કરવા માગતા લોકો માટેનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ફૂડ કોર્ટમાં મોડી રાત સુધી અવર જવર રહે છે
બીજી તરફ બિઝનેસમેન, કોર્પોરેટ ક્ષેત્રના ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓ અને હાઇપ્રોફાઇલ લોકો માટે GIFT સિટી ક્લબ તથા મર્ક્યુરી હોટેલનાં વાઇન એન્ડ ડાઇન પસંદગીનાં સ્થળો છે. મર્ક્યુરી હોટલ અને વાઇન એન્ડ ડાઇન બપોરના 12 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. જ્યારે ફૂડ કોર્ટમાં મોડી રાત સુધી લોકોની ચહલપહલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બહારથી આવેલા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકે છે. જ્યારે ગુજરાતીઓએ પરમિટ લેવી જરૂરી છે. ડાઇનિંગની સાથે સામાજિક મેળાવડા અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળે છે. તેમાં પણ ફાઇવ સ્ટાર હોટેલોમાં વિદેશી મહેમાનો પણ રોકાતા હોવાથી અહીં આંતરરાષ્ટ્રીય માહોલ જોવા મળે છે. મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓમાં કામ કરતા વિદેશી કર્મચારીઓની પણ અવરજવર પણ રહે છે. વીકએન્ડ દરમિયાન નાઇટ લાઇફની તો રોનક જ અલગ છે બોસ
શનિવાર અને રવિવારે ફૂડ કોર્ટ તથા GIFT સિટી ક્લબમાં ડાન્સ અને મ્યુઝિક પાર્ટીનું આયોજન થાય છે. સાંજ પડતાં રોશની, સંગીત, રમતગમત તથા ખાણીપીણીથી જીવંત બનતું શહેર તેની નવી ઓળખ બની રહ્યું છે. ગિફ્ટ સિટીનો ઉદ્દેશ હવે એવો માહોલ ઊભો કરવાનો છે, જ્યાં લોકો માત્ર કારકિર્દી બનાવવા નહીં, પરંતુ પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરવાનું પ્લેસ બની શકે. અહીં અનેક કંપનીઓમાં નાઇટ શિફ્ટ પણ ચાલતી હોવાથી કર્મચારીઓની અવરજવર મોડી રાત સુધી રહે છે. આ ઉપરાંત બહારથી ફરવા આવતા લોકો પણ રાત્રે મોડે સુધી અહીં સમય પસાર કરતા જોવા મળે છે. GIFT સિટી ક્લબ અને મર્ક્યુરી હોટેલમાં વાઇન એન્ડ ડાઇન તથા હોટેલની રેસ્ટોરાંની કામગીરી સામાન્ય રીતે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓના મતે છેલ્લા બે વર્ષમાં અહીંની લાઇફ સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. ટેલસ ડિજિટલમાં કાર્યરત અક્ષિત અને ટેરેસ ઇન્ટરનેશનલમાં કામ કરતા રાહુલ દેવકરના જણાવ્યા મુજબ, અહીં હવે માત્ર ઓફિસનું વાતાવરણ નથી રહ્યું. વિવિધ રાજ્યોના લોકો વચ્ચે સામાજિક જોડાણ વધારવામાં આવી રહેલી સુવિધાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કોઈ બે સ્ટોલ પર પણ એકસરખી વેરાઇટી જોવા ન મળે
ફૂડ કોર્ટમાં ફૂડ લવર્સને અલગ-અલગ સ્વાદનો અનુભવ મળે છે. કુલ 22 ફૂડ સ્ટોલ કાર્યરત છે અને દરેક સ્ટોલ પર અલગ પ્રકારની ફૂડ આઇટમ્સ મળે છે. કોઈ બે સ્ટોલ પર એકસરખી વેરાઇટી ન હોવાથી સ્ટોલ વચ્ચે આંતરિક સ્પર્ધા ઊભી થતી નથી. અહીં ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી-કાઠિયાવાડી ભોજન, ભાજીપાંઉથી લઈને વફલ્સ, ચીઝ કેક, સોર્બે અને જિલેટો આઇસક્રીમ સુધીની વેરાયટી ઉપલબ્ધ છે. ટેરા રોઝ કેફેમાં ભાવ પણ ખિસ્સાને પરવડે એવા
આ ઉપરાંત ટેરા રોઝ કેફેમાં યોગ્ય ડાઇનિંગ અને કેફેટેરિયા જેવું સેટઅપ છે. દરેક કંપનીના પોતાના આઉટલેટ હોવાથી ફૂડની પસંદગીમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. બહારની સરખામણીએ અહીં ફૂડના ભાવ પણ સામાન્ય જ રાખવામાં આવ્યા છે અને હાઇજિન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. બાળકો માટે ખાસ કિડ્સ એરિયા બનાવાયો છે. શાંતિપૂર્ણ વાતાવરણ અને પરિવાર સાથે સમય પસાર કરવાની સુવિધાને કારણે ફૂડ કોર્ટ માત્ર ફૂડ કોર્ટ નહીં, પરંતુ ફેમિલી અને યુવાનો માટેનું લોકપ્રિય હેંગઆઉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. પ્રતિ વ્યક્તિ 1500થી 2000નો ખર્ચ થઈ શકે
GIFT સિટીમાં નાઇટ લાઇફ માણવા આવતા લોકોનો ખર્ચ તેમની પસંદગી અને સ્થળ પ્રમાણે અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિનો અંદાજિત ખર્ચ રૂ.1500થી 2000 સુધીનો રહે છે. ફૂડ કોર્ટમાં ફાસ્ટ ફૂડ લેનારા લોકોનો ખર્ચ પ્રમાણમાં ઓછો રહી શકે છે, જ્યારે ક્લબ, હોટેલ અને વાઇન એન્ડ ડાઇનમાં સમય પસાર કરનારા લોકોનો ખર્ચ વધુ થઈ શકે છે. GIFT સિટી ક્લબ અને મર્ક્યુરી હોટેલમાં લાઇસન્સ અને નિયમોને આધીન વાઇન તથા બિયર માટેની સુવિધા પણ આકર્ષણનું એક પાસું છે. અહીં બિયરની માંગ વધારે છે લોકો સૌથી વધારે બિયર પીતા જોવા મળે છે. એક વ્યક્તિનો ખર્ચ 1500થી 2000 જેટલો થઈ શકે છે. ક્રિકેટથી પિકલબોલ સુધી, ઓફિસ પછી રમતગમતની મજા
ગિફ્ટ સિટીની ઇવનિંગ લાઇફમાં સ્પોર્ટ્સ એરિના પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં બે બોક્સ ક્રિકેટ કોર્ટ, એક ફૂટબોલ કોર્ટ, આઠ પિકલબોલ કોર્ટ અને બે પેડલ કોર્ટ કાર્યરત છે. કર્મચારીઓ ઓફિસ પછી મિત્રો સાથે ટીમ બનાવીને રમતગમતનો આનંદ માણી શકે છે. ખાસ કરીને શુક્રવારથી રવિવાર દરમિયાન બુકિંગ કરાવવું પડે છે. સ્પોર્ટ્સ એરિનામાં ગિફ્ટ સિટીના કર્મચારીઓને નિર્ધારિત કિંમતોમાં 30 ટકા ડિસ્કાઉન્ટ, ગિફ્ટ સિટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 50 ટકા અને અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત રનિંગ ટ્રેક, બાસ્કેટબોલ કોર્ટ અને બે ગાર્ડન બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. એટલે કે અહીં રમતગમતની સુવિધાઓનો વ્યાપ પણ સતત વધારવામાં આવી રહ્યો છે. સાંજને વધુ જીવંત બનાવવા માટે આગામી સમયમાં મનોરંજન અને ખાણીપીણીની સુવિધાઓનો વિસ્તાર કરવાની તૈયારી છે. ટૂંક સમયમાં જ ગોલ્ફ ડ્રાઇવિંગની સુવિધા શરૂ થવાની છે. હાલમાં ઉપલબ્ધ ક્લબ, ફૂડ કોર્ટ અને સ્પોર્ટ્સ સુવિધાઓની સાથે નવી જગ્યાઓ ઉમેરાતાં ગિફ્ટ સિટીની ઇવનિંગ લાઇફનો વ્યાપ વધશે. ખાસ કરીને ઓફિસ પછી થોડો સમય આરામ, રમતગમત કે મિત્રો સાથે પસાર કરવા ઇચ્છતા લોકો માટે વધુ વિકલ્પો ઊભા થશે. સ્કૂલો અને યુનિવર્સિટીઓનો વ્યાપ હજુ વધશે
ગિફ્ટ સિટીનું આયોજન હવે માત્ર ગ્લોબલ ફાઇનાન્સ અને ટેક્નોલોજી સેન્ટર તરીકે વિકાસ કરવા પૂરતું નથી. અહીં કામ કરતા પ્રોફેશનલ્સ અને તેમના પરિવારોને રોજિંદા જીવનમાં જરૂરી સુવિધાઓ મળે તે દિશામાં પણ આયોજન થઈ રહ્યું છે. અહીં રહેણાક, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, દુકાનો, ફિટનેસ સુવિધાઓ અને ગ્રીન પબ્લિક સ્પેસ જેવી સુવિધાઓ પહેલેથી ઉપલબ્ધ છે. વધતી વસ્તી અને કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કૂલો અને યુનિવર્સિટીઓનો વિસ્તાર થઈ રહ્યો છે. આરોગ્ય સેવાઓ માટે હાલમાં ક્લિનિક્સ અને નજીકની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો ઉપલબ્ધ છે. આગામી સમયમાં લિલાવતી હોસ્પિટલ શરૂ થવાથી આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. શિલ્પા શેટ્ટી ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટ ખોલવાની તૈયારીઓમાં
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુંબઈ ખાતે ‘બૅસ્ટિયન એટ ધ ટોપ’ રેસ્ટોરાં દેશની સૌથી લોકપ્રિય સેલેબ્સ રેસ્ટોરાંમાની એક ગણાય છે. પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજીસ (FB) ગ્રુપ બૅસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને લાઈફસ્ટાઇલ ડેસ્ટિનેશન ઊભું કરવાની તૈયારીઓમાં છે. મેટ્રોથી ઇલેક્ટ્રિક બસ સુધીની સુવિધા
ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓની અવરજવર સરળ બનાવવા માટે મેટ્રો સ્ટેશનથી ઇલેક્ટ્રિક બસ દ્વારા ગિફ્ટ સિટીના અલગ-અલગ ટાવર સુધી પહોંચવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સ્વચ્છ રસ્તાઓ, આયોજનબદ્ધ માળખું અને પરિવહનની વ્યવસ્થાને કારણે કર્મચારીઓ માટે એક ટાવરથી બીજા ટાવર સુધી પહોંચવું પણ સરળ બને છે.
ગિફ્ટ સિટી બન્યું ગુજરાતનું 'ન્યૂયોર્ક', નાઇટ લાઇફનું પાર્ટી ડેસ્ટિનેશન, VIDEO:આકાશે આંબતી ઇમારતો ને બિયર-બર્ગરનો જલસો, મોજના ફૂવારા છોડાવી દેશે ગિફ્ટ સિટીની દુનિયા
📅 Published: November 11, 2026 |
📂 Category: gujarati-news
