આ વર્ષે 10 કિલો કેસર કેરીનો ભાવ 3000 થશે:મોર બેસવાના સમયે જ ઠંડીની જગ્યાએ ગરમી પડતા ખેડૂતોની માઠી બેઠી, 25 ટકા ઓછો પાક થવાની ધારણા

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઠંડી પડવાની શરૂઆત થઈ જતી હોય છે. આ સમય જ આંબા પર મોર બેસવાનો યોગ્ય સમય હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી આવી ગઈ હોવા છતા રાત્રિના તાપમાનમાં જે ઘટાડો થવો જોઈએ તે થતો નથી. જેના કારણે સાસણ ગીર વિસ્તારમાં આંબાના પાક પર માઠી અસર પડી રહી છે. આંબા પર જે ફ્લાવરીંગ (મોર) આવવું જોઈએ તે હજી નથી આવ્યું. વાતાવરણની વિપરીત અસરના કારણે આ વર્ષે કેરીના પાકમાં 25 ટકા જેટલો ઓછો ઉતારો આવવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. જેની સીધી અસર કેરીના ભાવ પર દેખાઈ શકે છે. લોકોએ આ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી ખાવા માટે ઊચા ભાવ ચૂકવવા પડી શકે છે. ઓછો વરસાદ અને વાતાવરણની અનિયમિતતાના કારણે કેરીના પાક પર અસર
ખેડૂત બિપિનભાઈ જાદવે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આંબામાં મોર આવી જતો હોય છે અને દર વર્ષે આગોતરો મોર આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની અનિયમિતતા અને વરસાદના ખેંચાણને કારણે આંબામાં ધાર્યો મોર જોવા મળ્યો નથી. અમૂક ગણ્યા ગાંઠ્યા આંબામાં જ થોડા પ્રમાણમાં મોર દેખાઈ રહ્યો છે. વળી, વર્તમાન સમયમાં જેવી ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી ન પડવાના કારણે આંબામાંથી મોર બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. જો હવે પછી મોર આવી પણ જાય તો પણ આકાશમાં છવાયેલા વાદળો અને કમોસમી વરસાદની સંભાવના ખેડૂતોને ચિંતામાં મૂકી રહી છે. ​વધુમાં બિપિનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે કૂવા અને બોરના પાણી ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે, જેના લીધે આંબાને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાય તેમ નથી. પાણીના અભાવે આંબા પર બેસનાર કેરીનો વિકાસ પૂરતો નહીં થાય અને કદ પણ મોટું નહીં બને. આ તમામ પરિસ્થિતિને જોતા આખા સાસણગીર વિસ્તારમાં આ વર્ષે 20 થી 25 ટકા જેટલો ઓછો પાક ઉતરવાની શક્યતા દેખાઈ રહી છે. ઉત્પાદન ખૂબ જ ઓછું થવાનું હોવાથી આગામી સિઝનમાં ગીરની કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને કેરીના એક બોક્સના(10 કિલોના ભાવ) રૂ. 2500 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાય તેવી પૂરી શક્યતા છે. દિવસ અને રાત્રે સતત અનુભવાતી ગરમી અને વાતાવરણના પલટાને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તાપમાનમાં ફેરફાર અને વરસાદની પેટર્ન બદલાતા આંબાની મૂળભૂત ફિઝિયોલોજી ડિસ્ટર્બ થઈ- ડી.કે. વરુ
​આ સમગ્ર મામલે જૂનાગઢ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. ડી. કે. વરુએ જણાવ્યું છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી આંબાના ખેડૂતો આ સ્થિતિ સહન કરી રહ્યા છે અને આ બધી જ સમસ્યાઓ જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જને આભારી છે. તાપમાનમાં મોટા ફેરફારો અને વરસાદની પેટર્ન બદલાવવાને કારણે આંબાની મૂળભૂત ફિઝિયોલોજી ડિસ્ટર્બ થઈ ગઈ છે. સામાન્ય સંજોગોમાં નવેમ્બર મહિનામાં, ખાસ કરીને 15 નવેમ્બર પછી આંબામાં મોટાભાગનું ફ્લાવરિંગ આવી જતું હોય છે. તે સમયે રાત્રે 15 ડિગ્રી અને દિવસ દરમિયાન 20 થી 25 ડિગ્રી તાપમાન રહેવું તેમજ ફ્લાવરિંગ આવ્યા બાદ વરસાદ ન થવો અને સૂર્યપ્રકાશ સારો રહેવો તે આંબાના સારા ઉત્પાદન માટેની ઉત્તમ પરિસ્થિતિ ગણાય છે. વાતાવરણમાં થનારા ફેરફારની સીધી અસર કેરીના પાક પર થશે
વરુના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં તાપમાન ખૂબ જ વધી ગયું છે અને ઓક્ટોબર મહિનાનું તાપમાન આ વર્ષે 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હજુ પણ નવેમ્બર મહિનામાં તાપમાન 30 થી 35 ડિગ્રી જેટલું ઊંચું રહે છે. આ વર્ષે વરસાદ ઓછો રહ્યો છે જે આંબાના પાક માટે એક પ્રકારે ફાયદાકારક બાબત છે, પરંતુ વધુ પડતું તાપમાન નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. આંબાની તંદુરસ્તી સારી છે અને નવી ફ્લસ (કોપરી) ઓછી નીકળવાને કારણે ડાળીઓ પાકટ છે, જે ફ્લાવરિંગ માટે સારી નિશાની છે. જો આગામી 15 નવેમ્બર પછી અને ડિસેમ્બર મહિના દરમિયાન ખૂબ વધારે ઠંડી ન પડે અને વર્તમાન તાપમાનમાં થોડો ઘટાડો થાય તો સારામાં સારું ફ્લાવરિંગ બેસી શકે છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધવાની શક્યતા
​આંબાના બગીચાના કટીંગ અને નવા વિસ્તારો વિશે વાત કરતા નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે, ખૂબ જ જૂના થઈ ગયેલા અને ઉત્પાદન ન આપતા આંબાનું જ કટીંગ કરવામાં આવે છે. તેની સામે સૌરાષ્ટ્રના નવા વિસ્તારો જેવા કે ભેંસાણ, રાણાવાવ ના બરડો વિસ્તાર તેમજ સાવર કુંડલા અને જેસર જેવા વિસ્તારોમાં આંબાના નવા બગીચાઓ ખૂબ ઝડપથી તૈયાર થઈ રહ્યા છે. આમ, પ્રતિકૂળ વાતાવરણ, ઓછો વરસાદ, અપૂરતું પાણી અને ઊંચા તાપમાન વચ્ચે આ વર્ષે ગીરની કેસર કેરીનું ઉત્પાદન મર્યાદિત રહેવાની ધારણા છે, જેના કારણે બજારમાં કેરીના ભાવ સામાન્ય કરતા ઘણા વધારે ઊંચા જશે અને ગ્રાહકોએ મોંઘા ભાવ ચૂકવવા પડશે તેવું દેખાઈ રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *