Australia Cricket: બોલ ટેમ્પરિંગ કાંડમાં કોચિંગ સ્ટાફ પણ સીધો સામેલ હતો? ડેરેન લેહમેન પર પણ તલવાર !

📅 Published: November 11, 2026 | 📂 Category: cricket

ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો 2018નો કુખ્યાત ‘સેન્ડપેપર કાંડ’ ફરી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર અને ICCના પૂર્વ મેચ રેફરી ક્રિસ બ્રોડે ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કોચ ડેરેન લેહમેન પર આકરા પ્રહાર કર્યા છે. બ્રોડના મતે, ટીમમાં બોલ સાથે ચેડાં કરવાની ઘટના બની રહી હોય અને કોચને તેની જાણ ન હોય તે માનવું મુશ્કેલ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જો લેહમેનને આ અંગે ખબર જ ન હતી, તો તેઓ કોચ તરીકે રહેવાને લાયક નહોતા. આ વિવાદમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પણ બ્રોડની વાતને સમર્થન આપ્યું છે. 

‘લેહમેનને બધું જ ખબર હોવી જોઈએ’

ક્રિસ બ્રોડે ટ્રેક રેડિયો સાથેની વાતચીતમાં કહ્યું કે ડેરેન લેહમેનને બોલ ટેમ્પરિંગ વિશે ચોક્કસ જાણ હોવી જોઈએ. જો તેમને કંઈ ખબર જ ન હોય તો તે કોચ તરીકેની તેમની નિષ્ફળતા ગણાય. બ્રોડે કહ્યું કે લેહમેન આ સમગ્ર મામલે હળવાશથી છૂટી ગયા. ઘટના બાદ થોડા મહિનામાં તેમણે કોચનું પદ છોડી દીધું, પરંતુ તેમની સામે કોઈ ઔપચારિક પ્રતિબંધ કે બીજી સજા કરવામાં આવી નહોતી. બ્રોડે આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે જે ટીમ મેદાન પર સેન્ડપેપર લઈને આવી હતી, તેના કોચે ઘટનાની જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો. આ બાબત તેમને સ્વીકાર્ય નથી. 

2013માં પુત્ર સ્ટુઅર્ટ બ્રોડને લઈને પણ થયો હતો વિવાદ

ક્રિસ બ્રોડે લેહમેનના જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. 2013ની એશિઝ શ્રેણી દરમિયાન તેમના પુત્ર અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે બેટની કિનારી લાગ્યા બાદ પણ મેદાન છોડ્યું નહોતું. અમ્પાયરે તેમને આઉટ આપ્યા નહોતા. આ ઘટના બાદ લેહમેને સ્ટુઅર્ટની ટીકા કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાના દર્શકોને પણ સ્ટુઅર્ટને નિશાન બનાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેઓ સ્ટુઅર્ટને રડાવીને ઘરે મોકલશે. ક્રિસ બ્રોડે આ જૂની ઘટનાને યાદ કરીને સવાલ કર્યો કે ત્યારે લેહમેન નૈતિકતાની વાત કરતા હતા, પરંતુ 2018માં પોતાની ટીમના બોલ ટેમ્પરિંગના મામલે તેમની જવાબદારી શું હતી? 

ઉસ્માન ખ્વાજાના પુસ્તકથી ફરી શરૂ થયો વિવાદ

આ વિવાદ ફરી સામે આવવાનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર ઉસ્માન ખ્વાજાનું આગામી આત્મકથાત્મક પુસ્તક ‘સબર’ છે. ખ્વાજાએ દાવો કર્યો છે કે 2018માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગની યોજના અંગે માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરન બેનક્રોફ્ટ જ નહીં, પરંતુ આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને જાણ હતી. ખ્વાજાના દાવા પ્રમાણે, કેપટાઉન ટેસ્ટ પહેલાં પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ સેન્ડપેપરનો ઉપયોગ થયો હતો. તેમણે 2017-18ની ઘરઆંગણે રમાયેલી એશિઝ શ્રેણી દરમિયાન પણ બોલની સ્થિતિ બદલવાના પ્રયાસો થયાનો દાવો કર્યો છે.

ખ્વાજાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે, ટીમના કેટલાક સભ્યોને આ મામલે જાણકારી હોવા છતાં તેમની પૂછપરછ કરવામાં આવી નહોતી. 

વોર્નરે પણ બ્રોડની વાતને આપ્યું સમર્થન

ક્રિસ બ્રોડના નિવેદન બાદ ડેવિડ વોર્નરે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. બ્રોડની વાત સાથે સહમતી દર્શાવતાં વોર્નરે લખ્યું હતું કે, “હું તેમની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું અને આ કહેવું મારા માટે પણ મુશ્કેલ છે.” વોર્નરનું આ નિવેદન ખાસ મહત્ત્વનું છે, કારણ કે 2018ના કાંડમાં તેમને પણ એક વર્ષનો પ્રતિબંધ મળ્યો હતો. વોર્નરે અગાઉ ખ્વાજાના દાવાઓને પણ સમર્થન આપ્યું હતું. જોકે, આ મામલે બધા ખેલાડીઓના નિવેદન એકસરખાં નથી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે કહ્યું છે કે બોલ સાથે ચેડાં કરવા માટે સેન્ડપેપર મેદાનમાં લઈ જવાયું હોવાની જાણ તેમને નહોતી. તેમણે કહ્યું હતું કે ટીવી સ્ક્રીન પર આ ઘટના જોઈ ત્યારે જ તેમને તેની ખબર પડી હતી. 

શું હતો 2018નો સેન્ડપેપર કાંડ?

માર્ચ 2018માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કેમેરન બેનક્રોફ્ટ બોલની સપાટી સાથે સેન્ડપેપર વડે ચેડાં કરતા પકડાયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. તપાસ બાદ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. બેનક્રોફ્ટને નવ મહિનાનો પ્રતિબંધ મળ્યો હતો. ડેરેન લેહમેને પણ થોડા સમય બાદ કોચનું પદ છોડી દીધું હતું, જોકે તેમની સામે આ ત્રણ ખેલાડીઓ જેવી કોઈ ઔપચારિક સજા થઈ નહોતી.

હવે ખ્વાજાના નવા દાવા અને બ્રોડના નિવેદનથી આઠ વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, આખી ટીમને જાણ હતી કે નહીં તે અંગે અલગ-અલગ ખેલાડીઓનાં નિવેદનો સામે આવી રહ્યાં છે. 

આ પણ વાંચો: IPL 2027: હાર્દિક પંડ્યા સાથેના સંબંધો પર આકાશ અંબાણીનું મોટું નિવેદન!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *