Crime : 32 વર્ષ જૂના અપહરણ કેસમાં પંજાબ પોલીસના પૂર્વ ડીએસપી ગુરમીત સિંહ દોષિત

📅 Published: November 11, 2026 | 📂 Category: Crime

મોહાલીની સીબીઆઈ અદાલતે 32 વર્ષ જૂના અમરીક સિંહ અપહરણ કેસમાં પંજાબ પોલીસના પૂર્વ ડીએસપી ગુરમીત સિંહને દોષિત ઠેરવ્યા છે. બુધવાર, 11 નવેમ્બરે સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 365 અને 120બી હેઠળ દોષિત જાહેર કર્યા હતા. હવે આ કેસમાં સજાનો નિર્ણય 12 નવેમ્બરે સંભળાવવામાં આવશે.

1992માં લુધિયાણાની હોટલમાંથી અપહરણનો આરોપ

સીબીઆઈના જણાવ્યા મુજબ, આ કેસ 25 નવેમ્બર 1992નો છે. આરોપ હતો કે તત્કાલીન ડીએસપી ગુરમીત સિંહના નેતૃત્વમાં પંજાબ પોલીસની ટીમે લુધિયાણાની અમલતાશ હોટલમાંથી અમરીક સિંહનું અપહરણ કર્યું હતું.

અપહરણ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું 

અમરીક સિંહના પુત્ર દેવિંદર સિંહે પિતાના અપહરણ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 15 નવેમ્બર 1995ના રોજ આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

2000માં સીબીઆઈએ નોંધ્યો હતો કેસ

શરૂઆતમાં સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરી 2000ના રોજ નિયમિત કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ 27 નવેમ્બર 2001ના રોજ પંજાબ પોલીસના 5 અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

15 એપ્રિલ 2004ના રોજ આરોપો ઘડ્યા 

આરોપીઓમાં તત્કાલીન ડીએસપી ગુરમીત સિંહ, ડીએસપી પરમિન્દરજીત સિંહ, એસએચઓ સુબા સિંહ, એસઆઈ સુરિન્દર સિંહ અને એએસઆઈ જસવંત સિંહનો સમાવેશ થતો હતો. અદાલતે 15 એપ્રિલ 2004ના રોજ આરોપો ઘડ્યા હતા.

એક આરોપી નિર્દોષ, ત્રણના મૃત્યુ

લાંબી સુનાવણી બાદ અદાલતે પૂર્વ ડીએસપી ગુરમીત સિંહને અપહરણ અને ગુનાહિત કાવતરાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જ્યારે સહઆરોપી ડીએસપી પરમિન્દરજીત સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસના અન્ય 3 આરોપીઓ એસએચઓ સુબા સિંહ, એસઆઈ સુરિન્દર સિંહ અને એએસઆઈ જસવંત સિંહનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. તેથી તેમની સામેની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે 12 નવેમ્બરે અદાલત દોષિત પૂર્વ ડીએસપીની સજા જાહેર કરશે.  

આ પણ વાંચો :    Kolkata એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાના પાયલોટે મોકલ્યો સંદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *