સુરેન્દ્રનગરથી હરિદ્વારની ટૂરના નામે 450થી વધુ લોકો સાથે છેતરપિંડી!:એક વ્યક્તિ પાસેથી રૂ.4200 ઉઘરાવ્યાં, નક્કી કરેલી તારીખે બસ જ ન આવી, પોલીસ તપાસ શરૂ

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરથી હરિદ્વાર લઈ જવાની ટૂરના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. હરિદ્વાર સહિતનાં ધાર્મિક સ્થળોની 10 દિવસની ટૂર માત્ર રૂ. 4,200માં કરાવવાની લાલચ આપી 450થી વધુ લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. ટૂર માટે નક્કી કરેલી તારીખે મુસાફરો પહોંચી ગયા હોવા છતાં બસ ન આવતાં અને આયોજકોના ફોન બંધ થઈ જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે મહેસાણાના ત્રણ શખ્સોએ મળીને પોન્ઝી સ્કીમ ઊભી કરી સુરેન્દ્રનગરમાં અલગ-અલગ ઓફિસો ખોલી લોકોને ટાર્ગેટ કર્યા હોવાની વિગતો સામે આવી છે. હાલ લખમણ ઠાકોર, વિક્રમસિંહ પરમાર અને નટવરસિંહ ઝાલા સામે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ‘અમે કોઈ ટૂર પર જવા માગતા નથી, અમને અમારા પૈસા પરત જોઈએ’
આ અંગે ભોગબનનાર પ્રેમિલાબેન રામાનુજે જણાવ્યું કે, આશાપુરા ટ્રાવેલ્સ તરફથી તેમને હરિદ્વારની ટૂરની કંકોત્રી મોકલવામાં આવી હતી. તેમા લક્ષ્મણદાસ શાસ્ત્રીનું નામ હતું. તેમના કહેવાથી રૂપિયા ભર્યા હતા. શરૂઆતમાં કેટલાક લોકોને થોડા પૈસા પરત આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોને બાદમાં પૈસા આપી દેવાની ખાતરી અપાઈ હતી. જોકે, તેમને પૈસા મળ્યા નહતો. હવે આયોજકો દ્વારા પૈસા પાછા મળવાની શક્યતા ન હોવાનું કહેવામાં આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ટૂર માટે બસની રાહ જોવા દરમિયાન શરૂઆતમાં 70 જેટલા લોકો એકઠા થયા હતા, પરંતુ બાદમાં કુલ 250થી 300 જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા. અમે હવે આ આયોજકો સાથે કોઈ ટૂર પર જવા માગતા નથી, અમને અમારા પૈસા પરત જોઈએ છે. હવે જુઓ ત્રણ તસવીર ‘મને શંકા જતા મે પોલીસને તપાસ કરવા કહ્યું’
સુરેન્દ્રનગરમાં રહેતા શૈલેષ હિમ્મત પ્રજાપતિએ જણાવ્યું કે, આ પ્રમાણે ફ્રોડ થાય એવું મને લાગતા મે એમની ઓફિસે મે બે-ત્રણ વખત ધક્કો ખાધો હતો. તો એમણે કહ્યું કે, અમે તમને પૈસા પાછા આપીશું, દરરોજ 600થી 700 રૂ., જેથી મને વહેમ પડ્યો કે, જો પાછા જ પૈસા આપવાના હોય તો 4200 લીધ જ શું કામ, મને શંકા જતાં મે પોલીસ સ્ટેશન જઈ અને આ અંગે તપાસ કરવા કહ્યું હતું કારણ કે, મને આમાં ફ્રોડ લાગે છે. જે બાદ મેં ઓફિસે સ્વયંસેવકમાં નામ લખાવ્યુ હતુ કે, જો આઠ બસ લઇ જવાની હોય તો મારૂ એમાં સ્વયં સેવકમાં નામ લખો, પૈસા મારી પાસે નથી, પછી એમણે મારી પાસે ફોટો કે આઇડી એવુ કશું લીધું નહોતું, બસ ખાલી એમના કાગળિયામા મારૂ નામ લખ્યું હતું. જ્યારે બીજા લોકો પાસેથી પૈસા લેતા હતા. કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર એ ડિવિઝનના પીઆઇ આર. એમ. સંઘાડાએ જણાવ્યું હતુ કે, એક ટીકીટના રૂ. 4200 લેખે કુલ આશરે 450 જેટલા અરજદારો પાસેથી પૈસા ઉઘરાવી અને આજે 11 તારીખે લઇ જવાના હતા. જોકે, ત્યા ન લઈ જઈ અરજદારો સાથે છેતરપિંડી થયાનું તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે. જેથી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા હાલ 266 જેટલા અરજદારો આવ્યા છે, એમની પુછપરછ કરી અને જે ત્રણ આરોપીઓ છે, લખમણ ઠાકોર, વિક્રમસિંહ પરમાર, નટવરસિંહ ઝાલા સામે ગુનો દાખલ કરવા અંગેની કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *