બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવા ડ્રેગનનો ફૂંફાડો:500 હાથી જેવડાં મશીન માટે ચીન વિલન, મુંબઇના દરિયા નીચે દગાબાજી, નવા ફતવાથી ગુજરાતને શું અસર થશે? ચાર મુદ્દામાં સમજો

📅 Published: November 11, 2026 | 📂 Category: International

તમે પ્લેનમાં અમદાવાદથી મુંબઈ પહોંચો તો વેઈટિંગ સહિત 3-4 કલાક થાય, ટ્રેનથી જાવ તો 7-9 કલાક થાય, બસથી જાવ તો 11-12 કલાક થાય. પણ હવે તમે 300ની Kmphની સ્પીડથી મુંબઈ માત્ર દોઢ જ કલાકમાં પહોંચી જશે. કેવી રીતે? તો બુલેટ ટ્રેનમાં બેસીને. પણ આ ટ્રેન પ્રોજેક્ટ પર અત્યારે ચીનની નજર લાગી ગઈ છે જેના કારણે પ્રોજેક્ટ પણ મોડો ગયો છે અને પૈસા પણ બે ગણા વધી ગયા છે. શું છે આખો મામલો? જાપાનથી આ પ્રોજેક્ટ કેવી રીતે જર્મની અને ચીન પહોંચી ગયો? આનાથી કેટલા કરોડ લોકોને નુકસાન થશે? દરિયાની અંદર કેમ કોંકડું ગૂંચવાયેલું છે? ચાલો વિગતે વાત કરીએ… નમસ્કાર… મુંબઈ-અમદાવાદ 540 કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યારે બરાબરનો ઈન્ટરનેશનલ ચક્રવ્યૂહમાં ફસાયો છે. એક બાજુ 19 ઓક્ટોબર 2026ના ચીને અચાનક પોતાના કાયદા બદલીને જમીન ખોદતા મહાકાય ટનલ બોરિંગ મશીનનો અને તેના સ્પેરપાર્ટ્સની એક્સપોર્ટ કરવા પર નિયંત્રણો લગાવી દીધા છે. ટૂંકમાં દરિયામાં જે સાત કિલોમીટરની સુરંગ ખોદાશે તે મશીનનો ઉપયોગ ખોદકામ માટે જ થશે અને મિલિટરી કે આર્મી માટે ઉપયોગ નહીં કરવામાં આવે એવા કંઈક અપડેટ્સ લગાવ્યા છે. પાટા જાપાની, સિગ્નલ યુરોપિયન અને બોગી ભારતની! સામેની બાજુ, જે બુલેટ ટ્રેનને 100 ટકા જાપાનીઝ શિન્કાનસેન પ્રોજેક્ટ માનતા હતા, તેનો આખો ચહેરો જ બદલાઈ ગયો છે. ભારતે હવે પૂરી રીતે જાપાનીઝ સિસ્ટમને બદલે એક નવું જ હાઈબ્રિડ મોડલ બનાવી લીધું છે. એટલે કે બુલેટ ટ્રેનના પાટા જાપાની ટેક્નોલોજીના હશે, સિગ્નલ સિસ્ટમ યુરોપિયન હશે અને તેના પર દોડશે એ બુલેટ ટ્રેન સ્વદેશી હશે. પણ સવાલ થાય કે ચાલુ પ્રોજેક્ટે ભારતે આટલો મોટો યુ ટર્ન કેમ લીધો? તો આના જવાબમાં મામલો તમારા ખિસ્સા સુધી પહોંચે છે. દેશની કૂલ જીડીપીમાં 20 ટકાથી વધુનો ભાગ ધરાવતા ગુજરાત અને મહારાષ્ટ્રના વેપારીઓ માટે આ કોઈ ટ્રેન નથી, તે એક ઈકોનોમીની નવી લાઈફલાઈન છે. સુરતના હિરા અને ટેક્સટાઈલના વેપારીથી લઈને અમદાવાદના ફાઈનાન્સ સેક્ટર કે આઈટી સેક્ટર સુધી, બધા ઓગસ્ટ 2027ની રાહ જોઈને બેઠા છે કે ક્યારે દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી વાપીના 97 કિલોમીટર વચ્ચે દોડે. પ્રોજેક્ટ મોડો થતાં ખર્ચો બે ગણો થયો ઉપરથી આ સપનાની કિંમત પણ પહેલાના અંદાજાથી બેગણી થઈ ગઈ છે. શરૂઆતમાં એટલે કે 2015માં આખો પ્રોજેક્ટ 97 હજાર 636 કરોડ રૂપિયાનો થશે એવો અંદાજો હતો, 2017માં જ્યારે નરેન્દ્ર મોદી અને શિંજો આબે ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે પ્રોજેક્ટની કિંમત 1.8 લાખ કરોડ પહોંચી ગઈ હતી. જેમાંથી 2025 સુધીમાં બુલેટ ટ્રેન બનાવવા 86 હજાર 693 કરોડ રૂપિયા ખર્ચાઈ પણ ગયા છે. હવે થોડા સમય પહેલા અંદાજો આવ્યો છે કે આખો પ્રોજેક્ટ પૂરો થતા 1.98 લાખ કરોડથી 2.10 લાખ કરોડ રૂપિયા થઈ જશે, ટૂંકમાં 83 ટકાનો ઉછાળો. ગુજરાતની હરણફાળ ગતિ, મહારાષ્ટ્રની કાચબા ચાલ અગાઉ વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા કે જો બજેટ બમણું થઈ જશે તો સામાન્ય માણસે અમદાવાદથી મુંબઈ પહોંચવા માટે 6થી 7 હજાર રૂપિયાની ટિકિટ આપવી પડશે. જો કે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશને આ ટિકિટના આંકડાઓને ફગાવી દીધા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે સામાન્ય લોકોને પરવડે એ કિંમતની ટિકિટ રાખવામાં આવશે. હવે વાત કરીએ કે આટલો ભાવ વધ્યો તો વધ્યો કેવી રીતે? તો ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્પીડ ઠીકઠાક ઝડપે છે પણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વર્ષો લાગી ગયા. અને હવેની વાત કરીએ તો ટેક્નોલોજી અને શરતોમાં પેચ ફસાયેલો છે. જાપાની સિસ્ટમ કેમ ભારતને ફાવી નહીં? આપણને જાપાનની E5 બુલેટ ટ્રેનના એક કોચની કિંમત અંદાજે 46 કરોડ આસપાસ પડતી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના ધોમધખતા 50 ડિગ્રી સેલ્સિયસના તાપ અને થૂળિયા પવનોમાં જાપાની ટ્રેનના એસી અને કૂલિંગ સિસ્ટમને ફાવે એવા નથી. કારણ કે ભારતનું અને જાપાનનું હવામાન સાવ અલગ છે. તો જાપાને નવી E10 નામની ટેક્નોલોજીવાળી કોચ આપવાનું કહ્યું પણ એ બનતા 2030થી વધુ સમય લાગી જાય એમ છે. ત્યાં સુધી આપણે હાથ પર હાથ ધરીને થોડા બેસીને રહીએ? આટલા સમયમાં તો ગુજરાતમાં બુલેટ ટ્રેનના જે પુલિયા કે સ્ટેશનો બને તે ધૂળ ખાતા થઈ જાય. તો ભારતે દેશી ઈલાઝ કાઢ્યો. કે કોચ સ્વદેશી BEML વંદે ભારત ટેક્નોલોજીના રાખીશું જેની કિંમત 27 કરોડ આસપાસ બેસે છે. ટૂંકમાં એક કોચે ભારતને 19 કરોડ રૂપિયાનો ફાયદો થશે. પણ અહીં ચીન રોન કાઢીને બેઠું. બુલેટ ટ્રેનની બોગી બનશે બેંગલોરમાં ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ બેંગલુરુના BEML પ્લાન્ટમાં ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે તૈયાર થઈ રહેલી આ ટ્રેનની ટેસ્ટ સ્પીડ 280 અને ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક હશે. આઠ કોચ ધરાવતી ટ્રેનમાં 557 મુસાફરો બેસી શકશે. તેમાં એક્ઝિક્યુટિવ અને સ્ટાન્ડર્ડ ક્લાસ, વાઇ-ફાઇ, ગુજરાતી સહિત ત્રણ ભાષામાં માહિતી, આધુનિક સુરક્ષા અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ હશે. રીજનરેટિવ બ્રેકિંગથી ઊર્જા બચશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્પાદનની સમીક્ષા કરી છે. પાટા પર ઉતારતાં પહેલાં ટ્રેનનું 50 ડિગ્રી ગરમી, શૂન્યથી નીચેનું તાપમાન, ધૂળ અને ભારે વરસાદમાં કડક પરીક્ષણ થશે. મુંબઈના દરિયા નીચે ડ્રેગનની દગાબાજી વાત એવી છે કે અમદાવાદ-મુંબઈ 504 કિલોમીટરના બુલેટ ટ્રેનના રસ્તામાં મુંબઈના બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સથી થાણે વચ્ચે 7 કિલોમીટરની અંડર વોટર ટનલ બનશે. જે જમીનથી 144 મીટર ઊંડે થાણેની ક્રિકમાં બનશે. આ ટનલ ખોદવા માટે ભારતે જર્મનીની ફેમસ કંપની હેરેનકનેક્ટને મહાકાય ટનલ બોરિંગ મશીન બનાવવા ઓર્ડર આપ્યો. પણ અહીં કરમની કઠણાઈ એવી હતી કે મશીન ભલે જર્મન કંપનીના હતા, પણ તે બની રહ્યા હતા ચીનના ગ્વાંગઝૂ પ્લાન્ટમાં.ચીની કસ્ટમ્સે કોઈ પણ ઓફિશિયલ કારણ આપ્યા વગર આ મશીનને મહિનાઓ સુધી પોતાના બંદર પર જ બંધક બનાવી રાખ્યા. જર્મન રાજદૂત ફિલિપ એકરમેને ધ પ્રિન્ટના ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું કે, “ચીને ચોખ્ખી રીતે પોલિટિકલ કારણોથી ભારતના ઓછામાં ઓછા 3 હેરેનકનેક્ટ TBM મશીનો રોકી રાખ્યા હતા.” ચીનનો ફતવાએ ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોક્યો! આ દબાણ પછી બે મશીનો તો મુંબઈ પહોંચી ગયા અને ખોદકામ પણ શરૂ થઈ ગયું. પણ હવે 18 નવેમ્બર 2026ના ચીને એક ફતવો બહાર પાડ્યો કે ચીનથી બનેલા આવા મહાકાય મશીનોનો ડ્યુઅલ યુઝ એક્સપોર્ટ નહીં કરી શકાય. મીડિયામાં અત્યારે આવે છે કે ચીને ભારતના 3 હજાર મશીનો રોકી રાખ્યા છે પણ હકિકત એવી છે કે મશીનનો વજન 3 હજાર ટન એટલે કે 500 હાથી જેટલો ભારે છે. મશીનોના કટરહેડ અને બેરિંગ્સ જેવા સ્પેરપાર્ટ્સ વગર દરિયા નીચેનું ખોદકામ એક ઈંચ પણ આગળ વધી શકે એમ લાગતું નથી. ભારતના બુલેટ ટ્રેન પાછળ કેમ પડ્યું છે ચીન? અને જાપાનના કરોડોના વેન્ડર લોક-ઈનમાંથી છૂટવા ભારતે શું માસ્ટર સ્ટ્રોક રમ્યો? ચાલો તેની પણ વાત કરી લઈએ. જ્યારે કોઈ પ્રોજેક્ટનું બજેટ 1.08 લાખ કરોડથી સીધું 2.10 લાખ કરોડ આસપાસ પહોંચી જાય ત્યારે સામાન્ય માણસના મનમાં એવો સવાલ એવે કે આખરે આ પૈસા જઈ ક્યાં રહ્યા છે? શું આ ખાલી સરકારી વિલંબની કિંમત છે કે પછી અંદરનું ગણિત કંઈક અલગ જ છે? સંસદમાં રજૂ થયેલા ઓફિશિયલ આંકડાઓ તપાસીએ તો ખબર પડે કે, ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ 86 હજાર 939 કરોડો ખર્ચ થઈ ચૂક્યો છે અને 62.16 ટકા જેટલું બુલેટ ટ્રેનનું કામ પણ પૂરું થઈ ગયું છે. જાપાનની એજન્સી JICAએ આપણને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 0.1 ટકાના મામૂલી વ્યાજદરે અત્યાર સુધીમાં 59 હજાર 396 કરોડની લોન પણ મંજૂર કરી છે. આ દુનિયાનો સૌથી મોટી સિંગલ પ્રોજેક્ટ લોન કહેવામાં આવે છે. જાપાની ટેક્નોલોજીથી ભારતની ટેક્નોલોજી કેવી રીતે અલગ? પણ અસલી ખેલ ખર્ચ બચાવવા માટે લેવાયેલા ટેક્નિકલ રિઝનમાં છે. જો ભારતે જાપાનની શરતો મુજબ જૂની E5 શિન્કાનસેન ટ્રેન ખરીદી હોત તો અગાઉ વાત કરી એમ એક કોચના ભારતને 46 કરોડ રૂપિયા ચૂકવવા પડત. જેના બદલે ભારતે પોતાની સરકારી કંપની BEML અને ICFને મેદાનમાં ઉતારી. આઠ કોચ ધરાવતી ટ્રેનમાં 557 મુસાફરો બેસી શકશે. તેમાં એક્ઝિક્યુટિવ અને સ્ટાન્ડર્ડ ક્લાસ, વાઇ-ફાઇ, ગુજરાતી સહિત ત્રણ ભાષામાં માહિતી, આધુનિક સુરક્ષા અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ હશે. રીજનરેટિવ બ્રેકિંગથી ઊર્જા બચશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્પાદનની સમીક્ષા કરી છે. પાટા પર ઉતારતાં પહેલાં ટ્રેનનું 50 ડિગ્રી ગરમી, શૂન્યથી નીચેનું તાપમાન, ધૂળ અને ભારે વરસાદમાં કડક પરીક્ષણ થશે એક બોગી બનવામાં 27 કરોડનો ફાયદો ભારતમાં બની રહેલી સ્વદેશી B2 વંદે બુલેટ ટ્રેનનો એક કોચ ખાલી 27.86 કરોડમાં તૈયાર થઈ ગયો. સીધી 40 ટકાની બચત. સપ્ટેમ્બર 2026માં જ BEMLને 5 હજાર 400 કરોડથી વધુનો મેગા ઓર્ડર પણ આપી દેવાયો છે, જે હેઠળ બનેલી ટ્રેન્સ 250 કિલોમીટર પર કલાકની ઝડપે ઓગસ્ટ 2027 સુધીમાં સુરતથી વાપી વચ્ચે દોડતી થઈ જશે એવી ચર્ચા છે. મોડું થવા પાછળ ચાર મોટા કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે પણ ભારતીય ટ્રેનને જાપાનીઝ પાટા પર દોડાવવી કેવી રીતે? કારણ કે જાપાની સિગ્નલ સિસ્ટમ એવી લોક કરેલી હોય છે કે તેના પર ખાલી જાપાનીઝ ટ્રેન્સ જ ચાલી શકે છે. આ મોનોપોલી તોડવા માટે ભારતે જૂન 2025માં સિમેન્સ કંપનીના કન્સોર્ટિયમને 4 હજાર 100 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને યુરોપિયન સિગ્નલિંગ સિસ્ટ લગાવી દીધી. અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે આ જ માટે હરીફ કંપનીએ 12 હજાર 686 કરોડની બોલી લગાવી હતી. એટલે કે સિગ્નલ બદલીને ભારતે હજારો કરોડ રૂપિયા પણ બચાવ્યા અને ભવિ,્યમાં કોઈ એક દેશના વેન્ડર લો-ઈનમાં પણ ફસાવાનું પૂરું કરી દીધું. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો? ગુજરાતની જ વાત કરીએ તો, 353 કિલોમીટરના રૂટ પર બધા 8 સ્ટેશન્સનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. વડોદરામાં રાજધાની ટ્રેનના પાટા પર 1 હજાર 500 ટન વજનના 14 મહાકાય પોર્ટલ બીમ મૂકવાનું અઘરું કામ પણ 12 ઓક્ટોબર 2026ના પૂરું થઈ ગયું છે. ગુજરાતના કિમ અને આણંદના પ્લાન્ટમાં બનેલા જાપાનીઝ જે સ્લેબ ટ્રેક પાથરવાનું કામ પૂરજોશમાં છે અને સુરત-વાપી વચ્ચે 100 ટકા સિવિલ વર્ક પૂરું થઈ ગયું છે. પણ ગુજરાતની આ રફતાર સામે ખરો અવરોધ મુંબઈના પેટાળમાં ઊભો થયો છે. 500 હાથી જેવડા મશીનની A to Z માહિતી હવે વાત કરીએ મુંબઈના બીકેસીથી શિલફાટા વચ્ચેની 21 કિલોમીટરની ટનલ ખોદવા માટે ઉતારાયેલા બે ટનલ બોરિંગ મશીનોની. એક મશીનનો વ્યાસ લગભગ 4 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો એટલે કે 13.6 મીટર અને લંબાઈ એક ફૂટબોલ મેદાન જેટલી એટલે કે 96 મીટરની છે. આ બે મશીનો જુલાઈ 2026થી મહિને 600 મીટરની ઝડપે ખડગો કાપી રહ્યા છે અને ટનલને વોટરપ્રુફ રાખવા માટે થાણેમાં 100-100 ટનની 7 હજાર 700 કોન્ક્રીટ રિંગ્સ પણ તૈયાર થઈ રહી છે. પણ તકલીફ આ કામમાં એવી છે કે ખડકો કાપતી વખતે આ મશીનોના 350 ટનના કટરહેડની ડિસ્ક અને બેરિંગ્સ ઘસાઈ જાય છે. ચીને બરાબર આ જ દુઃખતી નસ દબાવી છે. હવે ભારત અને ચીન વચ્ચેના વેપારની પણ વાત કરી લઈએ. કોમર્સ મિનિસ્ટ્રીના ઓક્ટોબર 2026ના આંકડા કહે છે કે નાણાકીય વર્ષ 2025-26માં ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 112.16 બિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતની કૂલ વૈશ્વિક વેપાર ખાધનો આ 33 ટકા હિસ્સો છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ચીનથી આવતા સામાનમાં 98.5 ટકા હિસ્સો આપણા કારખાનાઓ અને પ્રોજેક્ટ ચલાવતી મશીનરી અને કાચા માલનો છે. દેખીતી રીતે જ આ આંકડા બીવડાવી દે એવા છે. પણ અસલી સવાલ અહીંથી જ ચાલુ થાય છે કે શું ચીને ખરેખર મુંબઈની બુલેટ ટ્રેન રોકવા માટે બેન મૂક્યો છે કે પછી બુલેટ ટ્રેનના બહાને ચીનનો અસલી નિશાનો ભારતની કોઈ બીજી જ સરહદ પર છે? અને ચીનની આ ચાલ સામે ભારતે ચેન્નઈમાં બેસીને શું સિક્રેટ ચાલ રમી નાખી છે? ચાલો હવે તેની વાત કરી લઈએ. ચીનના 19 ઓક્ટોબર 2026ના ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનથી વાંચીએ તો ખબર પડે છે કે ચીનનો નિશાનો મુંબઈનો દરિયો નહીં પણ હિમાલયના પહાડો છે. સોશિયલ મીડિયા પર 3 હજાર મશીનોનો એક આંકડો ચાલે છે કે ચીને ભારતના 3 હજાર મશીનો રોકી દીધા. પણ હકિકતમાં એવું કંઈ છે જ નહીં. બની શકે કે આ 3 હજાર મીટરની એલ્ટિટ્યૂટની વાત હોઈ શકે છે અને કોઈએ મશીનના નંબર સાથે ભૂલથી જોડી દીધી હશે. ચીને ખાલી ટનલ બોરિંગ મશિનો પર જ નહીં પણ પહાડોમાં 1.2 મીટરના અવરોધો પાર કરી શકતા વોકિંગ એક્સક્વેટર્સ અને 3 હજાર મીટરથી વધુ ઊંચાઈએ એટલે કે જ્યાં ઓક્સિજન સાવ પાતળો થઈ જાય છે અને તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે તે ટનલની દીવાલો પર કોન્ક્રીટ સ્પ્રે કરતા વેટ શોટક્રીટ મશીનો પર બેન મૂક્યો છે. હવે જરા વિચારો, મુંબઈ કે ગુજરાતમાં તો 3 હજાર મીટરના ડુંગર કે પર્વતો જ નથી તો આ ક્યાંની વાત હોઈ શકે? હિમાલયમાં ભારતીય સેનાથી ડરી રહ્યું છે ચીન બની શકે કે આ નિયમ ભારતના બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન એટલે કે BROને રોકવા માટે પણ બનાવવામાં આવ્યો હોય શકે. કારણ કે ભારત અત્યારે લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલમાં ચીનની LAC સરહદ પાસે દર ઋતુમાં સેનાને સામાન પહોંચાડી શકાય તે માટે ટનલ્સ બનાવી રહ્યું છે. પહાડોમાં બ્લાસ્ટિંગ પછી ખડકો ધસી ન પડે એ માટે આ શોટક્રીટ મશીનો જરૂરી હોય છે. એટલે કે, બુલેટ ટ્રેનના TBMને રોકવા કોઈ ચીનનું આર્થિક દબાણ પણ હોઈ શકે. જેનાથી ભારત પર બંદૂક ચલાવ્યા વગર ભારતને અર્થતંત્રની રીતે ઘાયલ કરી શકાય. મશીન જર્મની પણ સ્પેરપાર્ટ્સ ચાઈનીઝ આવી તો ચીન અનેક ચાલો ચાલે છે પણ તેમાંની સૌથી ફેમસ છે વેપનાઈઝિંગ ઓફ જીઓગ્રાફી. એટલે કે દુનિયાના કૂલ TBM પ્રોડક્શનના 70 ટકા હિસ્સા પર ચીનનો કબજો છે. મુંબઈની ટનલ ખોદતું મશીન ભલે જર્મન કંપની હેરેનકનેક્ટનું હોય, ટેક્નોલોજી ભલે યુરોપની હોય પણ કારખાનું તો ચીનની ધરતી પર જ છે. તો બેજિંગ પોતાના આવા ફતવા બહાર પાડીને જર્મનીને પણ ભારતને માલ આપતા રોકે એવો પ્લાન હોઈ શકે. કારણ કે ચીને પોતાના કાયદામાં સરહદી વિવાદ ધરાવતા દેશો માટે અલગ અને કડક લાયસનિંગ નિયમ રાખ્યો છે, જે કોણ છે? આપણે પોતે એટલે કે ભારત. જુલાઈથી સપ્ટેમ્બર 2026 વચ્ચે ભારતે ચીની માલના ડમ્પિંગ સામે વિશ્વમાં સૌથી વધુ 18 એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી, તેનો બદલો ચીન હવે આપણા મેગા પ્રોજેક્ટમાં ડિનાયલ બાય ડિલેની નીતિથી લઈ રહ્યું છે. પણ જો ચીન શતરંજનો ખેલાડી છે તો ભારત પણ કોઈ કાચા સોગઠાં નથી રમ્યા. ચીનના આ બ્લેકમેઈલિંગનો જવાબ ભારતે બે જબરદસ્ત માસ્ટર સ્ટ્રોકથી આપ્યો છે. ભારતે પહેલો ઘા ઈમ્પોર્ટ પર કર્યો. 2020ના ગલવાન સંઘર્ષ પછી ભારતે ચીની કંપનીઓ પાસેથી સીધા ટનલ બોરિંગ મશીનો ખરીદવામાં 95 ટકાથી વધુનો કાપ મૂકી દીધો છે. 2022-23માં જે ઈમ્પોર્ટ 18 મિલિયન ડોલર હતી તે 2025-26માં ઘટીને 8 લાખ ડોલર થઈ ગઈ છે. બીજો દાવ ભારતે ચેન્નઈમાં રમ્યો. ચીની કસ્ટમ્સે જ્યારે જર્મન કંપની હેરેનકનેક્ટના મશીનો રોક્યા, ત્યારે જર્મનીને પણ સમજાઈ ગયું કે ચીન પર ભરોસો કરવો ભારે પડી શકે છે. જર્મન રાજદૂતે કહ્યું એમ બધા ઈંડા એક જ ટોપલીમાં ન મૂકી શકાય. ચીનથી ચેન્નઈ સુધીની મહાકાય મશીનની સફર જેના કારણે જર્મન કંપની હેરેનકનેક્ટે ચીન પરથી ડિપેન્ડેન્સી ઘટાડીને ભારતના ઉત્તર ચેન્નઈમાં 12.4 એકર જમીન પર પોતાનો પ્લાન્ટ ખડકી દીધો છે. અહીં પહેલેથી જ 60-70 ટકા ભારતીય પાર્ટ્સ સાથે વર્ષે 10-12 મેટ્રો ટનલ બોરિંગ મશીન બને છે. અને હવે મુંબઈના રોડ ટનલ પ્રોજેક્ટ માટે 15.62 મીટર વ્યાસના બે મહાકાય ટનલ બોરિંગ મશીન ચીનને બદલે સીધા ચેન્નઈમાં જ બની રહ્યા છે, જેના પાર્ટ્સ જર્મનીથી આવે છે. ખાલી આટલું જ નહીં, એપ્રિલ 2026માં ભારતની સરકારી કંપની BEML અને દિલ્લી મેટ્રોએ હાથ મિલાવ્યા. જાપાન અને ઓસ્ટ્રિયાની મદદ લઈને ભારત હવે પોતાના 16.5 મીટર સુધીના પૂરા સ્વદેશી ટનલ બોરિંગ મશીનો બનાવવા જઈ રહ્યું છે. આવું કરવા માટે સરકારે આશરે 10 હજાર કરોડ સ્પેશિયલ ઈન્સેન્ટિવ સ્કીમ પણ તૈયાર કરી છે. ટૂંકમાં આ બધા ડોટ્સને એકસાથે જોડીને જોઈએ તો બુલેટ ટ્રેનમાં જાપાનનું મોંઘું વેન્ડર લોક-ઈન તોડીને ભારતે હાઈબ્રિડ મોડલ અપનાવ્યું. ચીનના ટનલ બોરિંગ મશીન પ્રતિબંધ પહેલા ભારતે સ્વદેશી મશીનો બનાવવા નિર્ણયો લીધા. આ અચાનક લેવાયેલા નિર્ણયો નથી. મોદી સરકારે 7 નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરી 2026-27ના બજેટમાં સરકારે દેશના 16 લાખ કરોડના ખર્ચે 4 હજાર કિલોમીટર લાંબા 7 નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જો ભારત આજે જાપાનની 46 કરોડની ટ્રેન કે ચીનના મશીનોના ભરોસે બેઠું રહે તો ભવિષ્યના આ 16 લાખ કરોડ વિદેશી કંપનીઓની તિજોરીમાં ચાલ્યા ગયા હોત અને આપણા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાપ હંમેશા માટે કાં તો બંધ થઈ ગઈ હોત અથવા ટોક્યો કે બેજિંગના હાથમાં જતી રહી હોત. ઓગસ્ટ 2027માં જ્યારે સુરતથી વાપી વચ્ચે દેશની પહેલી સ્વદેશી B28 વંદે બુલેટ ટ્રેન દોડશે અને મુંબઈના દરિયા નીચેની ટનલ પૂરી થશે ત્યારે માત્ર બે શહેરોને જોડનારી ટ્રેન નહીં હોય એ એ વાતનું સર્ટિફિકેટ હશે કે નવું ભારત હવે કોઈ મહાસત્તાની શરતો પર નહીં પણ પોતાની ટેક્નોલોજી અને શરતો પર રફ્તાર પકડે છે. અને છેલ્લે… જ્યારે બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે જાપાનનું નામ લેવું જ પડે. જાપાનમાં 600 કિમીની સ્પીડે હાઈ સ્પીડ ટ્રેન દોડી ચૂકી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ત્યાં 62 વર્ષથી બુલેટ ટ્રેન દોડે છે. પણ હજુ સુધી એક્સિડેન્ટમાં એક પણ વ્યક્તિનું મોત થયાનો કિસ્સો બન્યો નથી. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *