Surat News: નાસીરનગર ડિમોલિશન મામલે મનપાના વલણ સામે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ

📅 Published: November 12, 2026 | 📂 Category: Surat

સુરત મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા નાસીરનગર ડિમોલિશનના કેસમાં અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવામાં નહીં આવે તેવી સ્પષ્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આ દરખાસ્તમાં જણાવાયું છે કે જાહેર જમીન પરના દબાણના કિસ્સામાં આવાસ નીતિ લાગુ થઈ શકતી નથી.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.આ મામલે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય અભ્યાસ વગર જ આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.આ સમગ્ર પ્રક્રિયા પાછળ બિલ્ડર અને મનપાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ અસરગ્રસ્તો દ્વારા આક્ષેપ કરાયો છે. 

જમવાનું કે પીવાનું પાણી પણ અપાતું નથી

સુરત મનપા દ્વારા વૈકલ્પિક આવાસ નહીં આપવાની વાત સામે આવતા જ નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોનું નિવેદન સામે આવ્યું છે.અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા પાંચ મહિનાથી મનપાના હોલમાં આશરો લઈને રહી રહ્યા છે.શરૂઆતમાં મનપા દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે છેલ્લા ચાર મહિનાથી આ હોલમાં અસરગ્રસ્તોને જમવાનું કે પીવાનું પાણી પણ અપાતું નથી.અગાઉ વ્યવસ્થા આપવાની વાત કર્યા બાદ હવે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્પષ્ટ ના કહી રહ્યું છે.જેના કારણે અસરગ્રસ્ત પરિવારો બેહાલ બન્યા છે.

હવે આ મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચશે

અસરગ્રસ્તોએ સવાલ ઉઠાવ્યા હતા કે,જો તેઓ વર્ષોથી સરકારી જમીન પર રહેતા હતા તો વર્ષોથી વેરાબિલ,લાઈટબિલ અને રોડ શા માટે બનાવવામાં આવ્યા હતા? આ ઉપરાંત જો આ જગ્યા સરકારી હતી તો તેમને પહેલાંથી જ ખાલી શા માટે ન કરાવ્યા તેવો અણીયારો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.અસરગ્રસ્ત પરિવારોએ રોષભેર જણાવ્યું હતું કે, મનપા પોતાને ગુજરાત હાઇકોર્ટ કરતાં પણ મોટી માની રહી છે. આમ, જાહેર દબાણના કિસ્સામાં આવાસ નીતિ ન હોવાના નામે પાલિકાએ હાથ અધ્ધર કરી લીધા છે, જેનાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને હવે આ મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચશે.

આ પણ વાંચોઃ Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *