સૂકામેવાનું વજન વધારવા અંજીર ગંદા પાણીમાં પલાળતા હોવાનો આક્ષેપ:ઊન ચંડાલ ચોકડી પાસેના વેપારી સામે ફૂડ વિભાગે તપાસના આદેશ આપ્યા, સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા!

📅 Published: November 12, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ઊન વિસ્તારમાં આવેલા ચંડાલ ચોકડી પાસે રોડ પર કાજુ, બદામ અને અંજીર જેવા સૂકામેવાનું વેચાણ કરતા કેટલાક વેપારીઓ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે અંજીરનું વજન વધારવા માટે તેને ગંદા પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. આ પ્રકારની અખાદ્ય અને બેજવાબદાર પ્રવૃત્તિથી ગ્રાહકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. ‘ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા’
ફૂડ અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમારી પાસે આ બાબતે અત્યાર સુધી કોઈ સીધી કે લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે અમે આની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ વેપારી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો જણાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં અચાનક ચેકિંગ અભિયાન કરવા લોકોની માગ
સુરત શહેરમાં અગાઉ પણ તહેવારો અને સામાન્ય દિવસોમાં ખાદ્યચીજોમાં ભેળસેળ તથા ગેરરીતિઓના કિસ્સા સામે આવતા રહ્યા છે. ત્યારે રોડ પર લારી કે પથારા પર ચાલતા આવા વેપારીઓ પર તંત્રની સઘન નજર રહેવી અત્યંત જરૂરી છે. નાગરિકો દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે ફૂડ વિભાગે માત્ર આ ચોક્કસ કિસ્સા પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર વિસ્તારમાં અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરાઈ તેવી માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *