દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ અને વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું.આ સમયગાળામાં નિયમિત ટ્રેનો ઉપરાંત 1800 કરતાં વધુ સ્પેશિયલ ટ્રેનો નોટિફાય કરાઈ હતી.1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત વિસ્તારમાંથી 6 લાખ મુસાફરોએ સફળ મુસાફરી કરી છે, જેના પગલે હવે રેલવે પરિસરમાં ભીડ સંપૂર્ણ નિયંત્રણમાં આવી છે.સુરત અને ઉધના વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ તેમજ બિહાર તરફ જવા માટે મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હતો.
75થી વધુ ટ્રેનોના 350થી વધુ ફેરા
વેસ્ટર્ન રેલવેના પીઆરઓ અનુભવ સક્સેનાએ કહ્યું હતું કે, આ સ્થિતિને પહોંચી વળવા રેલવે દ્વારા 75થી વધુ ટ્રેનોના 350થી વધુ ફેરા દોડાવવામાં આવ્યા હતા.મુસાફરોની સુવિધા કાજે ઉધના સ્ટેશન પર 15000 મુસાફરોની ક્ષમતા ધરાવતું વિશેષ પેસેન્જર ફેસિલિટી સેન્ટર શરૂ કરાયું હતું.આ હોલ્ડિંગ એરિયા 10000 ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયો હતો.તે ભારતનું આ પ્રકારનું સૌથી મોટું સુવિધા કેન્દ્ર બન્યું છે. અહીં મુસાફરો સરળતાથી ટિકિટ મેળવી શકે તે માટે ૧૦ ખાસ ટિકિટ કાઉન્ટર કાર્યરત કરાયા હતા.આ પરિસરમાં આધુનિક શૌચાલયની પણ ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જાળવવા ૧૫૦થી વધુ સ્પીકર્સની ઘોષણા પ્રણાલી તેમજ સીસીટીવી કેમેરા સજ્જ કરાયા હતા.
વિશેષ તકેદારી રાખવામાં આવી હતી
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અગવડ ન પડે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.સુરક્ષા દળ આરપીએફ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સ્ટેશન પર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તમામ મુસાફરોને શિસ્તબદ્ધ રીતે કતારબદ્ધ ઊભા રાખીને શાંતિપૂર્ણ માહોલમાં ટ્રેનોમાં બેસાડવામાં આવ્યા હતા.આ સુચારુ વ્યવસ્થાના પરિણામે 1 ઓક્ટોબરથી અત્યાર સુધી લાખો મુસાફરો સુરક્ષિત પહોંચ્યા છે.હવે તહેવારો પૂર્ણ થતાં સ્ટેશનો પર ભીડની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હાલ સુરત અને ઉધના બંને સ્ટેશનો ખાતે મુસાફરોની અવરજવર સામાન્ય થઈ ચૂકી છે.
