જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર સામે કાર રોકીને 2 લોકો પર લોખંડના પાઇપથી હુમલો કરવાના કેસમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયા બાદ જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.વી. રાઠોડ અને સ્ટાફે તપાસ શરૂ કરીને હથિયારો અને ગુનામાં વપરાયેલી ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બાતમીના આધારે સાત આરોપીઓને ઝડપી લીધા
બાતમી અને તપાસના આધારે પોલીસે રાહુલ ઉર્ફે રઘુ આલ, હરજી રબારી, કિશન ખાભલા, વિજય ઉર્ફે હમીર રબારી, રાજ રબારી, હમીર કરમટા અને ભારો મોરી સહિતના આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા ધવલ વાસુ અને તેમના પિતાને અગાઉ ગામ પાસે આરોપીઓના સંબંધીઓ સાથે તકરાર થઈ હતી, જેની અદાવતમાં 9 નવેમ્બરે બપોરે આશરે પોણા 4 વાગ્યે આ હુમલો થયો હતો. કારના કાચ તોડી પાઇપથી માર મારી ધમકી આપી
ધવલ જી.જી. હોસ્પિટલમાં સારવાર કરાવી કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સામે આરોપીઓએ પોતાની બુલેટ કારની આગળ આડી મૂકી રસ્તો રોક્યો હતો. ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપથી કારના કાચ તોડી ધવલને ડાબા પડખા અને ડાબા હાથમાં માર માર્યો હતો, તેમજ મોબાઇલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ધવલ સાથે બેઠેલા ભરતને પણ લોખંડના પાઇપથી છાતી અને જમણા હાથ પર માર મારવામાં આવ્યો હતો
હુમલાના કેસમાં સાત આરોપીની ધરપકડ:જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કાર રોકી બે વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
