Flying Car: હવે ટ્રાફિક જામમાંથી મળશે છુટકારો! ચીને બનાવી બે સીટવાળી ઉડતી કાર, કિંમત જાણીને ચોંકી જશો

📅 Published: November 13, 2026 | 📂 Category: Business

હવે રસ્તાઓ પર લાગતા લાંબા ટ્રાફિક જામથી તમને છુટકારો મળી શકે છે. આવો દાવો ચીનની કંપની એક્સપેંગ એરો એચટી (XPENG AeroHT)એ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આવતા વર્ષની ગરમીની ઋતુ સુધીમાં લોકો બે સીટવાળી ઉડતી કારમાં બેસીને મુસાફરી કરી શકશે.

XPENG AeroHTના CEO ડેલી ઝાઓએ જણાવ્યું કે આ વાહન વર્ષ 2027ના અંતિમ મહિનાઓ સુધીમાં સામાન્ય લોકો અને ઇમરજન્સી સેવાઓ માટે તૈયાર થઈ જશે.

છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલી મહેનત અને અનેક સફળ પરીક્ષણો બાદ ચીનના ઉડ્ડયન વિભાગે તેને ઉડાવવાની મંજૂરી પણ આપી દીધી છે. આ કારની કિંમત 3 લાખ ડોલર એટલે કે અંદાજે 2.18 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

માત્ર પાંચ મિનિટમાં ઉડાવતાં શીખી શકાશે!

અંદરથી આ વાહન નાની કાર જેવું જ છે, જેમાં બે લોકો આરામથી બેસી શકે છે. તેને હવામાં ઉડાવવા માટે બેટરીથી ચાલતા છ મોટા પંખા લગાવવામાં આવ્યા છે, જે મોટા ડ્રોનની જેમ કામ કરે છે.

તેને ચલાવવું પણ ખૂબ સરળ હોવાનું કંપનીનો દાવો છે. જોયસ્ટિકની મદદથી તેને કોઈપણ દિશામાં વાળી શકાય છે. જો તમે જાતે તેને ઉડાવવા ન ઇચ્છતા હો, તો તેમાં પહેલેથી જ ગંતવ્ય નક્કી કરીને ઓટોમેટિક ઉડાન માટે પણ મોકલી શકાય છે.

કંપનીના વડા ઝાઓ પોતે પાઇલટ છે. તેમનો દાવો છે કે તેઓ કોઈપણ સામાન્ય વ્યક્તિને માત્ર પાંચ મિનિટમાં આ વાહન ઉડાવતાં શીખવી શકે છે.

વાનની પાછળથી બહાર આવે છે આ અનોખી કાર

આ ઉડતી કારને લઈ જવાની અને લાવવાની રીત પણ કોઈ ફિલ્મના દૃશ્ય જેવી છે. તેની કિંમતમાં છ પૈડાંવાળી એક મોટી વાન પણ સામેલ છે. જ્યારે પણ તમારે ઉડાન ભરવી હોય, ત્યારે વાનના પાછળના ભાગમાંથી આ કાર બહાર નીકળે છે. આ દૃશ્ય હોલિવૂડની ‘ટ્રાન્સફોર્મર્સ’ ફિલ્મોમાં વાહનો જે રીતે પોતાનું સ્વરૂપ બદલે છે, તેના જેવું લાગે છે.

ઝાઓના જણાવ્યા અનુસાર, તેમને આ વાહન બનાવવાનો વિચાર ‘હેરી પોટર’ની વાર્તાઓમાં ઉડતાં જીવજંતુઓ અને ‘સ્પાઇડર-મેન’ના ઉડતા સ્કેટબોર્ડ પરથી આવ્યો હતો. તાજેતરમાં એક મોટા કાર્યક્રમમાં આ કાર રજૂ કરવામાં આવી ત્યારે તેને જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી.

એલન મસ્કની કાર પર કટાક્ષ

આ દિવસોમાં દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોનને લઈને અમેરિકા તથા ચીન વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. ગયા મહિને અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે પણ પોતાની કંપની ટેસ્લાની એક ઉડતી કાર રજૂ કરી હતી, જે ગેસના જોરદાર ધડાકાની મદદથી હવામાં ઊછળે છે.

આ અંગે કટાક્ષ કરતાં ચીની કંપનીના વડા ઝાઓએ કહ્યું કે મસ્કનું વાહન વાસ્તવમાં ઉડતું નથી, પરંતુ માત્ર હવામાં કૂદકા મારે છે. તેમણે તેની સરખામણી સર્કસના ખેલ સાથે કરી હતી. બીજી તરફ, ચીનની આ કાર જમીનથી એક કિલોમીટર સુધીની ઊંચાઈએ સરળતાથી ઉડી શકે છે, એવો કંપનીનો દાવો છે.

શરૂઆતમાં અમુક ખાસ સ્થળોએ જ ઉડાવવાની મંજૂરી

ભલે તેને ઉડતી કાર કહેવામાં આવે, પરંતુ તેની નીચે કોઈ પૈડાં નથી. દેખાવમાં તે મોટા ડ્રોન અથવા નાના હેલિકોપ્ટર જેવી લાગે છે. કંપની શરૂઆતમાં એડવેન્ચર અને આકાશમાં ઉડવાનો શોખ ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ વાહન બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં તેને દરેક જગ્યાએ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તેનો ઉપયોગ ચીનના અમુક પાર્ક અને એવા બચાવદળો માટે કરવામાં આવશે, જેમને પહાડી અથવા મુશ્કેલ રસ્તાઓ પર તાત્કાલિક પહોંચવાની જરૂર પડે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ આ વાહન 30 કિલોમીટર સુધી જઈ શકે છે. જોકે, બેટરીને વધુ શક્તિશાળી બનાવીને ટૂંક સમયમાં આ અંતર બમણું કરવાની તૈયારી ચાલી રહી છે.

દુનિયાભરના બજારોમાં પ્રવેશવાની તૈયારી

ચીન સરકાર હાલમાં ઓછી ઊંચાઈએ ઉડતાં વાહનોને ઝડપથી પ્રોત્સાહન આપી રહી છે. સરકારની યોજના મુજબ, શરૂઆતમાં આ કારનો ઉપયોગ ગામડાંઓમાં કરવામાં આવશે, જ્યાં ભીડ ઓછી હોય છે. ત્યારબાદ તેનો ઉપયોગ સામાન અને લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે કરવામાં આવશે.

એકલા ચીનમાં જ આશરે 20 કંપનીઓ આ પ્રકારનાં વાહનો બનાવવામાં લાગી છે. ઝાઓનું માનવું છે કે આવનારા સમયમાં તમામ કારમાં પાંખો લાગી જશે અને આપણી મુસાફરી રસ્તાઓ પરથી હવામાં શરૂ થશે.

તેમણે જણાવ્યું કે આરબ દેશો અને એશિયાના અનેક વિસ્તારોમાં આ વાહન શરૂ કરવા અંગે વાતચીત નક્કી તબક્કે પહોંચી ગઈ છે. હવે કંપનીની નજર યુરોપના બજાર પર છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *