આ વર્ષના દિવાળી વેકેશનમાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ છેલ્લા 8 વર્ષમાં અહીં 3 કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. ચાલુ દિવાળી વેકેશન દરમિયાન માત્ર 6 દિવસમાં જ 5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડબ્રેક સંખ્યા છે. વેકેશનમાં હાઉસફુલ રહ્યા પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો હાઉસફુલ જોવા મળ્યા છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે હોટલો, ટેન્ટસિટી અને રો-હાઉસમાં બુકિંગનો ધમધમાટ જોવા મળ્યો હતો. રોજના 1 લાખ જેટલા પ્રવાસીઓ આવવા છતાં મુલાકાતીઓને કોઈ મુશ્કેલી પડી નહોતી. SOU તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ 6 દિવસ ખડેપગે પ્રવાસીઓની સેવામાં રહ્યા હતા. પ્રવાસીઓની સુવિધા માટે હોટલો અને ટેન્ટસિટીમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવસ દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત ઉપરાંત રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓની અવરજવર સરળ બને તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની સ્પેશિયલ બસો દોડાવવામાં આવી રહી છે. નવા આકર્ષણો બન્યા પ્રવાસીઓની પહેલી પસંદ એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત કુદરતી સૌંદર્યથી ભરપૂર 23થી વધુ નાના-મોટા પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વર્ષ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ અને રેન ફોરેસ્ટ સહિતના નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ થવાથી પ્રવાસીઓના આકર્ષણમાં વધુ વધારો થયો છે. જેને લઈને આ વર્ષે સૌથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે અને હજુ પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. છેલ્લા 8 વર્ષથી દર દિવાળી વેકેશનમાં એકતાનગરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. નવા પ્રવાસન પ્રોજેક્ટો, આધુનિક સુવિધાઓ અને કુદરતી સૌંદર્યના સંગમને કારણે હવે અન્ય રાજ્યોમાં ફરવા જવાને બદલે ગુજરાતનું એકતાનગર દેશભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે.
દિવાળીના છ દિવસમાં એકતાનગરમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા:તહેવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં સ્થળો હાઉસફુલ; હોટલ અને ટેન્ટસિટીના રૂમ બુક થયા
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
